" />
શુક્રવાર, 20 માર્ચ 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 19 માર્ચ 2026 (15:15 IST)

ગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ: લિવ-ઈનમાં રહેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત, લગ્ન બાદ 1 વર્ષ સુધી છૂટાછેડા પર રોક

Uniform Civil Code
Uniform Civil Code
ગુજરાતના સામાજિક માળખામાં મોટા પરિવર્તન લાવવા માટે આજે વિધાનસભામાં 209 પાનાનું 'સમાન નાગરિક સંહિતા' (UCC) વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં લગ્ન, છૂટાછેડા, મિલકત વારસો અને લિવ-ઈન રિલેશનશિપ માટે એકસમાન કાયદાની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદાની સૌથી મહત્વની બાબત એ છે કે અનુસૂચિત આદિજાતિ (ST) સમાજને આમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યો છે, જેથી તેમની પરંપરાગત ઓળખ અને રીતિ-રિવાજો સુરક્ષિત રહી શકે.
 

લિવ-ઈન રિલેશનશિપ માટે ફરજિયાત નોંધણી 

 
નવા બિલમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. હવેથી લિવ-ઈનમાં રહેવાનું શરૂ કર્યાના 1 મહિનાની અંદર તેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જો કોઈ યુગલ નોંધણી કરાવ્યા વગર 1 મહિનાથી વધુ સમય સાથે રહેશે, તો તેમને 3 મહિનાની જેલ અથવા 10  હજાર રૂપિયાના દંડની સજા થઈ શકે છે. આ ઉપરાંત, ખોટી માહિતી આપીને કે છેતરપિંડીથી લિવ-ઈનમાં રહેવા બદલ ૫ વર્ષ સુધીની જેલની જોગવાઈ પણ કરવામાં આવી છે.
 

લગ્ન અને છૂટાછેડાના નવા નિયમો

 
લગ્નને લઈને બિલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે લગ્ન સમયે પુરુષની ઉંમર 21 વર્ષ અને મહિલાની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. લગ્ન કરનાર બંને પક્ષોમાંથી કોઈનો પણ અગાઉનો જીવનસાથી જીવિત ન હોવો જોઈએ, એટલે કે બહુપત્નીત્વ કે બહુપતિત્વ પર પ્રતિબંધ રહેશે. સૌથી મોટો ફેરફાર એ છે કે, લગ્ન કર્યાના 1 વર્ષ પૂર્ણ થયા પહેલા કોઈપણ યુગલ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી શકશે નહીં.
 

ભરણપોષણ અને આર્થિક જોગવાઈઓ

 
છૂટાછેડાના કિસ્સામાં ભરણપોષણ (Maintenance) નક્કી કરવા માટે કોર્ટ હવે બંને પક્ષોની આવકની વિગતો તપાસશે. અરજદારની પોતાની આવક કેટલી છે અને પ્રતિવાદીની ક્ષમતા કેટલી છે, તે જોઈને જ માસિક રકમ નક્કી કરવામાં આવશે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એવી જોગવાઈ કરવામાં આવી છે કે પ્રતિવાદીને નોટિસ મળ્યાના 60  દિવસની અંદર જ ભરણપોષણની અરજીનો નિકાલ કરવાનો રહેશે.
 

મિલકત વારસો અને વારસદારોના હક

 
વારસાગત મિલકતની વહેંચણીમાં પણ સમાનતા લાવવામાં આવી છે. નવા નિયમ મુજબ, મૃતક વ્યક્તિના હયાત જીવનસાથી અને દરેક સંતાનને મિલકતમાં એકસમાન હિસ્સો મળશે. માનવીય અભિગમ દાખવતા આ બિલમાં એવી પણ જોગવાઈ છે કે માતાના ગર્ભમાં રહેલા બાળકને પણ મિલકતમાં કાયદેસરનો વારસદાર ગણવામાં આવશે, જેથી તેના ભવિષ્યના અધિકારો સુરક્ષિત રહે.