1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Rebuild Subhash Bridge

AMCનું મોટું આયોજન કે ઘોર બેદરકારી? 5 મહિનાના કામ બાદ હવે આખો સુભાષબ્રિજ તોડી પડાશે; અમદાવાદીઓને વેઠવો પડશે ટ્રાફિક જામ

ahmedabad subhash bridge
ahmedabad subhash bridge
અમદાવાદનો આશરે 53 વર્ષ જૂનો ઐતિહાસિક સુભાષબ્રિજ હવે ભૂતકાળ બની જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ બ્રિજને માત્ર રિપેર કરવાને બદલે હવે તેને સંપૂર્ણપણે તોડી પાડીને નવો બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બ્રિજની સમારકામની કામગીરી છેલ્લા 5 મહિનાથી ચાલી રહી હતી, પરંતુ તે દરમિયાન તેના પિલર (થાંભલા) માં ગંભીર તિરાડો જોવા મળતાં વહીવટી તંત્ર દ્વારા તેને જડમૂળથી હટાવી નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

IIT રૂરકીના રિપોર્ટ બાદ મ્યુનિસિપલ કમિશનરનું એલાન

બ્રિજના પિલરમાં તિરાડો દેખાતા AMC દ્વારા IIT રૂરકી અને ગાંધીનગરની નિષ્ણાત એજન્સીઓ પાસે આ અંગે સ્પેશિયલ સર્વે કરાવાયો હતો. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, કન્સલ્ટન્સી અને IIT રૂરકીના અહેવાલ મુજબ 53 વર્ષ જૂના પિલર નબળા પડી ગયા હોવાથી તેને પણ નવા બનાવવા જરૂરી છે. જો બ્રિજના સ્પાન અને પિલર બંને સંપૂર્ણપણે નવા બનાવવામાં આવે, તો આ નવા બ્રિજનું આયુષ્ય 100 વર્ષ સુધી વધી જશે અને તેની મજબૂતાઈ પણ ઘણી વધારે રહેશે.
 

પ્રોજેક્ટનો ખર્ચ વધશે અને અમદાવાદીઓને ટ્રાફિક નડશે

અગાઉ આ બ્રિજના માત્ર રિપેરિંગ અને આંશિક નવનિર્માણ માટે ₹236 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ હવે આખો બ્રિજ નવેસરથી બનાવવાનો હોવાથી પ્રોજેક્ટનો ખર્ચ નોંધપાત્ર રીતે વધશે. આ ઉપરાંત, જે બ્રિજનું કામ 9 મહિનામાં પૂર્ણ થવાનું હતું, તે હવે અંદાજે દોઢ વર્ષ (18 મહિના) જેટલો સમય લેશે. આ લાંબા સમયગાળાને કારણે સ્થાનિક નાગરિકોને વાડજથી ફરીને પૂર્વ વિસ્તાર કે એરપોર્ટ જવું પડશે, જેનાથી પેટ્રોલના વધતા ભાવ વચ્ચે જનતાની હેરાનગતિ અને ટ્રાફિકની સમસ્યામાં વધારો થશે.

 તંત્રની ઘોર બેદરકારી સામે ઉઠતા સવાલો

આ સમગ્ર મામલે અમદાવાદ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી અને આયોજનનો અભાવ સ્પષ્ટપણે સામે આવ્યો છે. સ્થાનિકો અને નિષ્ણાતો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જ્યારે એજન્સીએ શરૂઆતમાં બ્રિજના રિપેરિંગનો રિપોર્ટ તૈયાર કર્યો, ત્યારે પિલરની આ તિરાડો કેમ ન દેખાઈ? સુભાષબ્રિજ પર 5 મહિના સુધી કામ ચાલ્યા બાદ અને કરોડો રૂપિયાનો ધુમાડો થયા પછી અચાનક આવો રિપોર્ટ કેમ આવ્યો? તંત્રની આ ઢીલી નીતિને કારણે જનતાના પૈસા અને સમય બંનેનો વેડફાટ થઈ રહ્યો છે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો