1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Amreli petrol-diesel shortage news

અમરેલીમાં પેટ્રોલ-ડીઝલ ખૂટવાની અફવા: પંપ પર લાગી લાંબી કતારો, તંત્રએ કર્યો ખુલાસો

Amreli news
Amreli news
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરોને લઈને તાજેતરમાં અમરેલી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી જવાની એક ખોટી અફવા ઝડપથી ફેલાઈ ગઈ હતી. આ અફવાને પગલે લોકોમાં ગભરાહટ ફેલાયો હતો અને છેલ્લા બે દિવસથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના લોકો પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવા માટે ઉતાવળા થયા હતા.
 
આ અફવાને સાચી માનીને ભવિષ્યની તંગીથી બચવા આગોતરું ઈંધણ મેળવી લેવાની લ્હાયમાં પેટ્રોલપંપ પર લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ખાસ કરીને ખેડૂતો પોતાના ટ્રેક્ટરો અને મોટા બેરલ લઈને ડીઝલ લેવા પંપ પર પહોંચી ગયા હતા, જેના પરિણામે સમગ્ર જિલ્લાના મોટાભાગના પેટ્રોલપંપ પર વાહનોની ખૂબ જ લાંબી કતારો અને ભારે ભીડ જોવા મળી હતી.
 
એકસાથે હજારોની સંખ્યામાં લોકો ઈંધણ ભરાવવા માટે ઉમટી પડતા પંપ સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. આ અચાનક આવેલી માંગને કારણે કેટલાક પેટ્રોલપંપ પર થોડા સમય માટે ખરેખર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો હતો, પરિસ્થિતિ કાબૂ બહાર જતી લાગતા કેટલાક સંચાલકોને નાછૂટકે તાત્કાલિક ધોરણે વેચાણ બંધ કરવાની ફરજ પડી હતી.
 
આ સમગ્ર અફરાતફરી બાદ અમરેલી જિલ્લા પુરવઠા વિભાગે આગળ આવીને પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. પુરવઠા અધિકારી પ્રતીક કુંભાણીએ આ અફવાઓનું સખત ખંડન કરતા જણાવ્યું છે કે જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની અછત નથી. તંત્ર દ્વારા લોકોને આવી ખોટી અફવાઓ પર વિશ્વાસ ન રાખવા અને પેટ્રોલપંપ પર વિનાકારણ ભીડ ન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
 
ये भी पढ़ें
ઈરાન અને આરબ દેશોને મોટો ફટકો, અમેરિકાએ રશિયાને છૂટ આપી; પુતિન 30 દિવસ માટે ભારતને તેલ વેચી શકે છે