શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. દિવાળી 07
Written By એજન્સી|

દેવદિવાળીનું પાંચ દિવસનું પર્વ શરૂ

આજથી તુલસી વિવાહનો ઉત્સવનો પ્રારંભ

દિવાળીના એક અઠવાડિયા પછી દેવદિવાળીનું પણ પાંચ દિવસનું પર્વ શરૂ થાય છે. જેને પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. અષાઢ સુદ એકાદશીએ શંખાસુર નામના રાક્ષસને માર્યા બાદ પોતાનો થાક દૂર કરવા ચાર માસ સુધી ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે અને કારતક સુદ એકાદશીએ ઉઠે છે. શ્રી હરિની જાગૃત થવાની આ અવસ્થાને આપણાં શાસ્ત્રોએ મંગલમય ગણી છે.
NDN.D

તુલસી વિવાહ:
આજના દિવસે તુલસી વિવાહનો ઉત્સવનો પ્રારંભ થાય છે. સ્કંદ પુરાણમાં કારતક સુદ નવમીના દિવસે તુલસી વિવાહનું વિધાન છે. પરંતુ સમગ્ર ભારત અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં આ ઉત્સવ ભારે ધામધૂમથી એકાદશીના દિવસે જ ઉજવવામાં આવે છે.

ભીષ્મ પંચક:
મહાભારતનું યુદ્ધ પૂરું થતાં ઉત્તરાયણના સૂર્યની પ્રતીક્ષા કરતા બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહ પાસે ભગવાન શ્રી કૃષ્ણની સાથે પાંડવો જાય છે. યુધિષ્ઠિરે ભીષ્મને કોઈ ઉપદેશ આપવા વિનંતી કરી. તેથી મહાત્મા પિતામહે કારતક સુદ એકાદશીથી પૂર્ણિમા એમ પાંચ દિવસ સુધી રાજધર્મ, વર્ણધર્મ, દાનધર્મ અને મોક્ષધર્મનો મહત્ત્વપૂર્ણ ઉપેદશ આપ્યો. જેનાથી શ્રીકૃષ્ણ અત્યંત પ્રસન્ન થયા. તેમણે પિતામહને વંદન કરી આ ઉપેદશના પાંચ દિવસને ‘ભીષ્મ પંચક’ નામ સ્થાપિત કરી અમરત્વ બક્ષ્યું.

વૈકુંઠ ચૌદશ :
કારતક સુદ ચતુર્દશીને વૈકુંઠ ચૌદશ કહેવાય છે. આ પાવન દિવસ શિવ અને વિષ્ણુની પારસ્પરિક એકતાનું પ્રતીક છે. એક વાર દેવાધિદેવ ભગવાન વિષ્ણુ મહાદેવના પૂજન માટે કાશી પધાર્યા. અહીં મણિકિર્ણકા ઘાટ ઉપર ગંગાસ્નાન કરીને વિશ્વનાથ મહાદેવ ઉપર એક હજાર કમળપુષ્પના અભિષેકનો સંકલ્પ કરી પૂજન શરૂ કર્યું. તેમાં એક પુષ્પ ઓછું થયું. શ્રી હરિએ પોતાના સંકલ્પની પૂર્તિ માટે કમળસમાન પોતાના નેત્ર અર્પણ કરવાની તત્પરતા દાખવી. ત્યાં જ મહાદેવજી પ્રસન્ન થયા. આથી ભગવાન વિષ્ણુને ‘કમલનયન’ અને ‘પુંડરીકાક્ષ’ કહેવામાં આવે છે. શિવજીના આદેશથી આ દિવસે પ્રથમ વિષ્ણુ અને ત્યાર બાદ શિવની આરાધના કરવામાં આવે છે.

શયનાધિન ભગવાનને જગાડવા માટે (૧) પ્રાર્થના, સ્તોત્ર, ભજન, ભગવદ્ કથા તથા પુરાણ કથાનું વાંચન કરવું. (૨) શંખનાદ, ઘંટારવ, મૃદંગ, નગારાં અને વીણાવાદન કરવાં તથા (૩) ભકિતસંગીત દ્વારા નૃત્ય, ગરબા તથા નાચ-ગાન કરવાં. આ પ્રમાણે કરવાથી વિષ્ણુ ભગવાન યોગ નિદ્રા ત્યાગીને સંસારના પાલન, પોષણ અને રક્ષણ કાજે પ્રવૃત્ત થાય છે. કારતક સુદ દિવસથી કમૂરતાં પૂરાં થાય છે અને લગ્ન-વિવાહાદિ માંગલિક કાર્યોની શુભ શરૂઆત થાય છે.