ચૂંટણીના કારણે વસ્તી ગણતરી પર બ્રેક: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, નવી તારીખ હવે પછી જાહેર થશે
ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વસ્તી ગણતરીની પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જનગણના વિભાગે ચૂંટણીના માહોલને કારણે કામગીરી પર અસર પડવાની શક્યતા દર્શાવી સરકારમાં દરખાસ્ત રજૂ કરી હતી, જેને મંજૂરી મળી ગઈ છે. અગાઉ આ કામગીરી ૫ એપ્રિલથી શરૂ થવાની હતી, પરંતુ હવે નવી તારીખોની જાહેરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે.
ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી
દેશમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલ, 202 6 થી શરૂ થઈ ચૂક્યો છે. નોંધનીય છે કે ભારતીય ઇતિહાસમાં આ પ્રથમ એવી વસ્તી ગણતરી હશે જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા સરકાર માત્ર વસ્તીના આંકડા જ નહીં, પરંતુ ભારતીય પરિવારોની જીવનશૈલી અને સંબંધોની પ્રકૃતિને પણ સમજવાનો પ્રયાસ કરશે. આ ડિજિટલ અભિગમથી ડેટાના વિશ્લેષણમાં ચોકસાઈ અને ઝડપ આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
નાગરિકોને પૂછવામાં આવશે 33 મહત્વના પ્રશ્નો
આ ગણતરી દરમિયાન ગણતરીકારો દ્વારા દરેક પરિવારને કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. આ પ્રશ્નોમાં મકાનની વિગત (જેમ કે દીવાલ અને છતની સામગ્રી), પરિવારના સભ્યોની સંખ્યા, શૈક્ષણિક લાયકાત અને જાતિ (SC, ST, OBC) જેવી પાયાની માહિતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, વીજળી, શૌચાલય, રસોઈ માટે વપરાતું બળતણ તેમજ પરિવાર પાસે ઉપલબ્ધ વાહનો, ટીવી, ઇન્ટરનેટ અને લેપટોપ જેવી આધુનિક સુવિધાઓ અંગે પણ વિગતો એકત્ર કરવામાં આવશે.
વિવિધ રાજ્યો માટે અલગ-અલગ સમયપત્રક
દેશભરમાં વસ્તી ગણતરી માટે અલગ-અલગ તારીખો નક્કી કરવામાં આવી છે. 1 એપ્રિલથી દિલ્હી, ગોવા, કર્ણાટક અને ઓડિશા સહિત 8 રાજ્યોમાં કામગીરી શરૂ થઈ ગઈ છે. મધ્યપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં 16 એપ્રિલથી, જ્યારે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 1 મેથી પ્રક્રિયા શરૂ થશે. તમિલનાડુ અને આસામ જેવા રાજ્યોમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગણતરી હાથ ધરાશે. પશ્ચિમ બંગાળ હાલમાં દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં હજુ સુધી વસ્તી ગણતરીની તારીખ જાહેર કરવામાં આવી નથી.
વસ્તી ગણતરીનો હેતુ અને મહત્વ
વસ્તી ગણતરી એ કોઈપણ દેશના વિકાસ માટેનો સૌથી મોટો ડેટા સ્ત્રોત છે. આનાથી પ્રાપ્ત થતા આંકડાઓના આધારે જ સરકાર ભવિષ્યની કલ્યાણકારી યોજનાઓ, રોડ-રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓનું આયોજન કરે છે. ગુજરાતમાં હાલ ચૂંટણીના કારણે વિલંબ થયો હોવા છતાં, આ પ્રક્રિયા પૂર્ણ થવાથી રાજ્યના સામાજિક અને આર્થિક વિકાસ માટે સચોટ માહિતી ઉપલબ્ધ થશે.