1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Rabies Free Ahmedabad

રેબીઝ ફ્રી અમદાવાદ-2030: 10 મહિનામાં શહેરભરના કૂતરાઓની ગણતરી કરાશે, અત્યાર સુધીમાં 5,000થી વધુ શ્વાનોમાં ચીપ લગાવાઈ

Rabies Free Ahmedabad
Rabies Free Ahmedabad
અમદાવાદ શહેરને વર્ષ 2030 સુધીમાં 'રેબીઝ ફ્રી' બનાવવાના લક્ષ્ય સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાધુનિક ડોગ સેન્સસ (શ્વાન ગણતરી) શરૂ કરવામાં આવી છે. વર્ષ 2019માં શહેરમાં અંદાજે 2.10 લાખ રખડતા કૂતરાઓ હતા, પરંતુ હવે નવી ગણતરીમાં ડુપ્લીકેશન અટકાવવા માટે GPS, ફોટોગ્રાફી અને જીઓ-ટેગિંગ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં બહેરામપુરા વોર્ડમાં ગણતરી પૂર્ણ થઈ છે, જ્યાં અંદાજે 1100 જેટલા શ્વાનો નોંધાયા છે.

 
આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 28 લાખનો ખર્ચ કરવામાં આવશે અને આગામી 10 મહિનામાં સમગ્ર શહેરના કૂતરાઓની વિગતવાર માહિતી મેળવાશે. ખાસ કરીને, અત્યાર સુધીમાં 5,071 શ્વાનોમાં 'માઇક્રોચીપ' લગાવવામાં આવી છે, જેનાથી તેમના લોકેશન, ખસીકરણ અને રસીકરણની વિગતો સરળતાથી જાણી શકાશે. ઝોન વાઇઝ વિગતો મુજબ, દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 1,642 અને પશ્ચિમ ઝોનમાં 833 શ્વાનોનું માઇક્રોચીપિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, જે ભવિષ્યમાં 'રી-વેક્સિનેશન'ની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવશે.
 
AMC દ્વારા છેલ્લા સાત વર્ષમાં શ્વાનોના જન્મદર પર કાબૂ મેળવવા માટે સઘન કામગીરી કરવામાં આવી છે. વર્ષ 2018થી અત્યાર સુધીમાં અંદાજે 1.86 લાખથી વધુ શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું છે, જેની પાછળ રૂ. 18.78 કરોડથી વધુનો ખર્ચ થયો છે. આ સતત પ્રયાસોને કારણે શહેરમાં નવા ગલુડિયાઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને વૃદ્ધ શ્વાનોની સંખ્યા વધુ જોવા મળી રહી છે, જે શહેરને રેબીઝ મુક્ત બનાવવા તરફનું એક હકારાત્મક પગલું છે.