1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat unseasonal rain,

ગુજરાતમાં કુદરતનો કહેર: કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ, સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ

jitu vaghani
ગુજરાતમાં હવામાનના મિજાજમાં આવેલા ઓચિંતા પલટાને કારણે ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. આ અણધારી કુદરતી આફતે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે, જેના કારણે ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે અને ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
 

કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા તાત્કાલિક એક્શન

 
ખેડૂતોની વેદનાને ધ્યાને રાખી રાજ્ય સરકાર તાત્કાલિક હરકતમાં આવી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના તમામ અસરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાઓ પાસેથી પાક નુકસાનીનો પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો છે. મંત્રીએ જણાવ્યું છે કે ક્લાયમેટ ચેન્જની આ અસરને કારણે થયેલા નુકસાનનો સત્વરે સર્વે કરવા તંત્રને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.
 

સર્વે બાદ આર્થિક સહાયની ખાતરી

 
સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કૃષિ વિભાગની ટીમો ગ્રાઉન્ડ લેવલ પર જઈને નુકસાનીનો આંકડો મેળવશે. આ સર્વેનો અંતિમ રિપોર્ટ તૈયાર થયા બાદ સરકાર ખેડૂતોને થયેલા નુકસાન મુજબ આર્થિક સહાય ચૂકવવા અંગે મહત્વનો નિર્ણય લેશે. સરકારનો ઉદ્દેશ્ય મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને વહેલી તકે રાહત પહોંચાડવાનો છે.
 

ગીર સોમનાથમાં કુદરતનો કહેર

 
સૌથી વધુ માઠી અસર ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે, જ્યાં ગીર ગઢડા પંથકમાં માત્ર 2 કલાકના વરસાદે ખેતીને પાયમાલ કરી દીધી છે. હરમડિયા અને આસપાસના ગામોમાં ભારે પવન સાથે પડેલા વરસાદે ખેતરોમાં પાણી ભરી દીધા છે. ખેડૂતો હવે સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી પૂર્ણ કરે.
 
બાગાયતી અને ઉનાળુ પાકને વ્યાપક નુકસાન
 
આ કમોસમી વરસાદે ખાસ કરીને બાજરી, તલ, ડુંગળી અને અડદ જેવા ઉનાળુ પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વધુમાં, ગીર પંથકમાં આંબાના ઝાડ પરથી કાચી કેરીઓ ખરી પડવાને કારણે અને અનેક જગ્યાએ આખેઆખા ઝાડ ધરાશાયી થવાને કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
 

હજુ 7 દિવસ આફતની આગાહી

 
હવામાન વિભાગની આગાહી મુજબ ખેડૂતો પરથી હજુ સંકટ ટળ્યું નથી. રાજસ્થાનમાં સક્રિય થયેલી 'સાયક્લોનિક અપર એર સિસ્ટમ'ને કારણે આગામી 7 દિવસ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે.
ये भी पढ़ें
અબ્દુલ બાસિતની ભારતને ધમકી: "જો અમેરિકા હુમલો કરે, તો પાકિસ્તાને મુંબઈ અને દિલ્હી પર બોમ્બમારો કરવો જોઈએ"