1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Ahmedabad Gandhinagar Cable Stayed Bridge

ગાંધીનગર-અમદાવાદ એરપોર્ટ માર્ગ પર ભાટ ચાર રસ્તા પાસે ભવ્ય કેબલ સ્ટેડ બ્રિજનું લોકાર્પણ, વાહનચાલકોને મળશે ટ્રાફિકમાંથી મોટી રાહત

Ahmedabad Gandhinagar Cable Stayed Bridge
Ahmedabad Gandhinagar Cable Stayed Bridge- ગાંધીનગર: અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સૌથી વ્યસ્ત માર્ગ પર હવે મુસાફરી વધુ ઝડપી અને સરળ બનશે. ગાંધીનગરના પ્રથમ અત્યાધુનિક કેબલ સ્ટેડ બ્રિજનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ભાટ ચાર રસ્તા (ભાટ ચોકડી) ખાતે નિર્માણ પામેલો આ બ્રિજ આજથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે, જે અમદાવાદ, ગાંધીનગર અને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વચ્ચેની અવરજવરને વધુ સુગમ બનાવશે.

175 કરોડના ખર્ચે તૈયાર થયો આધુનિક ફ્લાયઓવર

માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે 175 કરોડના ખર્ચે 1.48 કિલોમીટર લાંબા આ કેબલ સ્ટેડ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભાટ સર્કલ અને એપોલો સર્કલ વચ્ચેનો વિસ્તાર રોજિંદા અંદાજે 1.50 લાખથી વધુ વાહનોની અવરજવર ધરાવતો હોવાથી અહીં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. નવા બ્રિજથી આ સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.

અમદાવાદ-ગાંધીનગર અને એરપોર્ટ જતાં વાહનોને મળશે સીધો માર્ગ

બ્રિજ શરૂ થતાં હવે ટ્રાફિકનું સંચાલન બે સ્તરે થશે. અમદાવાદ, ગાંધીનગર અને એરપોર્ટ તરફ જતાં વાહનો બ્રિજ પરથી સીધા પસાર થઈ શકશે, જ્યારે એસ.પી. રિંગ રોડ તરફનો ટ્રાફિક બ્રિજની નીચેથી પસાર થશે. ઉપરાંત સુરત, વડોદરા અને એસ.પી. રિંગ રોડ તરફ જતા વાહનો માટે બંને બાજુ ત્રણ-ત્રણ લેન ધરાવતા સર્વિસ રોડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે ટ્રાફિક વધુ સુવ્યવસ્થિત બનશે.

જાપાન-ચીન જેવી એન્જિનિયરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ

આ બ્રિજની વિશેષતા તેના 38 મીટર ઊંચા પાયલોન અને સ્ટીલ કેબલ આધારિત આધુનિક ડિઝાઇનમાં છે. વિશ્વસ્તરીય એન્જિનિયરિંગ ધોરણોને અનુસરીને બનેલા આ બ્રિજનું ઉપયોગ પહેલાં 700 ટનથી વધુ વજન ધરાવતા 18 ટ્રકો દ્વારા લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ભવિષ્યમાં બ્રિજની સુરક્ષા, પવનની ગતિ અને માળખાકીય સ્થિતિ પર સતત નજર રાખવા માટે અદ્યતન હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવશે.
 

નર્મદા કેનાલ બ્રિજને પણ મળશે 12 લેનનો વિસ્તાર

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાટ નજીક આવેલા નર્મદા કેનાલ બ્રિજના વિસ્તરણનું ખાતમુહૂર્ત પણ કર્યું. અંદાજે 48 કરોડના ખર્ચે હાલના 6 લેનના બ્રિજની બંને બાજુ નવા ત્રણ-ત્રણ લેનના બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર માર્ગ 12 લેનનો બની જશે, જેના કારણે ભવિષ્યમાં ટ્રાફિક બોટલનેકની સમસ્યા દૂર થશે અને અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
About Writer
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક (Assistant Editor) તરીકે કાર્યરત છે.   મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.   સમાચાર લેખન.... બધા વાંચો