મંગળવાર, 24 માર્ચ 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 24 માર્ચ 2026 (00:31 IST)

પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની વાતો માત્ર અફવા : પંપ પર ખોટી લાઈનો ન લગાવવા સરકાર અને પેટ્રોલ એસોસિએશનની વિનંતી

Petrol-Diesel Shortage
Petrol-Diesel Shortage
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની વાતો માત્ર એક અફવા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની ગભરાહટમાં ન આવે અને પેટ્રોલ પંપ પર ખોટી ભીડ ન કરે. રાજ્ય સરકાર દરરોજ સપ્લાય અને જથ્થા અંગે સતત રિવ્યૂ કરી રહી છે.
 

અફવા ફેલાવનાર અને કાળાબજારીયાઓ સામે કડક કાર્યવાહી
 

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ન ફેલાવવા હાથ જોડીને વિનંતી કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જે લોકો અફવાઓ ફેલાવશે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, પેટ્રોલ-ડીઝલની કાળાબજારી કરનારા તત્વો વિરુદ્ધ પણ સરકાર આકરી કાર્યવાહી કરશે. તમામ શહેરોમાં લોકોને પૂરતું ઈંધણ મળી રહે તે માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

 

પેટ્રોલ એસોસિએશનનું નિવેદન: કંપનીઓ પાસે પૂરતો સ્ટોક
 

પેટ્રોલ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે પણ આ અફવાઓને રદિયો આપ્યો છે. તેમણે ખાતરી આપી છે કે પેટ્રોલિયમ કંપનીઓ પાસે ઈંધણનો પૂરતો સ્ટોક છે અને ઓછું વેચાણ કરવાનો કોઈ જ આદેશ આપવામાં આવ્યો નથી. અમદાવાદના કુલ 210  પેટ્રોલ પંપમાંથી માત્ર 2 કે 3 પંપ પર જ ઈંધણ નથી, બાકી બધે સપ્લાય સામાન્ય છે, તેથી સામાન્ય જનતાએ અફવાઓથી દૂર રહેવું જોઈએ.
 
સુરેન્દ્રનગરમાં અફવાની અસર: પેટ્રોલ પંપ પર લાંબી કતારો
આ અફવાની વ્યાપક અસર સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળી છે. લીંબડી સહિતના વિસ્તારોમાં લોકો ગભરાઈને પેટ્રોલ પંપ પર દોડી ગયા હતા, જેના કારણે લાંબી લાઈનો લાગી ગઈ હતી. નવાઈની વાત એ છે કે, જે વાહનચાલકોને પેટ્રોલની તાત્કાલિક જરૂર ન હતી, તેઓ પણ માત્ર અફવાના ડરથી ઈંધણ ભરાવવા માટે પહોંચી ગયા હોવાનું જાતે કબૂલ્યું હતું.
 
અમદાવાદના કાંકરિયા-મણીનગર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત
અમદાવાદ શહેરમાં અફવાએ ભારે જોર પકડ્યું છે. મણીનગરમાં કાંકરિયા પાસે આવેલા પેટ્રોલ પંપ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. વાહનચાલકોની એકથી દોઢ કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી જતાં પરિસ્થિતિ તંગ બની હતી. અફરાતફરીના આ માહોલને અને ભીડને કાબૂમાં લેવા માટે પોલીસની ગાડીઓ પણ પેટ્રોલ પંપ પર પહોંચી હતી અને વ્યવસ્થા જાળવવા પ્રયાસ હાથ ધર્યા હતા.
 
 ડ્રાઈવ ઈન રોડ પર વાહનચાલકોનો ધસારો
અમદાવાદના ડ્રાઈવ ઈન રોડ પર આવેલા પેટ્રોલ પંપો પર પણ લોકો ઈંધણ મેળવવા માટે ઉમટી પડ્યા હતા. પેટ્રોલ-ડીઝલ ખૂટી જવાની ખોટી અફવાને પગલે વાહનચાલકોમાં ભારે ગભરાહટ જોવા મળ્યો હતો અને લાંબી લાઈનો લાગી હતી. લોકોને મીડિયા અને તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ આવી ખોટી અફવાઓ પર વિશ્વાસ કરીને દોડધામ ન કરે.
 
દાણીલીમડામાં એક કલાકના વેઇટિંગ બાદ પણ લોકોને હાલાકી
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પણ પરિસ્થિતિ સામાન્ય ન હતી. અહીંના પેટ્રોલ પંપ પર પણ મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને ઈંધણ ભરાવવા માટે પહોંચી ગયા હતા. લાંબી લાઈનોને કારણે વાહનચાલકોએ એક-એક કલાક સુધી કતારમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો, છતાં પૂરતો લાભ મળી શક્યો ન હતો. આ ભીડથી સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
 
કચ્છ અને ભરૂચમાં પણ ભીડ, આગેવાનોની શાંતિ જાળવવા અપીલ
આ અફવા કચ્છ (ભુજ, મુંદ્રા, માંડવી, ગાંધીધામ, રાપર) અને ભરૂચ જિલ્લામાં પણ પહોંચી હતી, જ્યાં ભરબપોરે તાપમાં પણ લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા દોડ્યા હતા. જોકે, ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પેટ્રોલ પંપ સંચાલક દુષ્યંત પટેલે સ્પષ્ટતા કરી છે કે ટેન્કરો નિયમિત આવી રહ્યા છે અને જિલ્લામાં ઈંધણની કોઈ અછત નથી. તંત્રએ પણ લોકોને અનાવશ્યક ઈંધણનો સંગ્રહ ન કરવા અને માત્ર જરૂરિયાત મુજબ જ પેટ્રોલ-ડીઝલ પુરાવવા અપીલ કરી છે