ડાકોર રણછોડરાય મંદિરમાં વિવાદ બાદ મોટો નિર્ણય; મનોરથોનો ચાર ગણો ભાવવધારો 2 મહિના માટે મોકૂફ
Dakore manorath prise
પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં મનોરથોના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. ટેમ્પલ કમિટી દ્વારા મનોરથોના ભાવમાં સીધો ચાર ગણો વધારો ઝીંકી દેવામાં આવતા ભક્તો અને સેવક પૂજારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ચારેય તરફથી વિરોધનો સૂર ઉઠતા આખરે ટેમ્પલ કમિટીએ સેવક પૂજારીઓ સાથે તાકીદની બેઠક યોજવી પડી હતી, જેમાં આ વિવાદિત નિર્ણયને બે મહિના માટે પાછો ઠેલવામાં આવ્યો છે.
ડાકોરના વિકાસ માટે ભાવવધારો જરૂરી હતો: ટ્રસ્ટી
મંદિરના નવનિયુક્ત ટ્રસ્ટી ગિરીશભાઈ દાણીએ સેવક પૂજારીઓ સાથેની ચર્ચા બાદ મીડિયા સમક્ષ કમિટીનો પક્ષ રાખ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મનોરથોના ભાવમાં વધારો કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ડાકોરનો વિકાસ કરવાનો છે. હાલમાં ડાકોરના રોડ-રસ્તાની પરિસ્થિતિ ખૂબ જ બિસ્માર છે અને તેમાં સુધારાની તાતી જરૂરિયાત છે. જોકે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ભાવવધારાને આગામી બે મહિના માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
નવા ટ્રસ્ટીને મંદિરની વ્યવસ્થાની સમજ નથી: સેવક પૂજારી
બીજી તરફ, મંદિરના સેવક પૂજારી જગદીશ સેવકે મીડિયા સામે ટ્રસ્ટીના આ દાવાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે નવા નિમાયેલા ટ્રસ્ટીને મંદિરની આંતરિક વ્યવસ્થાઓ વિશે કોઈ ખાસ ગતાગમ નથી. ટ્રસ્ટી મંડળે સેવકો પાસે બે મહિનાનો સમય માગ્યો છે, જેથી આ વચગાળાના સમયગાળા દરમિયાન સેવક સમુદાય મંદિર હિતમાં પોતાના યોગ્ય સૂચનો કમિટી સમક્ષ રજૂ કરી શકે.
બે મહિના પછી પણ ભાવ વધશે તો ભૂખ હડતાલની ચીમકી
સેવક પૂજારીઓએ ટેમ્પલ કમિટીને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપી દીધી છે. જગદીશ સેવકે જણાવ્યું હતું કે, હાલ પૂરતી આ લડત બે મહિના માટે શાંત પડી છે, પરંતુ જો બે મહિનાનો સમયગાળો પૂર્ણ થયા બાદ પણ મંદિર પ્રશાસન દ્વારા મનોરથોના ભાવમાં ફરી વધારો ઝીંકવામાં આવશે, તો તમામ સેવક પૂજારીઓ આક્રમક આંદોલન આદરશે અને મંદિર પરિસરમાં જ ભૂખ હડતાલ પર બેસવા મજબૂર બનશે.
