શુક્રવાર, 20 માર્ચ 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ/જામનગર: , શુક્રવાર, 20 માર્ચ 2026 (07:59 IST)

ટુરિસ્ટ માટે ખુલ્યો જામનગરનો 174 વર્ષ જુનો ઐતિહાસિક ભુજીયા કોઠા, સાકાર થયો PM નરેન્દ્ર મોદીનો મંત્ર

Bhujiyo Kotho
Bhujiyo Kotho
 ગુજરાતના જામનગરમાં આવેલો 174 વર્ષ જૂનો ઐતિહાસિક 'ભુજિયો કોઠો' પ્રવાસીઓ માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના "વારસો અને વિકાસ" ના મંત્રને સાર્થક કરતા, આ ભવ્ય ઇમારતનો આધુનિક પદ્ધતિથી પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. 20 સપ્ટેમ્બર,2025 ના રોજ પીએમ મોદીએ આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું, જે જામનગરના પ્રવાસન માટે એક ઐતિહાસિક ક્ષણ બની રહી છે.
 

1852 માં બનેલું સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું સ્થાપત્ય અને તેનો ઇતિહાસ

 
ભુજિયા કોઠાનું નિર્માણ 1839 થી 1852 ની વચ્ચે કરવામાં આવ્યું હતું. તે સમયે આ ઇમારત સુરક્ષા અને સંદેશાવ્યવહારના હેતુથી બનાવવામાં આવી હતી અને તે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશની સૌથી ઊંચી ઇમારત તરીકે ગૌરવ ધરાવતી હતી. આ કોઠો જામનગરના સમૃદ્ધ ઇતિહાસ અને સ્થાપત્યકળાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જે પ્રવાસીઓને રાજાશાહી કાળની યાદ અપાવે છે.
 

2001 ના ભૂકંપ બાદ રૂ 25 કરોડના ખર્ચે નવજીવન

 
વર્ષ 2001 માં આવેલા વિનાશક ભૂકંપને કારણે આ ઐતિહાસિક વારસાને ભારે નુકસાન પહોંચ્યું હતું. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા "સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના" હેઠળ અંદાજે રૂ 25  કરોડના ખર્ચે આ કોઠાના પુનઃસ્થાપન અને મજબૂતીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) સાથે મળીને આ સ્થાપત્યને સુરક્ષિત કરવામાં આવ્યું છે
 

પરંપરાગત સામગ્રી અને કુદરતી પદ્ધતિથી રિસ્ટોરેશન

 
ભુજિયા કોઠાને તેના મૂળ સ્વરૂપમાં લાવવા માટે અદભૂત કારીગરી અને સદીઓ જૂની પરંપરાગત તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભવ્ય ઇમારતના રિસ્ટોરેશન કાર્યમાં આધુનિક સિમેન્ટને બદલે ચૂનો, ગુગ્ગુલુ, મુલતાની માટી, ગોખારુ, રીઠા અને સિંદૂર જેવી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરાયો છે. તેની કલાત્મક બારીઓ, વરંડા અને બાલ્કનીઓને તેના મૂળ ઐતિહાસિક ગૌરવ સાથે પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
 

'હેરિટેજ ચેઈન' દ્વારા જામનગરના પ્રવાસનને નવો વેગ
 

આગામી સમયમાં પ્રોજેક્ટના બીજા તબક્કામાં ખંભાળિયા ગેટ, ભુજિયો કોઠો અને રણમલ તળાવ સ્થિત લાખોટા મ્યુઝિયમને એક જ 'હેરિટેજ ચેઈન' દ્વારા જોડવામાં આવશે. આ ત્રણેય મહત્વના ઐતિહાસિક સ્થળો એક જ પ્રવેશદ્વારથી પ્રવાસીઓ માટે સુલભ બનશે. આ આયોજનથી જામનગર આવતા પર્યટકોને એક જ સ્થળે ઈતિહાસ, સંસ્કૃતિ અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળશે.