1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 15 મે 2015 (14:50 IST)

નયા યુગ... આજની છોકરીઓને સ્વતંત્ર અને અલગ રહેવું છે, શુ છે કારણો ?

આજની છોકરીઓને સ્વતંત્ર અને અલગ રહેવું છે

નયા યુગ
પ્રાચીન સમયમાં એક કહેવત હતી ‘કુંવારી ડોશી જોઈ છે કદી?’ કહેવાનો મતલબ એટલો કે પુરુષો મોટી ઉંમર સુધી કે આજીવન કુંવારા રહેતા, પરંતુ સ્ત્રીઓ તો પરણી જ જતી. આજનો સમય આ કહેવતને ખોટી પાડે છે. આજે તો ઘણીયે સ્ત્રીઓ અપરિણીત રહે છે. સમય બદલાયો છે. સ્ત્રીઓ શિક્ષિત થઈ છે, પગભર થઈ છે. તેની પાસે પોતાના વિચારો છે, તેને પોતાનાં મંતવ્યો છે. ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ એ કહેવત આજે બદલાઈ ગઈ છે. ગાયને જવું હોય ત્યાં ભલે જાય, પણ દીકરી તો પોતાને ગમશે ત્યાં જ જશે. નહીં ગમે તો નહીં પણ જાય. વળી લગ્ન કરવાં કે કરાવવાં એ લોઢાના ચણા ચાવવા જેવી અઘરી સમસ્યા થઈ ગઈ છે. પ્રાચીન સમયમાં દીકરીને ગમે ત્યાં પરણાવી દેવામાં આવતી, બીજવર કે ત્રીજવર પણ હોય. આજે તો દીકરીની સાથે એમ થઈ શકે તેમ જ નથી અને એવું કરાય પણ નહીં. તેની પસંદગી પ્રમાણે જ આગળ વધી શકાય. આવાં અનેક કારણોસર લગ્નની ઉંમર વીતી જવા છતાં છોકરીઓ અપરિણીત રહી જાય છે, તો કેટલીક યુવતીઓ પોતે જ અપરિણીત રહેવા ઈચ્છે છે.

અપરિણીત રહેવાનાં કારણો

આમ તો ઉચ્ચ શિક્ષણ, આત્મનિર્ભરતા અને ઉચ્ચ પસંદગીને કારણે યુવતીઓનાં લગ્નમાં વિલંબ થઈ જાય છે. અને પછી ઉંમર વીતી જતાં તેઓ પરણવાનું માંડી વાળે છે. આ ઉપરાંત ઘણી વાર મોટાં ભાઈબહોનોનાં લગ્ન થવામાં એટલો વિલંબ થઈ જાય છે કે પછી મોટી ઉંમરે યોગ્ય મુરતિયો મળવો મુશ્કેલ થઈ જાય છે. ઘણી વાર જન્માક્ષર મેળવવાની પ્રથા પણ દાટ વાળે છે. યુવક-યુવતી પરસ્પરને પસંદ કરી લે, પણ જન્માક્ષર મળે નહીં એટલે વાત અટકી જાય. તો કોઈક વાર સંયુક્ત કુટુંબને કારણે પણ લગ્ન અટકી જતાં હોય છે. એ વિશે વાત કરતાં લતા મોદી કહે છે, ‘મારે માટે જ્યારે કોઈ મુરતિયાની વાત આવે ત્યારે ક્યારેક પિતાને ગમે તો કાકાને ન ગમે, કાકાને ગમે તો કાકીને ન ગમે અને બધાંને ગમે તો મને પોતાને ન ગમે. આમ ને આમ ઘણું મોડું થઈ ગયું. હવે મેં પરણવાનું માંડી વાળ્યું છે.’ આજે ઘણી યુવતીઓ વર્ષે ૧૨-૧૫ લાખનું પેકેજ મેળવતી હોય છે. આવી યુવતીઓ પોતાનાથી ઓછું કમાતા કે નીચી પોસ્ટ પર કામ કરતા છોકરાને પસંદ નથી કરતી. ઘણી યુવતીઓને સ્વતંત્ર જિંદગી જીવવાની ઈચ્છા હોય છે. તેમને કોઈ બંધનમાં બંધાવું હોવું નથી હોતું તેથી તેઓ સિંગલ રહેવાનું પસંદ કરે છે.

સમાજનો અભિગમ

અપરિણીત હોવાને લીધે સમાજનાં લોકોના અભિગમમાં ફરક પડશે? એવો પ્રશ્ર્ન ૪૨ વર્ષનાં મીતા શાહને પૂછતાં તે કહે છે, ‘જરા પણ નહીં, તેમનું વર્તન પરિણીત સ્ત્રીઓ સાથે જેવું હોય છે, તેવું જ મારી સાથે પણ હોય છે. મને તો ઘણા લોકો માનની દૃષ્ટિએ જુએ છે.’

