1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat Government Kisan News

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: જમીન માપણીના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે સરકારની નવી નીતિ

Gujarat Government Kisan News
Gujarat Government Kisan News
ગુજરાતમાં ખેતીની જમીન માપણી (પ્રમોલગેશન) પ્રક્રિયા બાદ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને માપણીમાં રહી ગયેલી ક્ષતિઓને દૂર કરવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જમીન માપણીની ભૂલોને સુધારવા માટે હવે સમગ્ર રાજ્યમાં 'ભૂમિ સીમાંકન પદ્ધતિ' હેઠળ એકસમાન અને આયોજનબદ્ધ કાર્યપદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે, જેથી ખેડૂતોની ફરિયાદોનો સચોટ અને પારદર્શક નિકાલ લાવી શકાય.
 
આ નવી પદ્ધતિના અસરકારક અમલીકરણ માટે મહેસૂલ વિભાગને જરૂરી દિશાનિર્દેશો આપી દેવામાં આવ્યા છે. જે અંતર્ગત દરેક જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ 'ભૂમિ સીમાંકન સમિતિ' કાર્યરત કરવામાં આવશે. આ સમિતિઓ પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણીને લગતી રહી ગયેલી તમામ ક્ષતિઓને સુધારવા માટે જવાબદારીપૂર્વક કામગીરી કરશે.
 
જમીન માપણીની ભૂલો અંગે આવતી અરજીઓના ઝડપી અને વ્યવસ્થિત નિકાલ માટે તેને સાત અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. આ ઉપરાંત, જટિલ પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે ખાસ 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ' સમિતિની પણ રચના કરવામાં આવશે. આ સમિતિ નિયમ અનુસાર કાર્યવાહી કરી સ્થળ પર જ નિવારણ લાવશે, જેથી ખેડૂતોએ પોતાના કામ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે.
 
રાજ્ય સરકારના આ કિસાનલક્ષી નિર્ણયથી ગ્રામીણ ખેડૂતોના હિતોનું રક્ષણ થશે અને તેમના પડતર પ્રશ્નોનો કાયમી ઉકેલ આવશે. આ પગલું કૃષિ ક્ષેત્રે 'ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ'ને વધુ વેગ આપશે અને રાજ્યના નાગરિકોને પારદર્શક સુશાસન (ગુડ ગવર્નન્સ)ની સચોટ તથા અસરકારક અનુભૂતિ કરાવવામાં મહત્વનો ભાગ ભજવશે.
ये भी पढ़ें
નોઈડામાં વીજળી મીટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી, જેમાં અનેક કર્મચારીઓ ઘાયલ થયા.