વાયબ્રન્ટ સમિટ માટે 1500 પોલીસ જવાનોને નમ્રતાના પાઠ ભણાવાયા
ગાંધીનગરમાં આગામી તા.૧૮, ૧૯ અને ર૦મીએ યોજાનારી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટમાં દેશ અને વિદેશમાંથી મહાનુભાવો પધારવાના છે ત્યારે મહાત્મા મંદિર ખાતે બંદોબસ્તમાં રહેનાર પોલીસ અધિકારી જવાનોને શિસ્ત અને નમ્રતાના પાઠ ભણાવવામાં આવ્યા હતા. ડેલીગેટ સાથે કેવું વર્તન કરવું તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો નોંધવું રહેશે કે મહાત્મા મંદિરમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો એક્ઝિક્યુટીવ ડ્રેસમાં નજરે પડશે.
જેમાં ૧પ૦૦થી વધુ અધિકારી જવાનો ઉપસ્થિત રહયા હતા. દેશ વિદેશમાંથી આવનાર મહાનુભાવોને પોલીસને કડવો અનુભવ ના થાય અને તેમની સાથે શિસ્તબધ્ધ રીતે વાર્તાલાપ થાય તે હેતુથી આ સેમિનારમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યા હતા. નોંધવું રહેશે કે મહાત્મા મંદિરમાં પોલીસ બંદોબસ્ત માટે અનુભવી અધિકારી જવાનોને જ રાખવામાં આવતાં હોય છે. આ પોલીસ જવાનો માટે અલગ એક્ઝિક્યુટીવ ડ્રેસ પણ રાખવામાં આવતો હોય છે. આગામી તા.૧૬ જાન્યુઆરીથી શહેરમાં પાંચ હજારથી વધુ પોલીસ જવાનોને બંદોબસ્ત ફાળવી દેવામાં આવશે.
