1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Pilot Training Institute Keshod

કેશોદમાં શરૂ થશે પાઇલટ ટ્રેનિંગ સેન્ટર; હવે Airbus 320 જેવા મોટા વિમાનો પણ લેન્ડ થશે

Keshod Airport
Keshod Airport
નવાબી કાળના કેશોદ એરપોર્ટને હવે નવા રૂપરંગ સાથે રીનોવેટ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ માટે એજન્સીઓને કામ સોંપી દેવામાં આવ્યું છે અને આગામી એકથી દોઢ વર્ષની અંદર જ અહીં પાઇલટ બનવા માટેની વિશેષ ટ્રેનિંગ આપતી સંસ્થા ધમધમતી થઈ જશે. આ નવી શરૂઆતના પગલે સ્થાનિક કક્ષાએ એવિએશન સેક્ટરમાં યુવાનો માટે કારકિર્દીની મોટી તકો ઊભી થશે અને કેશોદ એરપોર્ટની ઓળખ દેશભરમાં વધુ મજબૂત બનશે.

રૂ.363 કરોડના ખર્ચે એરપોર્ટનું આધુનિકીકરણ, હવે Airbus 320 જેવા મોટા વિમાનો પણ લેન્ડ થશે

આ પાઇલટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સાથે-સાથે કેશોદ એરપોર્ટના આધુનિકીકરણ માટે અંદાજે રૂ.363 કરોડના ખર્ચે એક ભવ્ય પ્રોજેક્ટ કાર્યરત છે. હાલમાં અહીં માત્ર નાના ATR-72 એરક્રાફ્ટ જ લેન્ડ થઈ શકે તેવી મર્યાદિત સુવિધા છે, પરંતુ આ નવો પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ અહીં Airbus 320 જેવા મોટા પેસેન્જર વિમાનો પણ સરળતાથી લેન્ડ થઈ શકશે. આ માટે રનવેની લંબાઈ 1371 મીટરથી વધારીને 2500 મીટર કરવામાં આવી રહી છે, તેમજ વાવાઝોડા કે ખરાબ હવામાનમાં પણ સેફ લેન્ડિંગ થઈ શકે તે માટે અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) ટેકનોલોજી વસાવવામાં આવશે.
 

મર્યાદિત ફ્લાઇટ્સ અને જૂના ટર્મિનલના સ્થાને બનશે 800 મુસાફરોની ક્ષમતાવાળું આધુનિક બિલ્ડિંગ

 
વર્તમાન સમયમાં કેશોદ એરપોર્ટ પરથી માત્ર એલાયન્સ એરની ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ (મંગળવાર, ગુરુવાર અને શનિવાર) ઓપરેટ થાય છે, જેમાં અઠવાડિયાની કુલ 10 મુવમેન્ટ્સ જ થાય છે. અત્યારના જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં બેગેજ હેન્ડલિંગ, લિફ્ટ, એસ્કેલેટર્સ અને જગ્યાની ઘણી મર્યાદાઓ છે. આ તમામ સમસ્યાઓનો અંત લાવવા માટે આ જ પ્રોજેક્ટ હેઠળ તમામ આધુનિક સાધનો અને સુવિધાઓથી સજ્જ એક નવું પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે, જેની ક્ષમતા ૮૦૦ મુસાફરોની હશે.

પ્રવાસીઓ અને યાત્રાળુઓને મોટો ફાયદો, સૌરાષ્ટ્રના પર્યટન ઉદ્યોગને મળશે વેગ

 
એરપોર્ટના આ અપગ્રેડેશન બાદ દેશની અનેક મોટી એરલાઇન્સ કંપનીઓ કેશોદ આવવા માટે ઉત્સુક બનશે, જેનાથી અહીં એર ટ્રાફિકમાં વ્યાપક વધારો થશે. કેશોદ એરપોર્ટ ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના સ્થળે આવેલું હોવાથી દેશ-વિદેશના પર્યટકો અહીં સીધા આવી શકશે. અહીંથી જગપ્રસિદ્ધ સોમનાથ મંદિર, સિંહ દર્શન માટેનું ગીર ફોરેસ્ટ તેમજ દ્વારકા જેવા ધાર્મિક અને પ્રવાસી સ્થળો ખૂબ જ નજીક હોવાથી યાત્રાળુઓ માટે સમગ્ર સૌરાષ્ટ્રની મુલાકાત અત્યંત સરળ બની જશે, જેનાથી પ્રાદેશિક પર્યટન ઉદ્યોગને મોટો વેગ મળશે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો