અમરેલીના મિતિયાળામાં ફરી ભૂકંપનો આંચકો: રિક્ટર સ્કેલ પર 2.1 ની તીવ્રતા નોંધાઈ
અમરેલી જિલ્લાના મિતિયાળા પંથકમાં આજે સવારે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. સવારે 11:43 વાગ્યે અચાનક ધરા ધ્રુજી ઉઠતા લોકો પોતાના ઘરો અને દુકાનોમાંથી જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. આ આંચકો મિતિયાળા ગામ, મિતિયાળા અભ્યારણ્ય વિસ્તાર તેમજ કૃષ્ણગઢ, સાકરપરા અને ભાડના જંગલ વિસ્તાર સહિતના આસપાસના ગામોમાં પણ જોરદાર રીતે અનુભવાયો હતો.
રિક્ટર સ્કેલ પર 2.1ની તીવ્રતા: જાનહાનિના કોઈ સમાચાર નહીં
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.1 નોંધાઈ હતી. ભૂકંપનો ઝટકો પ્રમાણમાં હળવો હોવા છતાં અનેક લોકોએ ધરતી ધ્રુજવાની સ્પષ્ટ અનુભૂતિ કરી હતી. જોકે, રાહતની વાત એ છે કે આ કુદરતી ઘટનામાં હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટા પાયે મિલકતને નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જેથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
છેલ્લા છ મહિનાથી સતત આંચકા: અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ
ઉલ્લેખનીય છે કે છેલ્લા છ મહિનાથી મિતિયાળા અને તેની આસપાસના પંથકમાં વારંવાર નાના-મોટા ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં સતત ફફડાટ જોવા મળી રહ્યો છે. ભૂસ્તરવિજ્ઞાનીઓ દ્વારા આ વિસ્તારની ભૂગર્ભીય સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ સમગ્ર પરિસ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે અને નાગરિકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી દૂર રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
