#Swine Flu- તુલસી સ્વાઇન ફલૂની કારગર દવા
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ પંજો પ્રસરાવ્યો છે. મેડિકલ સાયન્સમાં તો સ્વાઇન ફ્લૂને કાબૂમાં એન્ટિવાયરલ દવાઓ મોજૂદ છે પણ આર્યુવેદની દ્રષ્ટિએ તુલસી પણ સ્વાઇન ફલૂની સારવારમાં કારગર દવા છે કેમ કે, તુલસીમાં યે એન્ટિવાયરલના ગુણ છે પરિણામે વ્યક્તિના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સ્વાઇન ફ્લૂને આર્યુવેદની ભાષામાં જનપદોધ્વંશ કહે છે. એક કરતાં વધુ લોકોને અસર કરતો હોવાથી આ રોગને જનપદોધ્વંશ કહે છે. જયારે સ્વાઇન ફ્લૂ જેવો રોગ બેકાબૂ બને ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ હિતાવહ છે.
વસંતઋતુ વખતે તેમાંયે બે ઋતુ ભેગી થતી હોય તે સંજોગોમાં ખાસ કાળજી રાખવા આર્યુવેદના જાણકારોની સલાહ છે. સ્વાઇન ફ્લૂએ સંક્રમક રોગ છે જે વાયરસના માધ્યમથી ફેલાય છે. આવા સંજોગોમાં ઘરનું વાતાવરણ પણ વાયરસથી મુક્ત હોવું જોઇએ.
- ગુગળ, લોબાન,છાણાં , ગાયનું ઘી , ઇલાયચી, જટામાનસી , લિમડો અને કઠઉપલેટ મિશ્રિત ધુપનો ધુમાડો કરવાથી વાયરસનો ફેલાવો અટકે છે.
- સ્વાઇન ફ્લૂને ત્રિદોષકજવર પણ કહે છે કેમકે, વાયુ, પિત અને કફનું સંતુલન ખોરવાતાં વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આમેય બે ઋતુ ભેગી થાય ત્યારે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે.
હાલમાં સ્વાઇન ફ્લૂએ ગુજરાતમાં કેર મચાવ્યો છે ત્યારે તુલસીનો ઉકાળો પણ કારગર દવા છે.
- તુલસીના પંદરેક પાનામાં એક ગ્રામ સૂંઠનો પાવડર, પાંચ ગ્રામ ગોળ એક કપ પાણીમાં મિશ્રિત કરીને ચાર-પાંચ ઉભરા આવે તે પ્રમાણે ગરમ કરીને આ ઉકાળો પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.
- તુલસીનો ઉકાળો શરદી-સરળેખ અને તાવમાં ખુબ લાભદાયી ઇલાજ છે. સ્વાઇન ફ્લૂ વકર્યો છે ત્યારે લોકોએ અપચો ન થાય અને ઉજાગરા ન કરવા ખાસ સલાહ છે.