1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે

જલારામ જંયતિ

જલારામ
P.R
સં.૧૮૫૬ના કારતક સુદ સાતમના રોજ જલારામ બાપાનો જન્મ થયો હતો. એટલે કે આ વર્ષે બુધવાર .તા. 05/11/08ના જલરામબાપાની જન્મ જંયતી ઉજવામાં આવી રહી છે. ગુજરાત સહિત દુનિયાભરમાં જલરામબાપાના શ્રદ્ધાળુઓ ખૂબ ધામ ધૂમ પૂર્વક બાપાની જન્મ જયંતિ ઉજવશે અને મંદિરમાં જઇ પૂજા-અર્ચના કરશે.

શ્રી જલારામબાપાનો ઇતિહાસ -
આ દિવસે ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ધેર રાજબાઈમાતાની કૂખે જન્મેલા જલારામના મુખે માત્ર પાંચ વર્ષની ઉંમરે રામરામ સીતારામનો મંત્ર હતો. પિતા વેપારી હતા, ગામમાં એમની નાનકડી હાટડી હતી. વેપારીના દીકરાએ ખપ જોગું ભણવું તો પડે જ એટલે પિતાએ એને ગામઠી નિશાળમાં ભણવા મૂકયો. પણ બાળક જલારામનું ચિત્ત ભણવાગણવા કરતાં સાધુ-સંતો તરફ વધારે. સાધુને જુએ કે એનો હાથ પકડી એ એને ધેર જમવા તેડી લાવે. આમ નાનપણથી જ તેમનાંમાં ભક્તિનાં બીજ રોપાયા હતાં. 16 વર્ષની ઉંમરે તેમનાં વીરબાઈ સાથે લગ્ન થયાં.

નાનપણથી જ ભક્તિમાં મન પરોવાયું હોવાથી તેમનું ધ્યાન વેપાર ધંધામાં લાગતું નહી. સાધુસંતોને જોતાં જ એમને ઘરે લઈ આવે અને જમાડે જે તેમનાં પિતાને ગમતું નહીં. દુકાનમાં ચઢી આવેલાં સાધુસંતોને સીધુ-સામગ્રી કાઢી આપના અને જરૂરીયાતની વસ્તુઓ કાઢી આપતાં. એક લોક-વાઇકા મુજબ દુકાનવાળાઓ તેમના પિતા વાલજીભાઈને ફરીયાદ કરતાં હતા એટલે એક દિવસ વાલજીભાઈએ સાધુસંતોના પોટલા જોવા માંગ્યાં હતાં, પરંતુ નીડર જલારામે કહ્યું કે, તેમાં છાણા અને લોટામાં પાણી છે. અને સર્વેનાં આશ્ચર્ય વચ્ચે પોટલામાંથી છાણા તેમજ લોટામાંથી પાણી નીકળ્યાં. આમ સાધુ ભક્તિ એ જ સાચી પ્રભુભક્તિ છે એ જલારામનાં મનમાં ઘર કરી ગઈ.

જલારામે જીવનમા વ્રત લીધું હતું કે, ભૂખ્યાને ભોજન આપવું અને પ્રભુનું ભજન કરવું. તેમનાં પત્ની પણ તેમનાં આ કાર્યમાં સાથ આપતાં. રાતનાં બાર વાગે પણ પરાયો વ્યક્તિ ભૂખ્યો પાછો ન વળતો.. તેમનો સંકલ્પ હતો કે મહેનત કરી કમાવું અને રામનું નામ લઈને ભૂખ્યાંને ભોજન આપવું. તેમનો ગુરુમંત્ર એ હતો કે ‘જે દે ટુકડો તેને પ્રભુ ઢુકડો !’ તેમનાં ગુરુએ કહ્યુ હતું કે ‘દેનાર ભગવાન છે તો લેનાર પણ ભગવાન છે, આમ માની ને દીધા કરો.’ . એને ગુરુ આજ્ઞા માની જલારામે સં. 1876માં માત્ર વીસ વર્ષની ઉંમરે મહા સુદ બીજના દિવસથી વીરપુરમાં સદાવ્રતની શરૂઆત કરી અને તેમનો આશ્રમ રામધૂનથી રાતદિવસ ગૂંજવા લાગ્યો.

દિવસે દિવસે સંતસાધુ અને યાત્રાળુની સંખ્યા વધવા લાગી અને અન્ન વસ્ત્રની તાણ પડવા લાગી ત્યારે વીરબાઈએ તેમનાં દાગીના વેંચી સદાવ્રત ચાલુ રાખ્યું. આશ્રમનાં છ મહિના બાદ હરજી નામનાં દરજી એ માનતા માની કે ‘હે જલાભગત, મારા પેટનું દરદ મટી જશે તો સદાવ્રતમાં પાંચ માપ દાણા મોકલી આપીશ.’ અને તેનાં પેટનું દરદ સારું થતાં તે પાંચ માપ દાણા આપવા જલારામને આશ્રમે આપવા આવ્યો અને તેમનાં પગે પડયો ‘બાપા,, તમારી ફૃપાથી હું સારો થઈ ગયો તમે જ મારા સાચા બાપા છો તમારી માનતાથી મારું દરદ મટ્યું’ .આમ જલારામ ‘બાપા’ તરીકે ઓળખાવા લાગ્યા. જમાલે જલારામબાપાની માનતા માની અને તેનો દીકરો સારો થઈ ગયો. આ જોતાં તે બોલી ઉઠ્યો ‘જલા સો અલ્લા ! જીસકો ન દે અલ્લા, ઉસકો દે જલા’. એકવાર તો સાધુનાં રૂપે જલારામબાપાની કસોટી કરવા ખુદ પ્રભુ આવ્યાં હતાં આમ જલારામબાપાના સદાવ્રતની મહેક ફેલાઈ.

સં.1935ના કારતક વદ નોમ, સોમવારે વીરબાઈમાએ દેહ ત્યાગ કર્યો’. બાપાએ સાત દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી. બાપાને પણ હવે હરસનો વ્યાધિ સતાવતો હતો. રોજ હજારો ભકતો તેમનાં દર્શન માટે આવતા. બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નીમ્યા હતા. સંવત 1937 મહા વદ દશમે બુધવારે બાપાએ ભજન કરતાં કરતાં, એકયાશીમા વર્ષે વૈકુંઠવાસ કર્યો. જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો, મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડયો. બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડારઘરમાં ગયો. ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂકો કરી તેણે ચારે દિશાએ વેર્યોને ‘અખૂટ! અખૂટ ભંડાર!’ બોલતો એ કયાં ચાલી ગયો તેની કોઈને ખબર પડી નહીં. આજે બાપાનો ભંડાર અખૂટ છે.
આજે પણ જલારામબાપાનું નામ તેમનાં સેવાકાર્યો લીધે દેશ-વિદેશમાં ગૂંજે છે. આજે તેમનાં જન્મદિવસે તેમને ભાવભક્તિથી સ્મરણ અને નમન કરીયે.

(શ્રી જલારામબાપાનો ઇતિહાસ ‘ભકતશ્રી જલારામ બાપા’ પુસ્તકમાંથી)
About Writer
વેબ દુનિયા