1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. GSRTC Volvo service

GSRTC નો મોટો નિર્ણય: અમદાવાદથી ભાવનગર અને સુરત જવું હવે વધુ ઝડપી અને સસ્તું બનશે

GSRTC  volvo buses
GSRTC volvo buses
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા અને સમયની બચતને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ હવે રાજ્યના મુખ્ય શહેરોને જોડતી પ્રીમિયમ એસી બસોને નવનિર્મિત એક્સપ્રેસ હાઇવે સાથે સાંકળી લેવામાં આવી છે. આ નવી વ્યવસ્થાને કારણે મુસાફરોની મુસાફરી વધુ ઝડપી, આરામદાયક અને આર્થિક રીતે સસ્તી બનશે, જે લાંબા અંતરના પ્રવાસીઓ માટે ખૂબ જ રાહત સમાન છે.
 
અમદાવાદ-ભાવનગર રૂટ: ભાડામાં ઘટાડો અને સમયની મોટી બચત
 
નવા ફેરફાર મુજબ, અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમિયમ એસી બસો હવે નવા બનેલા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થશે. આ રૂટ પર દરરોજ સવારે ૫ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી દર કલાકે એક એમ કુલ ૨૪ ટ્રિપ્સ ચલાવવામાં આવશે. આ ઉપરાંત, ગાંધીનગરથી દીવ અને મહુવા જતી બસો પણ આ જ હાઇવે પરથી જશે. આ નવા રૂટના કારણે મુસાફરીનો સમય ઘટશે અને સાથે જ અમદાવાદથી ભાવનગરનું એસી બસનું ભાડું ઘટાડીને રૂ. ૩૩૬ કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોને સીધો રૂ. ૧૫નો આર્થિક ફાયદો થશે.
 

અમદાવાદ-સુરત વોલ્વો સેવા: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર નોનસ્ટોપ સવારી

 
અમદાવાદ અને સુરત વચ્ચે મુસાફરી કરતા લોકો માટે પણ GSRTC દ્વારા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર નવી નોનસ્ટોપ વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ શેડ્યૂલ અંતર્ગત સવારે 6:45  વાગ્યે અમદાવાદના નહેરુનગરથી સુરત માટે અને બપોરે 1 વાગ્યે સુરતથી અમદાવાદ માટે વોલ્વો બસ ઉપડશે. હાઇવે કનેક્ટિવિટીના કારણે મુસાફરીના સમયમાં મોટો ઘટાડો થશે, એટલું જ નહીં, નહેરુનગરથી સુરતનું ભાડું રૂ. ૬૮૭ નક્કી કરાતાં મુસાફરોને ટિકિટ દીઠ અંદાજે રૂ.61  સુધીની મોટી બચત થશે.