સુઈગામમાં 10 ઈંચ કરતા વધુ વરસાદ, અમદાવાદ બે ઈંચ વરસાદથી જ જળબંબાકાર
Gujarat Weather Update બંગાળની ખાડીમાં સક્રિય વરસાદની સિસ્ટમ ગુજરાત માથે આવીને મજબૂત ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે. જેના પગલે છેલ્લા ચારેક દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, ત્યારે સવારથી મેઘરાજા બનાસકાંઠામાં તોફાની બેટિંગ કરી રહ્યાં છે.
અમદાવાદ સહિતનાં શહેરો અને જિલ્લામાં ઘણા વિસ્તારોમાં પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો. શહેરમાં સરેરાશ બે ઈંચ જેટલો જ વરસાદ વરસ્યો હોવા છતાં અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનચાલકો પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સંત સરોવરમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે અમદાવાદ રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા હતા. ચોમાસાની વિદાય નિકટ આવતી જાય છે ત્યારે અંતિમ દિવસોમાં ભારે વરસાદને પગલે રાજ્યમાં મોટા ભાગની નદીઓ અને જળાશયોનાં જળસ્તર વધ્યાં છે. ઘણી જગ્યાએ તો સિઝનના અંતિમ દિવસોમાં અસામાન્ય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા અખબારી યાદી જાહેર કરીને જણાવ્યું છે કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે સાબરમતી, મહી, વાત્રક, શેઢી સહિતની નદીઓમાં પૂરની સ્થિતિમાં કોઈ અણબનાવની ઘટના ન બને તેને લઈને સલામતીના ભાગરૂપે આવતીકાલે સોમવારે 8 સપ્ટેમ્બરના રોજ ખેડા જિલ્લાના તમામ આગંણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
હવે ભારતના હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે એ મતલબની આગાહી કરી છે.જે મુજબ રવિવારે કેટલાક રેડ ઍલર્ટ અને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરી દેવાયું છે. એ પહેલાં જાણીએ રાજ્યમાં પાછલા 24 કલાકમાં પડેલા વરસાદ અને હવામાનની સિસ્ટમોની સ્થિતિ વિશે.
હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી મુજબ પાછલા 24 કલાકમાં ગુજરાતના મહીસાગર, તાપી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય મહીસાગર, તાપી, અરવલ્લી, સુરત, નવસારી, પંચમહાલ, ખેડા, ભરૂચ અને ગાંધીનગર કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં અતિભારે વરસાદ બાદ સિસ્ટમનો રસ્તો બદલાયો, હવે કયા જિલ્લામાં જળબંબાકાર થશે?
ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે. ગુજરાત અને રાજસ્થાન પર રહેલી સિસ્ટમ વધુ મજબૂત બની છે, અને હવામાન વિભાગના જણાવ્યાનુસાર આ સિસ્ટમ હજી વધુ મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જેના કારણે ગુજરાતમાં હજુ વધુ વરસાદ પડવાની સંભાવના છે. આ સિસ્ટમ ડિપ્રેશન બનવાની સાથોસાથ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થશે.
બંગાળની ખાડીમાં બનીને આગળ વધેલી સિસ્ટમ વેલમાર્ક્ડ લૉ પ્રેશર એરિયા બન્યા બાદ એ નબળી પડી હતી, ગુજરાત અને રાજસ્થાન પર આવતાં આવતાં આ સિસ્ટમ ફરીથી મજબૂત બની છે.