1. ધર્મ
  2. તહેવારો
  3. અધિક માસ
  4. purushottam maas Katha Adhyay 2 in Gujarati

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથા અધ્યાય બીજો અને વર વગરની વહુની વાર્તા

નારદજીનો નારાયણ આશ્રમમાં પ્રવેશ અને સંવાદ

અધિક માસ કથા અધ્યાય 2
સુત પુરાણી શૌનકાદિ ઋષિઓને આગળ કથા સંભળાવતા કહે છે: હે મુનિઓ! ભગવાન નારાયણના મુખેથી પરમ પવિત્ર કથા સાંભળીને નારદજી અત્યંત પ્રસન્ન થયા. તેમણે ભગવાનને પ્રણામ કરીને પૂછ્યું, "હે પ્રભુ! આપના મુખેથી નીકળેલી આ અમૃતવાણી સાંભળીને મારું મન તૃપ્ત થતું નથી. કૃપા કરીને મને એ જણાવો કે અધિક માસ (પુરૂષોત્તમ માસ) નું આટલું બધું મહત્વ કેમ છે? આ માસનો સ્વામી કોણ છે અને આ મહિનામાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ?"
નારદજીના આવા કલ્યાણકારી વચનો સાંભળીને બદ્રિકાશ્રમમાં બિરાજમાન ભગવાન નારાયણ મંદ-મંદ હસ્યા અને બોલ્યા: "હે દેવર્ષિ! તમે જગતના કલ્યાણ માટે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. પૂર્વે આ જ પ્રશ્ન રાજા દ્રૌપદી અને પાંડવોના હિત માટે મહર્ષિ વ્યાસે પણ સમજાવ્યો હતો. હું તમને એ જ પરમ રહસ્ય વિસ્તારપૂર્વક કહું છું, તમે એકાગ્ર ચિત્તે સાંભળો."
 
ભગવાન નારાયણે આગળ કહ્યું કે, પૃથ્વી પર જ્યારે-જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને મનુષ્યો ભક્તિમાર્ગ ભૂલી જાય છે, ત્યારે આ પુરૂષોત્તમ માસનું વ્રત જ તેમને તારનારું બને છે. આ મહિનો અન્ય તમામ મહિનાઓ કરતાં શ્રેષ્ઠ અને પવિત્ર છે, કારણ કે આ મહિનાના અધિપતિ સ્વયં ભગવાન પુરુષોત્તમ (શ્રીહરિ) છે. જે મનુષ્ય આ માસમાં નિયમબદ્ધ રહીને પૂજન, અર્ચન અને કથા શ્રવણ કરે છે, તેના જન્મોજન્મના પાપો નષ્ટ થઈ જાય છે.
 
નારદજીએ આ સાંભળીને આશ્ચર્ય સાથે પૂછ્યું, "હે દયાનિધિ! આ માસને 'મલમાસ' (અશુભ કે નિંદિત મહિનો) પણ કહેવામાં આવે છે, તો પછી તે આટલો પવિત્ર અને પૂજનીય કેવી રીતે બન્યો? કૃપા કરી તેની પાછળનો ઇતિહાસ મને સંભળાવો." ભગવાન નારાયણે નારદજીની જિજ્ઞાસા જોઈને મલમાસના દુઃખ અને તેની ભક્તિની કથા શરૂ કરવા માંડી.
 
 
નારદજીએ પૂછ્યું : “હે શ્રી નારાયણ મુનિ ! તે પુરૂષોત્તમ દેવ કોણ છે ? એમનું માહાત્મ્ય ક્યું છે તે મને આશ્ચર્ય જેવું લાગે છે તેથી મને એ વિસ્તારથી કહો.”
 
સુત બોલ્યા : “ હે મુનિઓ ! નારદજીનું એ વચન સાંભળી શ્રી નારાયણ પુરૂષોત્તમમાં મનને બરાબર એકગ્ર કર્યા પછી આમ બોલ્યા :”
 
શ્રી નારાયણે કહ્યું : “હે દેવર્ષિ નારદ ! ‘પુરૂષોત્તમ’ એવું એક મહિનાનું નામ છે અને તે નામ પણ કારણ સહિત છે, તે મહિનાના સ્વામી કૃપા સાગર શ્રી પુરૂષોત્તમ કહેવાય છે. એ માસનું  વ્રતકરવાથી શ્રી પુરૂષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે.
 
