Happy Womans day | મહિલા દિન વિશેષઃ નારી નવી જાગૃતિનો સૂર્ય ચમકાવે એટલી સમર્થ થઈ ગઈ છે
આઠમી માર્ચ - મહિલા દિન. વર્ષોથી આ દિવસે ઊગતો સૂર્ય દરેક નારીને નવી પ્રેરણા, નવી ચેતના આપી રહ્યો છે, પરંતુ આજે વર્ષો પછી, સદીઓથી નવી સમજણને મેળવીને નારી નવી જાગૃતિનો સૂર્ય ચમકાવે એટલી સમર્થ થઈ ગઈ છે, એની પાસે શું નહોતું એની રટણા એને પચી ગઈ છે અને એ નકારાત્મક દુનિયા એને હકારાત્મક જગત તરફ વાળવા નિમિત્ત બની ગઈ છે. મૂંગે મોઢે સીતમ સહેતી નારી હવે મૂંગે મોઢે કાર્યદક્ષ બનીને આગળ વધી રહી છે. ઈતિહાસનાં પાનાં ઊથલાવવામાં એ હવે સમય બગાડતી નથી પણ પોતાની સફળતાનો નવો ઈતિહાસ રચી રહી છે. એ પગથિયાં ચડતી જાય છે, હાંફવા છતાં નથી થોભતી કે નથી પાછું વળીને પોતે કેટલાં પગથિયાં ચડી ઉપર પહોંચી એનો હિસાબ રાખતી. એનું એક જ લક્ષ્ય છે કે હજી કેટલાં પગથિયાં ઉપર ચડ્યા પછી એ શિખરને આંબી શકશે?
ઈતિહાસ અને કવિતાએ નારીને જંપવા નથી દીધી. અહીં નારીવાદનો પ્રારંભ ક્યારથી થયો, એમાં કોણે કોણે મહત્ત્વનું પ્રદાન કર્યું એની રૂપરેખા આપવાનો કોઈ અભિગમ નથી. હાં, એટલી અપેક્ષા જરૂર રાખી છે કે કલા અને અન્ય સૌંદર્યલક્ષી રચનાઓમાં જ હવે નારી રમવાની નથી. એ ઉપરાંત એની પાસે ધબકતું અસ્તિત્ત્વ છે. આજે વર્ષોથી અનેક વિચારકો સમાજના આ સળગતા પ્રશ્ર્ન પર લખી રહ્યા છે, બોલી રહ્યા છે છતાં સમસ્યાઓ ઓછી નથી થઈ. જ્યાં સુધી આ સમસ્યાઓ શહેર કે ગામની સીમામાં ઘૂમતી રહેશે ત્યાં સુધી પ્રગતિ ઉપરાંત આવી સમસ્યાઓને નિર્મૂળ ન કરી શકે તો પણ હળવી બનાવવાની નેમ રાખવામાં સ્ત્રી પાછી પાની નથી કરવાની.
ફકત હકારાત્મક ગુણોના ખજાના પર જીવતી નારી અહીં અપેક્ષિત નથી. આવા હકારાત્મક ઉદ્રાગોની પરંપરા રચવાની ઝંખના ધરાવનાર આ કવયિત્રી નથી. આ તો સ્ત્રીના અસ્તિત્વ સાથે જોડાયેલું એક મનગમતું સ્વપ્ન છે. હકારાત્મક ચીજોનો ખજાનો આપવાનો કવયિત્રીનો આશય કદાચ ન પણ હોઈ શકે. આટલી બધી હકારાત્મક ચીજોના ખડકલા નીચે નારી દટાઈ જવા નથી માગતી. એ તો નકારાત્મક ચીજોના અવરોધો વચ્ચેથી માર્ગ કાઢવા ઈચ્છે છે. આ કવિતા જેવું નર્યું સુખ જીવનસ્વપ્ન હોઈ શકે, પણ વાસ્તવિક્તા નહીં. આવા વિચારોની કેડી જાણે સ્ત્રીના અપેક્ષિત પરિચય તરફ આંગળી ચિંધે છે.