સંબંધિત સમાચાર
- LPG સંકટ વચ્ચે ગુજરાતનો માસ્ટરસ્ટ્રોક: બનાસ ડેરીના પ્લાન્ટમાં રોજ બને છે 1800 KG બાયોગેસ; 15 રાજ્યો અપનાવશે આ મોડેલ
- ગુજરાત સરકારનો મોટો નિર્ણય: માત્ર વાહનોની ટાંકીમાં જ ભરાશે ઈંધણ
- પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહો: CM ભૂપેન્દ્ર પટેલની જનતાને અપીલ
- કોણ છે ઈમરાન ખેડાવાલા ? જેમણે ગુજરાત સરકારના કર્યા વખાણ, BJP એ વિડીયો પોસ્ટ કરીને બનાવ્યો માહોલ
- ખેડૂતો માટે ખુશખબર: પાનમ ડેમનું પાણી હવે 206 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા પહોંચશે ખેતરો સુધી
આંગણવાડી સેવાઓ થશે હાઈટેક : 53 હજાર બહેનોને CM આપશે 5G સ્માર્ટફોનની ભેટ!
ગુજરાતમાં કુપોષણ મુક્ત અભિયાનને વેગ આપવા અને 'પોષણ અભિયાન'ને વધુ સચોટ બનાવવા માટે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને આંદોલન કરી રહેલી અંદાજે 53 હજારથી વધુ આંગણવાડી બહેનો, મુખ્યસેવિકાઓ અને સુપરવાઈઝરોને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લેટેસ્ટ 5G સ્માર્ટફોનનું પ્રતીકાત્મક વિતરણ કરવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના આ પગલાથી ગ્રાઉન્ડ લેવલ પર બાળકો અને સગર્ભા મહિલાઓના પોષણ ડેટાનું રિયલ ટાઈમ મોનિટરિંગ અત્યંત સરળ અને ઝડપી બનશે.
માંગણીઓનો સુખદ અંત અને ડિજિટલ ક્રાંતિ
આંગણવાડી કાર્યકરો સ્માર્ટફોન અને અન્ય વહીવટી પ્રશ્નોને લઈને સતત રજૂઆતો કરી રહ્યા હતા. આ વિવાદનો ઉકેલ લાવવા માટે તાજેતરમાં સરકારના પાંચ મંત્રીઓના સમૂહ અને આંગણવાડી સંગઠનના અગ્રણીઓ વચ્ચે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા અને સંમતિ બાદ, સરકારે આંગણવાડી સેવાઓને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાની દિશામાં આગળ વધતા બહેનોની માંગણી સ્વીકારીને અત્યાધુનિક 5G ફોન આપવાનું નક્કી કર્યું છે.
સેમસંગના 5G સ્માર્ટફોન સાથે મળશે ખાસ એસેસરીઝ
ICDS કમિશનર ડૉ. રણજીત કુમાર સિંહ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, રાજ્યભરમાં કુલ 55,612 સ્માર્ટફોન ફાળવવામાં આવશે. આ માટે 'Samsung A06 (5G, 6 GB RAM, 128 GB Storage)' મોડેલની પસંદગી કરવામાં આવી છે. આ પેકેજમાં બહેનોને માત્ર ફોન જ નહીં, પણ તેની સાથે 15W નું ઓરિજિનલ એડેપ્ટર, બેક કવર, ટેમ્પર્ડ ગ્લાસ અને ડસ્ટ કવર જેવી જરૂરી એસેસરીઝ પણ આપવામાં આવશે. આ ફોન કેરળ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (KELTRON) દ્વારા બે તબક્કામાં તમામ જિલ્લાઓમાં પહોંચાડવામાં આવશે.
પારદર્શક વિતરણ અને રિયલ ટાઈમ ટ્રેકિંગ
સ્માર્ટફોન વિતરણની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય તે માટે સરકારે ચુસ્ત વ્યવસ્થા ગોઠવી છે. દરેક ફોનનો IMEI નંબર અને કર્મચારીનો ફોન સાથેનો ફોટો e-HRMS પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે, અને OTP આધારિત પુષ્ટિ બાદ જ વિતરણ પૂર્ણ ગણાશે. આ સમગ્ર પ્રોજેક્ટના નોડલ ઓફિસર તરીકે નાયબ નિયામક દિશા ડોડિયાની નિમણૂક કરવામાં આવી છે. આ હાઈટેક સુવિધાથી 'પોષણ ટ્રેકર એપ' પર ડેટા એન્ટ્રી ઝડપી બનશે, જેનાથી છેવાડાના લાભાર્થીઓ સુધી સરકારી યોજનાઓ વધુ પારદર્શક રીતે પહોંચશે.