નારદજીએ પૂછ્યું : “ચૈત્ર વગેરે મહિનાઓ અને તે તે મહિનાના સ્વામીઓ તો મેં સાંભળ્યા છે, પરંતુ આ મહિનાનું નામ પ્રથમ વખત જ સાંભળું છું. તે મહિનામાં શું કરવું ? એ બધુ કરવાથી ક્યા દેવ પ્રસન્ન થાય છે, એ ક્યું ફળ આપે છે તે મને કહો. હે જગતના નાથ ! વિધવાપણું તથા વાંઝિયાપણું આદિ ક્ષયરોગ, જે જે દોષો છે, તેઓથી પીડાતા મનુષ્યોને જોઈનેમને દુ:ખ થાય છે માટેતે સાંસારિક જીવોને દુ:ખોથી મુક્તિ મળે અને તેમનું કલ્યાણ થાય તેવો સરળ ઉપાય મારા પર કૃપા કરી કહો, જેથી મારા મનને હર્ષ થાય. તમે બધું જાણનારા અને સર્વ તત્વોનું સ્થાન છો.”
 
સુત પુરાણી  બોલ્યા : “ હે મુનિશ્રેષ્ઠો ! બ્રહ્માના પુત્ર, નારદજીનું આવું રસયુક્ત તથા લોકહિતના કારણરૂપ વચન સાંભળીદેવોના દેવશ્રી નારાયણ ચંદ્રમાં જેવા શાંત અને મેઘના શબ્દજેવી આનંદદાયક વાણીથી પુરૂષોત્તમ માહાત્મ્યની કથા કહેવા લાગ્યા. એ જ કથા હું તમારી આગળ રજૂ કરું છું.”
 
 
“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
 
“શ્રી નારદજીનો પ્રશ્ન” નામનો બીજો અધ્યાય સંપૂર્ણ.
 
 વર વગરની વહુની વાર્તા
 
ભૃગુપુર ગામમાં એક બ્રાહ્મણ-બ્રાહ્મણી રહે. પતિ-પત્ની બહુ ધર્મિષ્ઠઅને ધર્મધ્યાન કરનાર, સંપત્તિ તો ઘણી પણ સંતતિ નહી. શેર માટીની ખોટ.
 
એવામાં પાવન પુરૂષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણી વિચાર કરે છે કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો દીકરાની વહુ આવત.વહુ ઘરનું કામ કરત અને હું નિરાંતે પ્રભુનું ભજન કરત. રાંધવા-ચીંધવાની કડાકૂટ ન રહે અને હેઠા હૈયે કથાવાર્તા સંભળાય.
 
બ્રાહ્મણીએ મનની વાત પતિને કરી. બ્રાહ્મણ તો હસવા લાગ્યો. “ગાંડી થઈ છે કે શું ? આપણે રહ્યા વાંઝિયા ! દીકરો હોય તો વહુ આવે, દીકરો વગર વહુ આવે ખરે ?” પણ બ્રાહ્મણી તો હઠે ભરાણી કે હવે તો આ ઘરમાં વહુ આવે તો જ હા, નહીતર ના. દીકરા હોય એ તો વહુ લાવે, પણ વગર દીકરે વહુ લાવે તો જ ખરા કહેવાય. તમે વહુ લાવો તો જ અન્ન લઈશ નહી તો પ્રાણ છોડી દઈશ.
 
બ્રાહ્મણ તો મૂંઝાણો ! ત્યારે બ્રાહ્મણીએ ઉપાય દેખાડ્યો કે ‘તમે કન્યા શોધી કાઢો. કન્યાના મા-બાપ પૂછે કે વર ક્યાં છે ? ત્યારે કહેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે. એની પોથી છે એની સાથે કન્યા ત્રણ ફેરા ફરે. ચોથો ફેરો દીકરો કાશીએથી આવીને ફરશે.’
 
બ્રાહ્મણના ગળે વાત ઊતરી ગઈ. એ તો નીકળ્યો કન્યા શોધવા. ગામે ગામ ફરતો ત્રંબાવટી નગરીમાં આવ્યો. એક બ્રાહ્મણના ઘેર રાત્વાસો કર્યો. રાતે વાળુ-પાણી કર્યા, પછી વાત નીકળી. એ બ્રાહ્મણના ઘરમાં જ કન્યા હતી. બ્રાહ્મણે કન્યા જોઈ. રૂપ રૂપના અંબાર જેવી સદગુણી કન્યા જોઈને બ્રાહ્મણનું મન માની ગયું. કન્યાના પિતાએ પણ હા પાડી.
 
