જેનાં એક કરોડ કાર્યકર્તા છે તે ભાજપને કાર્યકર્તા જડતા નથી
રાજ્યમાં અમદાવાદ સહિત ૬ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ શાંત પડવાને હવે બે દિવસ બાકી રહ્યા નથી, ત્યારે કૉંગ્રેસ અને ભાજપમાં ચૂંટણી પ્રચારનો જોઇએ તેટલો ધમધમાટ દેખાતો નથી. ભાજપ પાસે કાર્યકર્તાઓની મોટી ફોજ હોવા છતાં તેના ઉમેદવારોને સગાં-સંબંધીઓને લઇને પ્રચારમાં નીકળવું પડે છે તેના કારણે ઉમેદવારો પૂરતો રાઉન્ડ પણ લઇ શક્તા નથી એટલું જ નહીં પણ ચૂટણી પ્રચાર કાર્યાલયોમાં કાર્યકર્તાઓને બોલાવવા એસએમએસ કરવા કાર્યકર્તા આવતા નથી. અગાઉની ચૂંટણીમાં રોડ-રસ્તાઓ ભાજપના બેનર અને ચોપાનિયાથી છવાઇ જતા હતા, ચારેકોર કેસરિયો માહોલ જોવા મળતો હતો પણ આ વખતે ભાજપનું ચોપાનિયુંય દેખાતું નથી અને ઉમેદવારોનો પ્રચાર કરતી રિક્ષાઓ પણ દેખાતી નથી
અમદાવાદ સહિત મહાનગરો ભાજપનો ગઢ ગણાય છે, પણ મતદાન પહેલા છવાઇ જવાનો ભાજપનો જાદુ ઓસરી ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે પ્રચાર - પ્રસારમાં ભાજપથી પાછળ ગણાતો કૉંગ્રેસ પક્ષ આ વખતે આગળ છે. અમદાવાદમાં પશ્ર્ચિમ વિસ્તરોમાં તો ભાજપના ઉમેદવારોના પેમ્ફલેટ હજુ લોકોના ઘર સુધી પહોંચ્યા જ નથી. શુક્રવાર સાંજથી ચૂંટણીના પડઘમ શાંત પડી જશે પણ ભાજપની સુસ્તી ઊડી નથી. મુખ્ય પ્રધાન જે વિસ્તારોમાં સભા કે રોડ શો યોજે તે સમય પૂરતો ગરમાવો જોવા મળે છે. ભાજપ દ્વારા વિશાળ માત્રામાં પ્રચાર સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે અને કોબા ખાતેનું પ્રદેશ કાર્યાલય છલકાઇ ગયું હોય તેવી સ્થિતિ છે પરંતુ પ્રચાર સાહિત્ય લોકો સુધી પહોંચાડવામાં સંગઠન પાંખ નિષ્ફળ સાબિત થઇ રહી છે. આ ઉપરાંત સોશ્યલ મીડિયામાં પણ ભાજપનો નબળો દેખાવ જોવા મળી રહ્યો છે આમ પક્ષના આગેવાનોની નિષ્ક્રિયતાથી ઉમેદવારો મુંઝાઇ રહ્યા છે એક સમય હતો જ્યારે ચૂ્ંટણી વખતે ભાજપના આગેવાનો- ઉમેદવારો રાઉન્ડમાં નીકળે ત્યારે તેમની સાથે કાર્યકર્તાઓની ફોજ જોવા મળતી હતી.વોર્ડના મધ્યસ્થ કાર્યાલયો ખુલે એટલે કાર્યકર્તાઓથી ઉભરાઇ જતા હતા. હાલ સ્થિતિ જુદી જ જોવા મળી રહી છે અને ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ખોટ સાલી રહી છે.

