ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા વર્ગ-1 (Class-1) અધિકારીઓ માટે મહત્વપૂર્ણ અને કડક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ધ્યાન પર આવ્યું હતું કે ઘણા કિસ્સાઓમાં અધિકારીઓની નિવૃત્તિના અંતિમ દિવસોમાં શિસ્ત કાર્યવાહી સંબંધિત દરખાસ્તો મોકલવામાં આવતી હતી, જેના કારણે વહીવટી ગૂંચવણો અને કાયદાકીય સમસ્યાઓ ઉભી થતી હતી. હવે આ પ્રથા પર રોક લગાવવા માટે મુખ્યમંત્રી કક્ષાએથી સ્પષ્ટ અને કડક નિર્દેશો આપવામાં આવ્યા છે.
નવા નિયમો અનુસાર, જો કોઈ અધિકારી સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાની હોય તો તેની દરખાસ્ત નિવૃત્તિના ઓછામાં ઓછા એક મહિના પહેલાં મોકલવી ફરજિયાત રહેશે. આ પગલાનો હેતુ અંતિમ ક્ષણના ઉતાવળભર્યા નિર્ણયો અને ટેકનિકલ ખામીઓને અટકાવવાનો છે. સામાન્ય વહીવટી વિભાગે પણ સ્પષ્ટ કર્યું છે કે હવે છેલ્લી ઘડીએ ફાઈલ મોકલવાની પ્રથા માન્ય રહેશે નહીં.
સરકારએ વધુમાં જણાવ્યું છે કે જો કાર્યવાહી શરૂ કરવામાં કે દરખાસ્ત મોકલવામાં વિલંબ થશે તો તેની સીધી જવાબદારી સંબંધિત વિભાગના અધિકારીઓ પર રહેશે. વિલંબના કારણે જો સરકારને કાયદાકીય મુશ્કેલી પડે અથવા કાર્યવાહી અટકી જાય તો જવાબદાર અધિકારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવશે.
ખાસ અને તાત્કાલિક કિસ્સાઓમાં, જ્યાં સમયસર દરખાસ્ત મોકલવી શક્ય ન હોય, ત્યાં નિવૃત્તિના ઓછામાં ઓછા પાંચ દિવસ પહેલાં મુખ્યમંત્રીની મંજૂરી લેવી જરૂરી રહેશે. ઉપરાંત, જો મંત્રી અને વિભાગના વડાના અભિપ્રાયમાં મતભેદ હોય તો તેવો કેસ સીધો મુખ્યમંત્રી સ્તરે નિર્ણય માટે મોકલવામાં આવશે.
આ નિર્ણયથી વહીવટી પારદર્શિતા વધશે અને નિવૃત્તિ બાદ પેન્શન સહિતના લાભોને લઈને ઉભા થતા વિવાદોમાં ઘટાડો થવાની શક્યતા છે.