સોમવાર, 1 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 સપ્ટેમ્બર 2025 (09:32 IST)

Heavy Rain Forecast in Gujarat : આજથી ત્રણ દિવસ માટે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

kutch rain
રાજ્યમાં આજે ફરી એક વખત મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમ બની છે, જે ગુજરાત પરથી પસાર થાય એવી પૂરી સંભાવનાઓ છે. આ સિસ્ટમને કારણે 4થી 8 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થવાની સંભાવના સાથે લોકોને સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 92 ટકા વરસાદ પડી ગયો છે. તેમાં કચ્છમાં સરેરાશ 85 ટકા વરસાદ થયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 95 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. 
 
પૂર્વ મધ્ય ગુજરાતમાં 91 ટકાથી વધારે વરસાદ પડી ગયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 84 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 95 ટકા કરતાં વધુ વરસાદ થયો છે.
 
ગુજરાતના ડૅમોમાં સરેરાશ 82 ટકાની આસપાસ પાણી છે. સરદાર સરોવર ડૅમ 90 ટકા જેટલો ભરાયો છે.
 
સરેરાશ સમુદ્ર સપાટી પરનું ચોમાસું ક્ષેત્ર હવે બિકાનેર, જયપુર, દમોહ, પેંડરા રોડ, સંબલપુર, ઉત્તર ઓડિશા કિનારે બંગાળની ખાડી પર સ્પષ્ટ રીતે ચિહ્નિત ઓછા દબાણ ક્ષેત્રના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં જાય છે. આગામી દિવસોમાં પડનારા વરસાદ પર એક નજર કરીએ.
 
આગામી અઠવાડિયામાં કેટલો વરસાદ પડશે?
આજથી તારીખ દસ સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, અને દમણ દાદરા અને નગર હવેલીમાં મોટાભાગનાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ-ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
 
આજે ક્યાં અતિભારે વરસાદની શક્યતા છે?
તારીખ ચોથી સપ્ટેમ્બર એટલે કે આજે ગુજરાત પ્રદેશના નર્મદા અને તાપી જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને છૂટાછવાયા અતિ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાત પ્રદેશના જિલ્લાઓ છોટા ઉદેપુર, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
 
ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને વડોદરા જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.
 
ગુજરાતમાં ઉત્તર ઝોન, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં વીજળી અને સપાટીના પવન સાથે હળવા મેઘગર્જના સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયાં સ્થળોએ વરસાદની સંભાવના છે.