1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. 30 day notice exemptionay notice exemption

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: જમીન-મિલકતના સોદામાં હવે 30 દિવસની નોટિસમાંથી મુક્તિ

land buying rules Gujarat
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જમીન મહેસૂલ ક્ષેત્રે એક ઐતિહાસિક સુધારો કર્યો છે. "જમીન મહેસૂલ અધિનિયમ-1879" ની કલમ 135-D માં ફેરફાર કરીને હવે કાયદેસરના જમીન કે મિલકતના સોદાઓમાં 30 દિવસની ફરજિયાત નોટિસના સમયગાળાને નાબૂદ કરવામાં આવ્યો છે. આ ક્રાંતિકારી નિર્ણયને કારણે હવે સામાન્ય નાગરિકોને દસ્તાવેજ નોંધણી કરાવ્યા બાદ લાંબી રાહ જોવી નહીં પડે અને વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
 

બ્લેકમેલિંગ અને ખોટા વાંધા-વચકા પર આવશે રોક

 
અત્યાર સુધી અમલી 30 દિવસની નોટિસ પ્રથાનો ગેરલાભ ઉઠાવીને કેટલાક અસામાજિક તત્વો ખોટા વાંધા ઉઠાવીને ખરીદનાર કે વેચનારને બ્લેકમેલ કરતા હતા. મિલકતના ભાવ વધતા જૂના બાનાખતના આધારે પૈસા પડાવવાની પ્રવૃત્તિઓ ચાલતી હતી. સરકારના આ નવા નિર્ણયથી ખેડૂતો અને મધ્યમ વર્ગને આવી હેરાનગતિમાંથી કાયમી મુક્તિ મળશે અને જમીન-મિલકતના વ્યવહારો વધુ પારદર્શક તેમજ ભયમુક્ત બનશે.
 

વિવાદ વગરના કિસ્સામાં તે જ દિવસે થશે પાકી નોંધ

 
નવા નિયમ મુજબ, જો જમીનના રેકોર્ડમાં છેલ્લા એક વર્ષમાં કોઈ ફેરફાર ન થયો હોય અને મિલકત પર કોઈ કોર્ટ કેસ કે વિવાદ ન હોય, તો દસ્તાવેજ થયાના દિવસે જ 'પાકી એન્ટ્રી' પાડી દેવામાં આવશે. આ માટે શરત એટલી જ છે કે 7/12 ના ઉતારામાં દર્શાવેલા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરેલી હોવી જોઈએ. આ સુધારાથી જટિલ પ્રક્રિયાઓ સરળ બનશે અને મિલકત ધારકોના હક જલ્દી સાબિત થશે.
 

શંકાસ્પદ કિસ્સાઓમાં નોટિસનો સમયગાળો ઘટાડાયો

 
જે કિસ્સાઓમાં તપાસની જરૂર હોય અથવા પાવર ઓફ એટર્ની (PoA) દ્વારા વેચાણ થયું હોય, ત્યાં પણ સરકારે મોટી રાહત આપી છે. અગાઉ આવા કિસ્સામાં 30 દિવસની નોટિસ આપવી પડતી હતી, જેનો સમય ઘટાડીને હવે માત્ર 7 દિવસ કરી દેવામાં આવ્યો છે. આ 7 દિવસના ટૂંકા ગાળામાં સાચા હકદારો પોતાના આધાર-પુરાવા રજૂ કરી શકશે, જેથી કોઈ પણ વ્યક્તિને અન્યાય ન થાય અને પ્રક્રિયામાં વિલંબ પણ ન થાય.
 

50,000 જેટલા પડતર કેસોનો ઝડપી નિકાલ થશે

 
આ સુધારાની સૌથી મોટી અસર રેવન્યુ કોર્ટમાં જોવા મળશે, જ્યાં માત્ર 135-D ના વાંધાના કારણે આશરે 50,000 જેટલા કેસો અટવાયેલા છે. મામલતદારથી લઈને SSRD સુધી ચાલતા આ કેસોનો હવે ઝડપથી નિકાલ આવશે. આ નિર્ણય માત્ર ખેતીની જમીન માટે જ નહીં, પરંતુ દુકાન, ફ્લેટ અને મકાન ખરીદનારા તમામ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને સરકારી તંત્ર પરનું ભારણ ઘટશે.
ये भी पढ़ें
વડોદરામાં આ શું ચાલી રહ્યું છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા VHP નેતાનુ ડોલ્યુ મન, કોંગ્રેસમાં જોડાયા