ગાંધીનગર સચિવાલયમાં મોટો વહીવટી ફેરફાર: 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી
ગાંધીનગર સચિવાલયમાં રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં 80થી વધુ અધિકારીઓની સામૂહિક બદલી અને બઢતી (પ્રમોશન) કરવામાં આવી છે. આ આદેશ અંતર્ગત સેક્શન ઓફિસરથી લઈને અંડર સેક્રેટરી સુધીના અધિકારીઓને વિવિધ વિભાગોમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે કેટલાંક અધિકારીઓને તેમની મૂળભૂત ફરજો ઉપરાંત અન્ય વિભાગોનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.
આ ફેરબદલ હેઠળ રાજ્ય સરકારના અનેક મહત્વના અને સક્રિય વિભાગોમાં નવી નિમણૂકો કરવામાં આવી છે. જેમાં મહેસૂલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ તેમજ ગૃહ વિભાગ જેવા ચાવીરૂપ મંત્રાલયોનો સમાવેશ થાય છે. આ વ્યાપક બદલીઓ પાછળ સચિવાલયની વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવાનો હેતુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ખાસ કરીને સેક્શન ઓફિસર અને વર્ગ-૨ કક્ષાના અધિકારીઓને અંડર સેક્રેટરી તરીકે બઢતી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પરિપત્રમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, જે પણ અધિકારીઓની બદલી કે બઢતી થઈ છે તેમણે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના, તાત્કાલિક અસરથી પોતાના નવા હોદ્દાનો ચાર્જ સંભાળી લેવાનો રહેશે.
