શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , સોમવાર, 3 જૂન 2024 (18:56 IST)

દૂધ અને ટોલ ટેક્સનો ભાવ વધતાં કોંગ્રેસનો આક્ષેપ, ભાજપે અચ્છે દિનનો અહેસાસ કરાવ્યો

gujarati news
gujarati news
 લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ દૂધ અને ટોલ ટેક્સનો ભાવ વધારો થયો છે. રવિવારે અમૂલ ડેરીએ દૂધની કિંમતમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો. આ નવી કિંમત આજથી સમગ્ર દેશમાં લાગૂ પડશે. ત્યારે દૂધ અને ટોલ ટેક્સના ભાવ વધારા બાબતે કોંગ્રેસે વિરોધ નોધાવ્યો છે. સરકાર પર પ્રહારો કરતા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ આકરા પ્રહારો કર્યાં છે. તેમણે કહ્યું હતું કે, ચૂંટણીમાં પ્રજાના મત લઈને ભાજપે લોકોને અચ્છે દિનનો અહેસાસ કરાવ્યો છે. 
 
સામાન્ય માણસ માટે જીવન નિર્વાહ વધુ પડકારજનક બનશે
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મત લેવાનો કાર્યક્રમ પૂર્ણ કરી ભાજપાએ મોંઘવારીનો માર આપવાની નીતિ શરૂ કરી છે.દૂધના ભાવમાં વધારાથી સામાન્ય માણસ પર મોંઘવારીનો માર પડ્યો છે. કોમર્શિયલ વાહનો પર ટોલટેક્સમાં વધારાથી જીવનજરૂરી વસ્તુ મોંઘી થશે. પાઠ્યપુસ્તક સહિતની શૈક્ષણિક વસ્તુઓ પર પણ ભાવ વધારો કરાયો છે. હવે મોંઘવારીના કારણે સામાન્ય માણસ માટે જીવન નિર્વાહ વધુ પડકારજનક બનશે. તેમણે કહ્યું હતું કે, આનાથી મોટો વિશ્વાસઘાત બીજો કોઇ ના હોઈ શકે.ભાજપા દૂર થશે તો જ મોંઘવારીથી રાહત થશે. 
 
પ્રાથમિક જીવન જરુરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો
મનિષ દોશીએ કહ્યું હતું કે, મોંઘવારીથી જનતા પરેશાન થઇ ગઇ છે. પ્રાથમિક જીવન જરુરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો નોંધાઇ રહ્યો છે. શાકભાજી, કઠોળ, દૂધ, ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમાં પણ બાકી હતું તેમ અમૂલે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો. જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક તરફ ખાદ્ય ચીજોના ભાવ આસમાને તો બીજી તરફ દૂધ. વધતા ભાવે તો ગૃહિણીઓની કમર ભાંગી નાખી છે. એક બાદ એક તમામ વસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકને તો ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. ત્યારે અમૂલે દૂધના ભાવમાં વધુ એક ભાવ વધારાએ ગૃહિણીઓને ચક્કર લાવી દીધા છે.