Prateek Yadav Death Reason: આટલા ફિટ હતા પછી અચાનક... અખિલેશ યાદવના સાવકા ભાઈ પ્રતીક યાદવના મોતનુ કારણ શુ હતુ ?
સમાજવાદી પાર્ટીના સંરક્ષક સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવના પુત્ર અને અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું નિધન થયું છે. આજે વહેલી સવારે 6:15 વાગ્યે જ્યારે તેમને ગંભીર હાલતમાં લખનૌની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા, ત્યારે ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. હંમેશા ફિટનેસ પ્રત્યે જાગૃત રહેતા અને જીમ લવર તરીકે જાણીતા પ્રતીક યાદવના આકસ્મિક અવસાનથી પરિવાર અને સમર્થકો સ્તબ્ધ થઈ ગયા છે.
ફેફસામાં ક્લોટિંગની સમસ્યા બની મોતનું કારણ
પ્રતીક યાદવના મોતના કારણ અંગે મળતી વિગતો મુજબ, તેઓ લાંબા સમયથી ફેફસાંની (Lungs) બીમારીથી પીડાતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના ફેફસામાં લોહીના ગઠ્ઠા જામી જવાની એટલે કે ક્લોટિંગની ગંભીર સમસ્યા હતી. આ જ કારણે તેમની સારવાર ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં પણ ચાલી રહી હતી. આજે સવારે અચાનક તબિયત લથડતા અને શરીરે પ્રતિસાદ આપવાનું બંધ કરી દેતા તેમનું અવસાન થયું હતું.
અગાઉ હોસ્પિટલમાંથી રજા લીધા વગર ઘરે આવ્યા હતા
સ્વાસ્થ્ય અંગેની વધુ માહિતી મુજબ, 30 એપ્રિલના રોજ પણ પ્રતીક યાદવને લખનૌની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ત્રણ દિવસની સારવાર બાદ થોડી રાહત મળતા તેઓ વિધિવત રજા લીધા વગર જ ઘરે પરત ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવ જ્યારે મેદાંતા હોસ્પિટલની મુલાકાતે હતા ત્યારે તેમણે પ્રતીકની મુલાકાત લીધી હતી અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.
અંતિમ સમયે પત્ની અર્પણા યાદવ દિલ્હીમાં હતા
જ્યારે પ્રતીક યાદવને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે તેમના પત્ની અને ભાજપના નેતા અર્પણા યાદવ હાજર નહોતા, કારણ કે તેઓ કોઈ કામ અર્થે દિલ્હીમાં હતા. પ્રતીકને તેમના સાળા હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને 'બ્રોટ ડેડ' જાહેર કર્યા હતા. હાલમાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, જેના રિપોર્ટ બાદ મોતના સચોટ કારણો પર અંતિમ મહોર વાગશે.
