સંબંધિત સમાચાર
- શાળાઓમાં કિલ્લોલ: 54 હજાર સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ
- ગુજરાત સરકારે 8 IPS અધિકારીઓને સોંપી સરહદની જવાબદારી: વાવ, પાટણ અને કચ્છ સરહદે બે દિવસીય સઘન સુરક્ષા કવાયત
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કડક ટકોર બાદ અમદાવાદમાં રોગચાળો ડામવા AMCનો માસ્ટર પ્લાન: જાણો પાણીની ફરિયાદો માટે શું બદલાયું?
- મુન્દ્રા બંદરે ATSની મોટી કાર્યવાહી, પાકિસ્તાનથી આવેલા જહાજને રોકી સઘન તપાસ શરૂ
- સુરતમાં મોટો અકસ્માત: જ્વેલરી ફેક્ટરીમાં સેપ્ટિક ટાંકીમાં ચાર કામદારોના શ્વાસ રૂંધાતા મોત
હસતી-ખેલતી દીકરીની અણધારી વિદાય: પુરુષોત્તમ માસના પ્રસંગે મામાના ઘરે આવેલી આનંદીને જમ્યા બાદ આવ્યો સિવિયર એટેક
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતી 14 વર્ષીય તરુણી આનંદી રાજેશભાઈ મોદીનું રાજકોટમાં હાર્ટ એટેક આવવાના કારણે કરુણ નિધન થયું છે. પવિત્ર પુરુષોત્તમ માસના પ્રસંગે આનંદી પોતાના પરિવાર સાથે રાજકોટમાં આવેલા તેના મામાના ઘરે ગઈ હતી. ત્યાં અન્ય બાળકો સાથે દોડાદોડી કરીને રમતી વખતે તે અચાનક જમીન પર ઢળી પડી હતી, જેનાથી પરિવારમાં ખુશીનો માહોલ પલભરમાં શોકમાં ફેરવાઈ ગયો હતો.
વડીલો વાતો કરતા હતા અને અચાનક સર્જાયો આક્રંદ
આ દુઃખદ ઘટના અંગે વિગતો આપતા આનંદીના મામા ગોપાલ કટારિયાએ જણાવ્યું કે, પુરુષોત્તમ માસ નિમિત્તે રાજકોટના સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં વડીલોને જમાડવાનું એક પારિવારિક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ પત્યા બાદ પરિવારના તમામ સભ્યો આનંદ રિસોર્ટમાં જમવા માટે ગયા હતા. રાત્રે જમ્યા પછી હોલની અંદર વડીલો વાતો કરી રહ્યા હતા અને બાળકો ખુશ થઈને રમી રહ્યા હતા, તે જ સમયે આનંદીને સિવિયર હાર્ટ એટેક આવ્યો હતો.
હોસ્પિટલમાં તબીબોના તમામ પ્રયાસો અસફળ રહ્યા
રમતાં-રમતાં આનંદી અચાનક બેભાન થઈને નીચે પડી જતાં પરિવારજનો તાત્કાલિક તેને સારવાર માટે સિનર્જી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હોસ્પિટલમાં તબીબો દ્વારા તેને બચાવવા માટેના તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ માસૂમ આનંદીનો જીવ બચાવી શકાયો નહોતો. ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી અને પ્રાથમિક તપાસમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે.
દીકરી હસતી-ખેલતી હતી, કોઈ બીમારી નહોતી
આનંદીના મામાએ ભારે હૈયે મીડિયાને જણાવ્યું કે, દીકરીને કોઈ પણ પ્રકારની નાની-મોટી બીમારી નહોતી અને તે હંમેશા હસતી-ખેલતી રહેતી હતી. છેલ્લી ઘડી સુધી ખૂબ જ ઉત્સાહમાં રહેલી ઘરની લાડકી દીકરીએ આ રીતે અચાનક વિદાય લેતાં માતા-પિતા સહિત સમગ્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. જામનગરમાં યોજાયેલા આનંદીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ અને સ્થાનિક લોકો આંસુ ભરેલી આંખે જોડાયા હતા.
નાની ઉંમરે વધતા હાર્ટ એટેકના બનાવો ચિંતાનો વિષય
માત્ર 14 વર્ષની કુમળી વયે હાર્ટ એટેકથી થયેલા આ અવસાનના સમાચાર સોશિયલ મીડિયા અને લોકમુખે ચર્ચાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો, કિશોરો અને યુવાનોમાં હૃદય સંબંધિત સમસ્યાઓ અને અચાનક આવતા હાર્ટ એટેકના બનાવો જે રીતે વધી રહ્યા છે, તે સમાજ અને તબીબી જગત માટે અત્યંત ગંભીર અને ચિંતાનો વિષય બન્યો છે.
