1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Crop support price registration date extended

ગુજરાતના ખેડૂતોનો પાક ટેકાના ભાવે ખરીદવા રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ, આ તારીખથી ખરીદાશે

Farmers' crop support prices registration date extended
Farmers' crop support prices registration date extended
ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ખેડૂતોને નોંધણી કરાવવા ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૨૫-૦૯-૨૦૨૩ થી તા. ૧૬-૧૦-૨૦૨૩ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખેડૂતોએ કરેલી રજૂઆતોને ધ્યાન લઇ ખેડૂતોના વ્યાપક હિતમાં નોંધણી પ્રક્રિયા આગામી તા. ૩૧ ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
 
મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, તા. ૧૫ ઑક્ટોબર સુધીની સ્થિતિએ રાજ્યમાં મગફળી માટે ૩૫,૫૮૫ ખેડૂતો, સોયાબીન માટે ૨૩,૩૧૬ ખેડૂતો, મગ પાક માટે ૯૫ ખેડૂતો અને અડદ પાક માટે ૬૨ ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં સહભાગી થઈ તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મેળવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
 
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ. ૬૩૭૭/- કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. ૮૫૫૮/- કિવ., અડદનો ટેકાનો ભાવ રૂ.૬૯૫૦/- કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. ૪૬૦૦/- કિવ. જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આગામી તા.૨૧-૧૦-૨૦૨૩ શનિવારના રોજથી શરૂ કરવામાં આવશે.