ઘડિયા લગ્ન લેવાયાં. પોથી સાથે ફેરા ફરીને કન્યા સાસરે આવી ! બ્રાહ્મણીના હરખનો પાર ના રહ્યો. એણે તો ઘરની બધી જવાબદારી વહુને સોંપી દીધી અને પોતે ધર્મ-ધ્યાનમાં લાગી ગઈ. વહુએ આવતાં વેંત જ ઘર સંભાળી લીધું. સાસુ સસરાની ખરા દોલથી સેવા કરતી. પુરૂષોત્તમ માસ શરૂ થતાં બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા જાય. વાર્તા સાંભળે,દેવદર્શન કરે અને બપોરે ઘેર આવીને તૈયાર ભોજન જમે.
 
એક દિવસ બ્રાહ્મણ-બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. પાછળથી પડોશણ દેવતા લેવા આવી. વહુને જોઈને પૂછવા લાગી કે તું કોણ છે? વહુ તો બોલી કે હું આ ઘરની વહું છું. ત્યારે પડોશણે ખડખડાટ હસીને મહેણું માર્યું કે બ્રાહ્મણ-બ્રાહ્મણી તો વાંઝિયા છે. તેને વળી દીકરો કેવો ને વાત કેવી ?
 
વહુ તો બિચારી રડવા લાગી. સાસુ સસરા આવ્યા એટલે બધી વાત કરી. બ્રાહ્મણી  પડોશણને ‘જૂઠ્ઠી-અદેખી, કોઇનું સારું જોઇ શકતી નથી’  તેમ કહી ભાંડવા લાગી. પછી વહુને રાજી રાખવા સાત ઓરડાની ચાવી આપતાં કહ્યું, ‘છ ઓરડામાં ખાવા-પીવાની, પહેરવાની-ઓઢવાની ચીજ છે. ખાજો-પીજો, પહેરજો-ઓઢજો પણ સાતમો ઓરડો ખોલશો નહી.’
 
વહુએ તો ચાવીઓ લઈ લીધી. પહેલો ઓરડો ખોલ્યો. એમાં મેવા-મીઠાઈ હતાં, બીજામાં હીરનાં ચીર, ત્રીજામાં હીરા-માણેક, એમ છ ઓરડા જોઈ લીધા. પછી સાસુની શિખામણ ભૂલીને સાતમો ઓરડો ખોલ્યો તો અંદર એક દિવ્ય પુરૂષ બેઠો બેઠો પોથી વાંચે છે. દેવતાઈ રૂપ છે. વહુને જોતાં જએ પુરૂષ બોલ્યો : “ઉઘાડ્યાં છે એવાં જ બારણાં બંધ કરો. મારા માતા-પિતાનું વ્રત તૂટશે. મારો પાઠ અધૂરો રહેશે. વ્રત પૂર્ણ થયે હું તમારી સાથે ચોથો ફેરો ફરીશ.”
 
વહુની આંખમાં હરખનાં આંસુ આવે ગયાં. પોતે સાતમો ઓરડો ઉઘાડ્યો છે એ વાત સાસુને ના કરી. એમ કરતાં પુરૂષોત્તમ માસ પૂર્ણ થયો. વહુએ સાસુને કહ્યું કે ‘હવે તમારા દીકરાને બોલાવો એટલે મારાં અધૂરાં લગ્ન પૂર્ણ થાય.’
 
બ્રાહ્મણ-બ્રાહ્મણી મુંઝાયા. દીકરો તો હતો નહી તો લાવવો ક્યાંથી ? બંને ઝેર ઘોળવાનો વિચાર કરતા હતાં ત્યાંજ વહુએ જઈને સાતમો ઓરડો ખોલ્યો અને પતિને સાદ દીધો. સાદ દેતાં જ એક દિવ્ય પુરૂષ બહાર આવ્યો. બ્રાહ્મણ-બ્રાહ્મણી તો ફાટી આંખે તાકી રહ્યા. એ સ્વયં પુરૂષોત્તમપ્રભુ હતા, જે પોતાના ભક્ત આ વૃદ્ધ બ્રાહ્મણ દંપતિની લાજ રાખવા ખુદ પધાર્યા હતા. પ્રભુએ ચોથો ફેરો પૂર્ણ કરી મા-બાપના આશીર્વાદ માંગ્યા ત્યારે બ્રાહ્મણ-બ્રાહ્મણીની આંખો વરસી પડી.
 
વહુ દીકરા સાથે સુખેથી જીવન વીતાવી બ્રાહ્મણ બ્રાહ્મણી અંતકાળે વૈકુંઠ પામ્યા.
 
હે પુરૂષોત્તમરાય ! તમે જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો.
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો