બિહારમાં છઠનો પ્રસાદ એંઠો કરવા બદલ માતાએ 4 વર્ષની બાળકીને એટલી મારી કે થયુ મોત
Samastipur Chhath Prasad
છઠ મહાપર્વનુ વ્રત બાળકોની લાંબી વય માટે પણ રાખવામાં આવે છે. પણ તહેવાર વચ્ચે બિહારથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સૌને હેરાન કરી નાખ્યા. છઠ પૂજાના પ્રસાદ પકવાન એઠો કરવાથી નારાજ માતાએ પોતાની જ 4 વર્ષની નિર્દોષ બાળકીને ઢોર માર માર્યો. માર ખાધા પછી બાળકીની તબિયત બગડી ગઈ અને તેનુ મોત થઈ ગયુ. આ ઘટના બિહારના સમસ્તીપુર જીલ્લાની બતાવાય રહી છે. પોલીસે આરોપી માતાની ધરપકડ કરી લીધી છે. મૃત બાળકીની ઓળખ મોહમ્મદપુર બિરૌલી ગામના વોર્ડ 12 માં રહેનારી રાજુ પાસવાનની પુત્રી સુહાની કુમારીના રૂપમાં થઈ છે. જ્યારે કે આરોપી માતાનુ નામ રીના કુમારી બતાવાય રહ્યુ છે.
બાળકો માટે કરવામાં આવે છે છઠનુ વ્રત
છઠ વ્રત મુખ્યત્વે માતાઓ દ્વારા તેમના બાળકો માટે રાખવામાં આવે છે. તે તેમના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય, સલામતી અને સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે. છઠ પૂજા દરમિયાન, માતાઓ સૂર્ય દેવ છઠી મૈયાની સાથે પૂજા કરે છે, જેમને તેમના બાળકોનું રક્ષણ અને સુખાકારી આપતી દેવી માનવામાં આવે છે. જોકે, બિહારના સમસ્તીપુરમાં, એક માતાએ આ પવિત્ર તહેવાર પર પોતાની પુત્રીને એટલી ખરાબ રીતે માર માર્યો કે તેનું મૃત્યુ થયું. આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા.
સમસ્તીપુર પોલીસ કરી રહી છે કાર્યવાહી
બાળકીના પિતા રાજુ પાસવાને પોલીસને જણાવ્યું કે આખો પરિવાર છઠ પૂજા માટે ઘાટ પર ગયો હતો. જ્યારે તેમની પત્ની રીના કુમારી પૂજા માટે પ્રસાદ તૈયાર કરી રહી હતી, ત્યારે તેમની નાની પુત્રી સુહાનીએ વાનગીને સ્પર્શ કર્યો, જે અશુદ્ધ માનવામાં આવતી હતી. ગુસ્સે ભરાયેલા રીનાએ છોકરીને નિર્દયતાથી માર માર્યો, જેનાથી તેના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી. છોકરીને સુસ્ત અને બેભાન જોઈને, રીના તેને સારવાર માટે નજીકના ખાનગી નર્સિંગ હોમમાં લઈ ગઈ, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી. પોલીસના જણાવ્યા અનુસાર, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બાળકીનુ મોત માર મારતા થયેલી ઇજાઓને કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.
પિતાની હાલત રડી-રડીને બેહાલ
પુત્રીના મૃત્યુ પછી, પિતા રાજુ પાસવાનની હાલત રડી રડીને બગડી ગઈ છે. તેમણે કહ્યું કે આવી પૂજાનો શુ મતલબ જ્યારે તેમની પુત્રી આ દુનિયામાં નથી. તેમણે આ ઘટના માટે જવાબદાર પત્નીને કડક સજાની માંગ કરી છે અને કહ્યુ કે હવે તેમને આવી પત્નીની કોઈ જરૂર નથી, તેઓ એકલા પોતાના બાળકોનો ઉછેર કરશે. રાજુ પાસવાનને ત્રણ બાળકો છે, જેમાં સાત વર્ષની પુત્રી શિવાની કુમારી, 4 વર્ષની સુહાની કુમારી અને દોઢ વર્ષનો પુત્ર રાજા કુમારનો સમાવેશ થાય છે. સુહાનીના મૃત્યુથી પરિવાર પર દુ:ખનો પહાડ છવાઈ ગયો છે. છઠ પૂજાનો મહાન તહેવાર પરિવારમાં શોકનું કારણ બન્યો.
ઘટનાની માહિતી મળતાં, પુસા પોલીસ સ્ટેશનના અધિકારી રાકેશ કુમાર ગામમાં પહોંચ્યા અને માતાની ધરપકડ કરી. પોલીસનું કહેવું છે કે આ કેસની દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે. લોક આસ્થાના મુખ્ય તહેવાર છઠ ઉત્સવની તૈયારીઓ વચ્ચે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને આઘાતની લાગણી ફેલાવી દીધી છે. બાળકીના મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર થયા પછી અને પોલીસ તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટ થશે.

