યોગ ક્લાસની આડમાં નકલી નોટનું સામ્રાજ્ય: ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરતા પ્રદીપ ગુરુજીનો ભાઈ રાજકોટથી થયો અંડર ગ્રાઉંડ
Fake currency case, Pradeep Guruj
સુરતમાંથી પકડાયેલા નકલી નોટ કૌભાંડના મુખ્ય સૂત્રધાર પ્રદીપ ગુરુજીની તપાસમાં હવે રાજકોટનું કનેક્શન સામે આવ્યું છે. પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટમાં "સત્યમ યોગ & હેલ્થ સેન્ટર" ના નામે યોગા ક્લાસ ચલાવતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કોરોનાકાળ પહેલા તેઓ પાંચ વર્ષ સુધી રાજકોટમાં સક્રિય હતા અને ત્યારબાદ સુરત શિફ્ટ થયા હતા. હાલમાં તેમનો નાનો ભાઈ અમિત જોટાંગીયા રાજકોટમાં યોગ ક્લાસ ચલાવે છે, જેની પૂછપરછમાં અનેક વિગતો બહાર આવી શકે છે.
પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો:
આ કૌભાંડનો પર્દાફાશ થતાં જ રાજકોટમાં રહેતા પ્રદીપ ગુરુજીના ભાઈ અને પરિવારજનો પોતાનું મકાન બંધ કરીને ક્યાંક ચાલ્યા ગયા હોવાની ચર્ચા છે. રાજકોટના રૈયા રોડ નજીક કિડવાઈ નગર રોડ પર તેમનો આલીશાન બંગલો આવેલો છે, જે હાલ બંધ હાલતમાં જોવા મળ્યો છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસ હવે આ ફરાર સભ્યોની શોધખોળ કરી રહી છે.
ચીનથી મંગાવવામાં આવતો હતો ચાંદીનો તાર:
આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો નકલી નોટ બનાવવાની પદ્ધતિને લઈને થયો છે. આરોપીઓ નકલી નોટ એકદમ અસલી જેવી દેખાય તે માટે ચીનથી ખાસ પ્રકારનો 'ચાંદીનો તાર' મંગાવતા હતા. નોટની વચ્ચે જે સિક્યુરિટી થ્રેડ (સુરક્ષા તાર) હોય છે, તેની જગ્યાએ આ ચાઈનીઝ તારનો ઉપયોગ કરવામાં આવતો હતો જેથી સામાન્ય માણસ છેતરાઈ જાય. આ આંતરરાષ્ટ્રીય કનેક્શનને કારણે તપાસ એજન્સીઓ વધુ સતર્ક બની છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સઘન તપાસ
અમદાવાદમાં નકલી નોટ પકડાયા બાદ આ આખા રેકેટના તાર સુરત અને રાજકોટ સુધી લંબાયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રદીપ ગુરુજી સહિતના આરોપીઓની ધરપકડ કરી તેમના નેટવર્કને તોડવા માટે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અત્યાર સુધી બજારમાં કેટલી નકલી નોટો વહેતી કરવામાં આવી છે.
રાજ્યભરમાં હાઈ-એલર્ટ અને સતર્કતા
આ ખુલાસા બાદ ગુજરાતના મોટા શહેરોમાં પોલીસ દ્વારા સતર્કતા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને યોગા સેન્ટર કે અન્ય જાહેર સંસ્થાઓના ઓથે હેઠળ ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસનું માનવું છે કે આ એક સુવ્યવસ્થિત આર્થિક આતંકવાદ જેવું કૃત્ય હોઈ શકે છે. આગામી દિવસોમાં આ કેસમાં ચીન સાથેના વ્યવહારો અને અન્ય મોટા માથાઓના નામ ખુલવાની પૂરેપૂરી શક્યતા છે.