રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 માર્ચ 2022 (17:04 IST)

વડનગર ખાતે રાજ્યના 31 તાલુકાઓમાં ડાયાલિસિસ કેન્દ્રોનું ઇ-લોકાર્પણ

“વન નેશન વન ડાયાલિસિસ”ની દિશામાં ગુજરાતની આગવી પહેલ
 
મહાશિવરાત્રિના પાવન દિવસે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નાગરિકો માટે વડનગર ખાતેથી રાજ્યના 31 ડાયાલિસિસ સેન્ટરનું મહાલોકાર્પણ કર્યું. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ દર્દીઓને ઘરઆંગણે ડાયાલિસિસ સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી કાર્યાન્વિત કરાયેલ આ તમામ ડાયાલિસિસ કેન્દ્રો “વન નેશન વન ડાયાલિસિસ” ક્ષેત્રે પણ સમગ્ર દેશમાં ગુજરાતની આગવી પહેલ છે. 
 
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ડાયાલિસિસ કેન્દ્રોનો રાજ્યવ્યાપી ઇ-લોકાર્પણ કરતા કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કિડની સંબંધિત બિમારી સાથે સંકળાયેલા દર્દીઓને 30 થી 40 કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં જ ડાયાલિસિસની સુવિધા મળી રહે તે માટે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ કાર્યરત કરાવવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા શ્રેષ્ઠ સંચાલન કરીને રાજ્યભરમાં 61 ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. આજે નવીન 31 ડાયાલિસિસ કેન્દ્રો કાર્યાન્વિત થતા હવે ગુજરાતભરમાં સરકાર દ્વારા સંચાલિત ડાયાલિસિસ કેન્દ્રોની સંખ્યા 92 થઇ છે. 
 
આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યના તમામ તાલુકાઓ અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં પણ ડાયાલિસિસ કેન્દ્રો ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબધ્ધ છે. રાજ્યના મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને મેડિકલ શિક્ષણ અર્થે રાજ્ય બહાર ન જવુ પડે તે માટે આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં મેડિકલ કૉલેજ સ્થાપિત કરીને કાર્યાન્વિત કરવાની દિશામાં સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે. રાજ્યની આરોગ્યલક્ષી માળખાગત અને માનવબળ ક્ષેત્રે સુવિધાઓમાં ઉત્તરોઉત્તર વિકાસ થયો છે. રાજ્યના તમામ આોગ્યકેન્દ્રો પર મેડિકલ ઓફિસર સહિતની નિષ્ણાંત ડૉક્ટર્સની ટીમ કાર્યરત બને તેવી વ્યવસ્થા સરકારે હાથ ધરી હોવાનું આરોગ્યમંત્રીએ જણાવ્યું હતુ. 
 
આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે દેવગઢ બારિયાથી આ લોકાર્પણ કાર્યક્રમમાં જોડાતા કહ્યું હતું કે, રાજ્યના દૂર-દરાજ વિસ્તારમાંથી ડાયાલિસિસની સારવાર મેળવતા દર્દીઓને ઘર આંગણે ઉપલબ્ધ થયેલ ડાયાલિસિસની સારવાર આશિર્વાદરૂપ બની રહેશે. 
સર્વે સન્તુ નિરામયાના સુત્રને ખરા અર્થમાં સાર્થક કરીને રાજ્યના તમામ જરૂરિયાતમંદ દર્દી, પીડિતોને આરોગ્યલક્ષી વિવિધ સુવિધાઓ સરળતાથી પહોંચાડવાનું બીંડુ ભૂપેન્દ્રભાઇના નેતૃત્વ હેઠળની  ટીમ ગુજરાતે હાથ ધર્યુ છે. મંત્રી નિમિષાબેન સુથારે કહ્યું હતું કે, કોરોનાકાળ વચ્ચે પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સાથે સાથે નિરામય ગુજરાત, PMJAY-MA યોજના, મિશન ઇન્દ્રધનુષ 4.0. જેવી આરોગ્યલક્ષી યોજનાઓની અસરકારક અમલવારી કરાવીને સરકારે કોરોનાકાળમાં પણ જનકલ્યાણની શ્રેષ્ઠ કામગીરી કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે, વડનગર ખાતેના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યસભાના સાસંદ જુગલજી ઠાકોર, ધારાસભ્ય અજમલજી ઠાકોર, વડનગરના અગ્રણી સોમભાઇ મોદી, આરોગ્ય વિભાગમાં અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર અને અગ્ર સચિવ શાહમિના હુસૈન સહિત અધિકારી - પદાધિકારીગણ જોડાયા હતા.