ગુજરાતમાં હજુ પડી શકે છે વરસાદ ? 16 અને 17 ઑક્ટોબરે આ જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતમાં પાછલા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટી ગયું છે, આ સાથે ઓછામાં ઓછું વહેલી સવારે અને રાત્રે ઠંડીનો હળવો ચમકારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ નવરાત્રિના કેટલાક દિવસો દરમિયાન રાજ્યમાં જામેલા વરસાદી માહોલે ખેલૈયાઓની મજા બગાડી હોવાનું બધાને યાદ છે. હવે હવામાન વિભાગે આગામી 20મી ઓક્ટોબર સુધીનું હવામાનનું અનુમાન જાહેર કર્યું છે. આ અનુમાન મુજબ, આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવે જ્યારે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે એવી ચર્ચા થઈ રહી છે કે શું દિવાળીની અગાઉના દિવસોમાં પણ પણ વરસાદની કોઈ શક્યતા ખરી કે એ દરમિયાન ઠંડીનો ચમકારો હજુ વધશે. હવામાન વિભાગના નવા બુલેટિન પ્રમાણે આજે અને આગામી બે દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા બહુ ઓછી છે, પરંતુ 16 અને 17 ઑક્ટોબરે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આગામી કેટલાક દિવસોમાં હવામાન કેવું રહેશે? હવામાન વિભાગે પોતાની નવી આગાહીમાં શું જણાવ્યું?
હવામાન વિભાગે જાહેર કરેલા લેટેસ્ટ બુલેટિનમાં આપેલી વિગતોની વાત કરીએ તો ગત 24 કલાકમાં રાજ્યમાં વાતાવરણ શુષ્ક જોવા મળ્યું હતું.
આ સિવાય રાજ્યમાં કેટલાંક સ્થળોએ પવન જોવા મળ્યો હતો.
આગામી દિવસોમાં વાતાવરણની આગાહી અંગે હવામાન વિભાગે આપેલી જાણકારીની વાત કરીએ તો આગામી છ દિવસ સુધી રાજ્યના મહત્તમ તાપમાન કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતા નથી. જ્યારે આગામી બે દિવસ સુધી ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની આગાહી છે.
આ સિવાય એ બાદના દિવસોમાં વાતાવરણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
બુધવારના દિવસે મોટા ભાગે સમગ્ર રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. એ બાદ ગુરુવારના દિવસે ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેને બાદ કરતાં બાકીના તમામ જિલ્લાઓમાં વાતાવરણ શુષ્ક રહે તેવી સંભાવના છે.
શુક્રવારના દિવસે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. શનિવારના દિવસે અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
રવિવારે પણ ગીર સોમનાથ, ડાંગ, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત તમામ અન્ય જિલ્લાઓમાં મોટા ભાગે વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. આવતા અઠવાડિયે સોમવારના દિવસે પણ સમગ્ર રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે.