સંબંધિત સમાચાર
- ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, જાણો કયા જીલ્લામાં છે વરસાદની આગાહી
- ગુજરાતમાં હજુ પડી શકે છે વરસાદ ? 16 અને 17 ઑક્ટોબરે આ જિલ્લામાં વરસાદની આગાહી
- મેઘરાજા બગાડી શકે છે દિવાળીની મજા, દિવાળીની આસપાસ કમોસમી માવઠું પડે તેવી આગાહી
- Heavy Rain Forecast in Gujarat : આજથી ત્રણ દિવસ માટે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- અમદાવાદમાં ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું સંકટ: 22 માર્ચથી નવી સિસ્ટમ સક્રિય થશે
ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 22 માર્ચથી આકાશમાં એક નવી હવામાન સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સર્જાનારી આ સિસ્ટમને પગલે ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આ નવી સિસ્ટમ 25 માર્ચ બાદ વધુ અસરકારક બનશે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ધૂળની ડમરીઓ સાથે ફરી માવઠું પડી શકે છે.
હાલમાં દેશમાં પાંચ જેટલી હવામાન સિસ્ટમ કાર્યરત હોવાથી રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અસ્થિર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં દિવસ દરમિયાન તાપમાનમાં વધારો અનુભવાશે, પરંતુ સાંજના સમયે વાદળો ઘેરાશે અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
છેલ્લા 24 કલાકના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્યના 72 તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેમાં અમરેલી જિલ્લાના બગસરામાં સૌથી વધુ 1.61 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ચોટીલામાં 1.54 ઈંચ અને રાજકોટ તથા ભેંસાણમાં 1.38 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ઉપલેટા, ધોરાજી, સાવરકુંડલા અને ભાવનગર જેવા વિસ્તારોમાં પણ પોણો ઈંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવન અને કરાને કારણે અનેક જગ્યાએ ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. મુંદ્રા, લોધિકા, લાલપુર અને વિસાવદર જેવા વિસ્તારોમાં પણ અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી કલાકોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપી છે, તેથી લોકોને અને ખાસ કરીને ખેડૂતોને સાવચેત રહેવા અને પોતાના પાકને સુરક્ષિત રાખવા માટે સલાહ આપવામાં આવી છે.
