1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (13:44 IST)

Story Of art- પરંપરાગત આદિવાસી કલાને સાચવતું છોટાઉદેપુરનું દંપતી,જૂજ લોકો જાણે છે કલા

પાશ્ચાત્ય સંસ્કૃતિથી આકર્ષાઈને જ્યારે સમાજ આધુનિકીકરણ વળે છે ઘણી બધી પરંપરાઓને છોડીને આગળ વધતો હોય છે. સ્ત્રીઓ પણ પરંપરાગત અલંકારોથી વળી ને બજારમાં ઉપલબ્ધ આધુનિક અને ભાવમાં સસ્તા મળી રહે તેવા ગળાના હાર, બુટ્ટી, રીંગ અને પાયલ ખરીદતી થઈ છે. તો આવામાં છોટાઉદેપુર, દાહોદ તથા ગુજરાતની પૂર્વપટ્ટીના આદિવાસીઓમાં પ્રસિદ્ધ એવા રંગીન મોતીકામ થી બનાવેલ આભૂષણોની ઓળખ ભૂંસવાની આરે છે. આદિવાસી સમાજના આ પરંપરાગત મોતીકામના આકર્ષક ઘરેણાં બનાવવની રીત ઘણા જૂજ લોકો તેને જાણે છે. આ કલાને લોકો જાણે અને લુપ્ત થતી અટકે તે માટે ઘણા આદિવાસીઓ અથાક પ્રયત્નો કરતા હોય છે.
 
વાત છે અહી છોટાઉદેપુરના જઈ અંબે સખીમંડળ ના રેખાબેન નજરુભાઈ રાઠવાની. છોટાઉદેપુરના એક ખુબજ નાના ગામમાં તેઓ વતની છે. રેખાબેનના પતિ આદિવાસી સમાજની ઓળખ એવા પીઠોરા ચિત્રકલાના કલાકાર છે. ફક્ત તેમના પતિના કાર્યથી તેમના ઘરનું ગુજરાન શક્ય નહતું. જેથી તેમને આંગણવાડીમાં આશવર્કર તરીકે કામ કરવાનું શરુ કર્યું. પરંતુ પરિવારની જવાબદારીને ન્યાય આપવા તેઓને આશવર્કર તરીકેની સેવા છોડવી પડી હતી. 
 
આર્થિક તંગીમાં પોતાના બે બાળકોનું ભવિષ્ય ન જોખમાય તે માટે ચિંતિત એવા રેખાબેનને આર્થિક પ્રવૃત્તિમાં જોડાવું જરૂરી લાગ્યું. ત્યારે તેમને નવરાશના સમયમાં પોતાના દાદીમા દ્વારા શીખવાડેલી આદિવાસી મોતીકામના ઘરેણાં બનાવવાનું વિચાર્યું. તેમના દાદીમા ઘરેણાં બનાવીને વેચતા નહિ પરંતુ પોતાના ઘરના સભ્યો માટે બનાવતા. આ કલાને જીવંત રાખવા માટે રેખાબેન આદિવાસી મોતિકામના આભૂષણો બનાવીને વેચાણ કરવાનું નક્કી કર્યું. આ કાર્ય અત્યંત ઝીણવટ ભર્યું હોવાથી તેઓ વધુ બનાવી ન શકતા. 
 
ત્યાંજ પૂર્ણવિરામ ન મૂકતા રેખાબેને જય અંબે સખી મંડળની રચના કરી. આ સ્વ સહાય જૂથમાં તેમને ૧૦ બહેનોને આ કલા શીખવી અને પોતાના દાદીમાં એ શીખવેલી તથા આદિવાસી બહેનોની ઓળખ,  નરી આંખે જોઈ શકાય તેવા અત્યંત ઝીણા મણકાને એક એક કરીને પરોવીને આકર્ષક ડિઝાઇન તૈયાર કરે છે. તેના દ્વારા તેઓ નેકલેસ, ઇયરિંગ, એન્કલેટ વગેરે બનાવે છે.
 
આ વિશે વધુ જણાવતા રેખાબેન કહે છે કે ૨ સખીમંડળની બહેનો આ કળા શીખવી છે અને ૩૦ જેટલી આદિવાસી મહિલાઓનું ગુજરાન મુખ્યત્વે તેમની આ કળા ઉપર નિર્ભર છે. આ કલાના કારણે તેઓ પોતાના બાળકોને સારું અભ્યાસ આપી રહ્યા છે. વધુમાં જણાવતાં કહ્યું કે પોતાના દાદીએ શીખવાડેલી આદિવાસીને કલા સરકાર દ્વારા આયોજિત હસ્તકલા પ્રદર્શનમાં લોકો જાણે અને લોકો સુધી પહોંચે તે માટે મૂકી રહ્યા છે. આજના યુવાનો તેને સ્વીકારી પણ રહ્યા છે તે વાત નો આનંદ છે.