સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 નવેમ્બર 2018 (12:08 IST)

૨૦૧૮ના વર્ષમાં સ્વાઇન ફ્લુથી મહારાષ્ટ્ર, રાજસ્થાન બાદ ગુજરાતમાં વધારે મોત

ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કેર જારી રહ્યો છે. ૨૦૧૮ના વર્ષમાં સ્વાઇન ફ્લુથી સૌથી વધુ મૃત્યુ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. આ વર્ષે મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૩૭૭, રાજસ્થાનમાંથી ૨૦૧ અને ગુજરાતમાંથી ૮૦ વ્યક્તિના સ્વાઇન ફ્લુથી મૃત્યુ નોંધાઇ ચૂક્યા છે. સમગ્ર દેશમાંથી ૨૦૧૮ના વર્ષમાં ૮૧૭ વ્યક્તિનું સ્વાઇન ફ્લુને લીધે મૃત્યુ થયું છે.
ગુજરાતમાં આ વર્ષે સ્વાઇન ફ્લુના ૧૯૩૫ કેસ નોંધાયા છે. આમ, આ વર્ષે સ્વાઇન ફ્લુના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં પણ ગુજરાત ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં ઓક્ટોબર સુધી સ્વાઇન ફ્લુને લીધે ૬૩ના મોત થયા હતા જ્યારે નવેમ્બર માસમાં ૧૭ વ્યક્તિ જીવ ગુમાવી ચૂકી છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી સ્વાઇન ફ્લુના ૧૭૩૯૨ કેસ નોંધાઇ ચૂક્યા છે અને ૧૧૩૮ વ્યક્તિના મૃત્યુ થયા છે.
તબીબોના મતે શિયાળો આવતા સ્વાઇન ફ્લુ માથું ઉંચકી શકે છે. આ સ્થિતિમાં વધુ લોકો એકત્ર થયા હોય તેવા સ્થળોએ મેડિકલ માસ્ક પહેરવું જોઇએ. આ ઉપરાંત બહારથી આવ્યા બાદ સાબુથી હાથ ધોવા હિતાવહ છે. ગુજરાતમાં ત્રણ પ્રકારના ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે. જેમાં HAH1N1, ઇન્ફ્લુએન્ઝા એ સબટાઇપ H3N2, ઇન્ફ્લુએન્ઝા બીનો સમાવેશ થાય છે.
ખાસ કરીને ગર્ભવતી મહિલોઓ, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ૬૫ વર્ષથી વધુ વયના વૃદ્ધ, ફેફસાં-કીડની-લિવરની સમસ્યા ધરાવતા દર્દીઓ, લાંબા સમયથી જેઓ સ્ટેરોઇડમાં હોય તેવા લોકો અને જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને સ્વાઇન ફ્લુથી વિશિષ્ટ ચેતવું જોઇએ. ગુજરાતમાંથી ૨૦૧૨ના વર્ષથી સ્વાઇન ફ્લુએ કેર વર્તાવવાનું શરૃ કર્યું હતું ત્યારે ૩૦ વ્યક્તિના તેનાથી મૃત્યુ નોંધાયા હતા. ૨૦૧૫ના વર્ષમાં સ્વાઇન ફ્લુથી સૌથી વધુ ૫૧૭ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.