1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Vadodara Drinking Water Shortage Issue

વડોદરાવાસીઓ માટે ચિંતાના સમાચાર: આજવા સરોવરમાં જળસ્તર ઘટતાં ભરઉનાળે આગામી ૩૦ દિવસ સુધી પાણીકાપ, તંત્ર દ્વારા નાગરિકોને સહકાર આપવાની અપીલ

Drinking Water Shortage
Drinking Water Shortage
વડોદરા શહેરમાં વસતા નાગરિકો માટે આગામી એક મહિનો પાણીના વપરાશને લઈને મુશ્કેલીભર્યો સાબિત થઈ શકે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા લેવાયેલા એક મહત્વના નિર્ણય અનુસાર, સોમવારથી શહેરમાં તબક્કાવાર પાણીકાપ લાગુ કરી દેવામાં આવ્યો છે. આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે અડધા વડોદરામાં પાણીની મોટી અછત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

ફ્રેન્ચવેલ કૂવામાંથી રેતી કાઢવાની કામગીરીને પગલે લેવાયો નિર્ણય

પાણીકાપ પાછળનું મુખ્ય કારણ ચોમાસા પૂર્વેની સફાઈ કામગીરી છે. મહીસાગર નદીમાં આવેલા રાયકા અને દોડકા ફ્રેન્ચવેલ કૂવામાં મોટા પ્રમાણમાં ભરાયેલી રેતીને બહાર કાઢવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે. કોર્પોરેશનના જણાવ્યાનુસાર, ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની પ્રક્રિયા દરમિયાન ત્યાં કાર્યરત હેવી પંપોને દરરોજ દિવસ દરમિયાન ૨ થી ૩ કલાક સુધી ફરજિયાત બંધ રાખવા પડશે. આ કારણે પાણીની ટાંકીઓ અને બુસ્ટર સ્ટેશનોમાં પાણીનો સંગ્રહ ઓછો થશે અને વિસ્તારોમાં પાણીનું દબાણ ઘટશે.
 

શહેરના 16  મુખ્ય પાણીના સ્ત્રોતો અને ટાંકીઓ પર સીધી અસર

આ કામગીરીના કારણે વડોદરાના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારની 16 મુખ્ય પાણીની ટાંકીઓ અને બુસ્ટર સ્ટેશનો સીધા પ્રભાવિત થશે. જેમાં એરપોર્ટ બુસ્ટર, આજવા ટાંકી, ખોડીયારનગર બુસ્ટર, વારસિયા બુસ્ટર, ગાજરાવાડી ટાંકી, નાલંદા ટાંકી, દરજીપુરા બુસ્ટર, સમા ટાંકી, પૂનમનગર ટાંકી, નોર્થ હરણી ટાંકી, કારેલીબાગ ટાંકી, વ્હીકલપુલ બુસ્ટર, સયાજીબાગ ટાંકી, જેલ ટાંકી, પાણીગેટ ટાંકી તથા લાલબાગ ટાંકી હેઠળ આવતા તમામ વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળશે.
 

ફાજલપુર ફ્રેન્ચવેલ હેઠળના વિસ્તારોમાં પણ આંશિક અસરની શક્યતા

મુખ્ય સ્ત્રોતો ઉપરાંત કોર્પોરેશને એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે, આ કામગીરીની આડઅસર ફાજલપુર ફ્રેન્ચવેલ પરથી પાણી મેળવતી ટાંકીઓ પર પણ પડી શકે છે. જેના કારણે પરશુરામ બુસ્ટર, જૂનીગઢી બુસ્ટર, છાણી ગામ ટાંકી, છાણી જકાતનાકા ટાંકી, સમા જૂની ટાંકી, ટીપી-13  ટાંકી, નવી ધરતી બુસ્ટર, ફતેપુરા બુસ્ટર, સાધનાનગર બુસ્ટર તથા બકરાવાળી બુસ્ટર જેવા વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં પાણી ઓછા સમય માટે અથવા ધીમા પ્રેશરથી વિતરણ કરવામાં આવે તેવી શક્યતા છે.

હવામાન આધારિત સમયગાળામાં ફેરફાર થઈ શકે: કોર્પોરેશનની અપીલ

મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગે સ્પષ્ટતા કરી છે કે, આ આખી કામગીરી ચોમાસા દરમિયાન શહેરીજનોને શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તે માટેની આગોતરી તૈયારી છે. જોકે, આગામી દિવસોમાં હવામાન અને વરસાદની પરિસ્થિતિ કેવી રહે છે, તેના આધારે આ ૩૦ દિવસના સમયગાળામાં થોડો ફેરફાર કે વધ-ઘટ થઈ શકે છે. તંત્ર દ્વારા વડોદરાના તમામ નાગરિકોને આ દિવસો દરમિયાન પાણીનો બગાડ ન કરવા અને વહીવટી કામગીરીમાં સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે.