મહારાષ્ટ્રના મુંબઈમાં રાતભર સતત વરસાદ પડ્યા બાદ સોમવારે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જ્યારે મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગિરિ, સતારા, કોલ્હાપુર અને પુણે જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે મુંબઈમાં વરસાદ સંબંધિત ઘણી ઘટનાઓ બની હતી. જેમાં શોર્ટ સર્કિટ, ઝાડ કે ડાળીઓ પડવા અને દિવાલ ધરાશાયી થવાનો સમાવેશ થાય છે. જોકે, સારી વાત એ છે કે અત્યાર સુધી કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. રવિવારે સાંજે દક્ષિણ મુંબઈના પ્રભુ ગલીમાં બે માળની ઇમારતની સીડીનો એક ભાગ તૂટી પડ્યો હતો.
ક્યા કેટલો વરસાદ ?
બીએમસીની રિપોર્ટ મુજબ, રવિવારે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં ટાપુ શહેરમાં સરેરાશ 23.81 મીમી, પૂર્વીય ઉપનગરોમાં 25.01 મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં 18.47 મીમી વરસાદ પડ્યો હતો. કેટલાક સ્થળોએ 40-45 મીમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ છતાં, IMD એ રવિવારે સવાર સુધીમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાવ્યો હતો. ક્યારેક હળવો વરસાદ અને ક્યારેક ભારે વરસાદ પડ્યો હતો. જોકે, મધ્ય રેલ્વે પર લોકલ ટ્રેનો સોમવારે સવારે થોડી મોડી દોડી હતી, પરંતુ અધિકારીઓએ વિલંબનું કારણ સ્પષ્ટ કર્યું નથી.
20 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
મુંબઈની સાથે, IMD એ આજે દહાણુ, વિક્રમગઢ, અલીબાગ, રાયગઢ રિઝર્વ, શ્રીવર્ધન, હરનાઈ, દાપોલી, રત્નાગિરિ, વિજયદુર્ગ, દેવગઢ, મિતભવ બીચ, સિંધુદુર્ગ, માલવણ, શ્રીરામવાડી, વેંગુર્લા અને સાવંતવાડી માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મુંબઈમાં 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. IMD ની શહેરવાર આગાહી મુજબ, 23 ઓગસ્ટ સુધી શહેરમાં હળવો વરસાદ ચાલુ રહેશે. આજે, મુંબઈમાં મહત્તમ તાપમાન 26.5°C અને લઘુત્તમ તાપમાન 24°C ની આસપાસ રહેશે.
મોસમ વિભાગે જાહેર કર્યુ રેડ એલર્ટ
આઈએમડીએ શનિવારે મુંબઈને રેડ એલર્ટ પર મુક્યુ હતુ, જ્યા કેટલાક વિસ્તારોમાં 200 મિમીથી વધુનો વરસાદ નોંધાયો. શહેરમાં રાતભર પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકલ ટ્રેનોની અવરજવર પર અસર પડી હતી. શનિવારે પૂર્વીય ઉપનગરોના વિક્રોલી પાર્કસાઇટ વિસ્તારમાં વરસાદ દરમિયાન ભૂસ્ખલનમાં બે લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. મધ્ય અને પશ્ચિમ રેલ્વે લાઇન પર અનેક સ્થળોએ પાટા પર પાણી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેન સેવાઓ પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. IMD એ રવિવારે 'નારંગી' ચેતવણી જારી કરી હતી, જેમાં મુંબઈ અને પડોશી થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રહેવાની આગાહી કરવામાં આવી હતી.
આ જીલ્લાઓમાં રેડ એલર્ટ
IMD એ મધ્ય મહારાષ્ટ્ર સબડિવિઝનના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે જેમા અહિલ્યાનગર, ધુલે, જલગાંવ, નાદુરબાર, પુણે, સતારા, સાંગલી, સોલાપુર, કોલ્હાપુર અને નાસિકનો સમાવેશ થાય છે. 19 ઓગસ્ટ સુધી વાવાઝોડાં, વીજળીના કડાકા અને ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. બીડ, છત્રપતિ સંભાજીનગર, ધારાશિવ, હિંગોલી, ઝાલના, લાતુર, નાંદેડ અને પરભણી સહિતના મરાઠવાડા સબડિવિઝનને આજે ઓરેન્જ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે અને આવતીકાલે ભારે અને હળવા વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ પર મુકવામાં આવ્યુ છે.