સોમવાર, 18 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખુ કાર્ય
Written By દેવાંગ મેવાડા|

બલિદાન અને વેદનાને વ્યક્ત કરવા લોહીથી ચિત્ર

PRP.R
ધારદાર બ્લેડ વડે પોતાના હાથ ઉપર ચીરો પાડીને તેમાંથી નિગળતાં લોહીમાં પીંછી ઝબોળીને મનમોહક ચિત્રોની રચના કરતાં અનોખા કલાકારે ભારે કુતુહલ સર્જયુ છે. આણંદ જિલ્લાના ખોબલા જેવડા ગામ બાકરોલમાં રહેતા દિનેશ શ્રીમાળી નામના યુવાન ચિત્રકારને પહેલેથી જ કંઈક નવુ કરવાની ઘેલછા હતી. કોરા કાગળ ઉપર વિવિધ રંગોના માધ્યમથી અદભૂત ચિત્રો બનાવતાં દિનેશને દેશ અને દુનિયા માટે પોતાનુ જીવન ન્યૌછાવર કરી દેનાર અનેક મહાપુરુષોના ચરિત્ર આકર્ષીત કરતાં હતા. અંતે તેણે મહાપુરુષોના ચિત્રો દોરવાનો નિર્ણય લીધો. પરંતુ, ગાંધીજી, સરદાર પટેલ જેવા અનેક મહાનુભાવોએ સમાજના ઉત્થાન માટે આપેલા બલિદાનોને જોતાં તેમના ચિત્રોમાં પણ કંઈક નવુ કરવાની યોજના ચિત્રકાર દિનેશે બનાવી. અનેક વિષયો ઉપર વિચાર કર્યા બાદ અંતે તેણે પોતાના રક્તના લાલ રંગથી મહાપુરુષોના ચિત્રો કંડારવાનુ નક્કી કર્યુ.

PRP.R
પરંતુ, લોહી કાઢવા માટે પોતાના હાથ ઉપર બ્લેડ વડે ચીરો મુકવો અત્યંત પિડાદાયક કામ હતુ અને અનેક ચિત્રો બનાવવા માટે આ કામ વારંવાર કરવાનુ હતુ. તેમ છતાંય પોતાની મહેચ્છાને પૂરી કરવા માટેના ઝનૂને કલાકારના કાળજાને પથ્થર કરતાં વધુ કઠણ બનાવી દીધુ. અંતે તેણે પોતાના હાથ ઉપર જાતે જ કાપો મુકીને લોહીની ધારા કાઢીને તેના વડે ચિત્રોમાં રંગ પૂરવાની શરૂઆત કરી હતી. પોતાના રક્તથી તેણે એક પછી એક એમ અનેક ચિત્રો દોરી નાંખ્યાં. ગાંધીજી, સરદાર પટેલ, શિવાજીરાવ ગોળવેલકર જેવા અનેક મહાનુભાવોના ચિત્રો તેણે પોતાના રક્તથી દોર્યા. તેણે જન્મ આપનાર માતા અને પાલન-પોષણ કરનાર પિતાનો પાડ માનવા માટે પોતાના લોહીથી તેઓનુ ચિત્ર પણ બનાવ્યુ હતુ.

PRP.R
'વેબદુનિયા' સાથેની ખાસ વાતચીત દરમિયાન કલાકાર દિનેશ શ્રીમાળીએ જણાવ્યુ હતુ કે, પોતાના લોહીથી બનાવેલા ચિત્રોના સમૂહને તે વિવિધ સંસ્થાઓ તથા શાળાઓમાં તથા સંગ્રહકર્તાઓને દાન કરી દે છે. હાલમાં તે ભગવાન સ્વામી નારાયણના નિલકંઠ ચરિત્રના તમામ પ્રસંગો આવરી લેતું એક વિશાળ ચિત્ર બનાવી રહ્યો છે. નિલકંઠ ચરિત્રમાં ભગવાન સ્વામી નારાયણે વન વિચરણ કર્યુ હતુ અને અનેક વેદનાઓ સહન કરી હતી. ભગવાનની વેદનાઓ વ્યક્ત કરવા માટે તેણે આ વિશેષ ચિત્રને પોતાના લોહીથી દોરવાનો નિર્ણય લીધો છે. લગભગ 50 ચોરસ ફુટ મોટુ ચિત્ર બનાવવા માટે તેને અનેક દિવસો સુધી મહેનત કરવી પડે તેમ છે. પરંતુ, આ ચિત્ર બનાવવાની શરૂઆત તેણે કરી દીધી છે.

''દેશ અને દુનિયાના લાખો, કરોડો લોકોના ઉત્થાન માટે નિઃસ્વાર્થ ભાવે પોતાનુ જીવન ન્યૌછાવર કરી દેનાર અનેક મહાપુરુષોની સિદ્ધીને વર્ણવવા માટે પોતાના હાથ ઉપર બ્લેડથી કાપો પાડી નિગળતાં લોહીથી તેમના ચિત્રો રહ્યો છું- દિનેશ શ્રીમાળી''