મીતાની વાતનો છેદ ઉડાડતાં ૩૮ વર્ષીય નિશિતા કહે છે, મારો અનુભવ જુદો છે. લોકો મારી સામે એવી રીતે જુએ છે જાણે મેં કોઈ ગુનો કરી નાખ્યો હોય. કોઈ કોઈ તો પૂછે પણ ખરાં કે હવે લગ્ન ક્યારે કરવાં છે? કરવાં પણ છે કે નહીં? લોકો તો દાઝયા પર ડામ દેતા હોય છે. ઘણી વાર તો તેઓ કહેતા હોય છે, ‘તારા કરતાં નાની છોકરીઓ પરણી ગઈ. હજી તારે પરણવું નથી? ભત્રીજીનાં લગ્ન થઈ ગયાં ને ફઈ રહી ગઈ? સમાજના લોકો ઘણી વાર સિંગલ સ્ત્રીઓને આવી રીતે પરેશાન કરતા હોય છે. જોકે હવે ધીરે ધીરે માનસિકતા બદલાતી જાય છે અને અપરિણીત સ્ત્રીઓને લોકો સ્વીકારતા થયા છે.

ઈચ્છા-અરમાનોનું શું?

દરેક સ્ત્રીને પત્ની, માતા બનવાના કોડ હોય છે. જો પરણે નહીં તો આવાં ઈચ્છા-અરમાનોનું શું? મોટા ભાગની સ્ત્રીઓ પરિસ્થિતિને સ્વીકારી લે છે. તો કેટલીક અપરિણીત માનુનીઓ પોતાના ભાઈબહેનનાં બાળકો પર પોતાની મમતા વરસાવે છે. કેટલીક સિંગલ યુવતીઓ વધુ ને વધુ કામમાં ડૂબી જાય છે એટલે આવાં વિચારો પજવે જ નહીં, તો કેટલીક સિંગલ સ્ત્રી-બાળકને દત્તક લઈને ઉછેરે છે. અને માતા બનવાના પોતાના ઈચ્છા-અરમાન પૂર્ણ કરે છે.

શંકાના ઘેરામાં

આત્મનિર્ભર અપરિણીત સ્ત્રીને કોઈ કામસર પોતાના ઉપરી સાથે બહાર જવાનું થાય અથવા કોઈ પુરુષ સાથે કોફી હાઉસમાં બેસીને કોફી પીવાનું થાય તો તે અપરિણીત હોવાને કારણે તરત જ શંકાના ઘેરામાં આવી જાય છે. આ વાતમાં ઉશ્કેરાઈને લતા કહે છે, ‘જેને ફાવે તેમ બોલે. હું એની પરવા નથી કરતી. રોજનું થયું. લોકોના બોલવા સામે જોવા બેસું તો મારું કામ કઈ રીતે કરું?’ ઘણી વાર બોસ કે સહકર્મચારીઓની પત્ની પણ અપરિણીત સ્ત્રી પ્રત્યે વધુ શંકાશીલ હોય છે. કોઈ પણ પુરુષની પત્નીને પોતાનો પતિ અપરિણીત સ્ત્રી સાથે વધુ મિત્રતા રાખે એ ન ગમે. જો કે પરિણીત સ્ત્રી સાથે રાખે તો પણ વાંધો પડે, પણ એ ઓછો હોય, કારણ કે આખરે એ સ્ત્રી પરિણીત છે, તેનો પતિ છે, તેનાં બાળકો છે એટલે કાંઈ મારા પતિને ફોસલાવી નહીં જાય. ફક્ત કામ પૂરતો જ સંબંધ રાખશે એવો સધિયારો તેને રહે છે, જ્યારે અપરિણીત સ્ત્રી પ્રત્યે તે શંકાશીલ બની જાય છે.

આત્મનિર્ભરતા

આજની યુવતી આત્મનિર્ભર છે, પણ પરાવલંબી નથી. એટલે તેઓ કોઈ પણ પ્રકારનું એડજસ્ટમેન્ટ કરવા તૈયાર નથી. ન કરે નારાયણ અને નાલાયક પાત્ર મળી જાય તો નિભાવવું મુશ્કેલ થઈ જાય. તેના કરતાં પરણ્યા વગર જ તેઓ ખુશ છે. તેમનું માનવું છે કે નાની ઉંમરમાં એડજસ્ટમેન્ટ થઈ શકે, પણ મોટી ઉંમરે એ કરવું શક્ય નથી. પોતાને અનુકૂળ હોય તેવા પાત્ર સાથે જ પરણવા માગનારી આ યુવતીઓ કોઈ પણ પ્રકારે બાંધછોડ કરવા તૈયાર નથી.

એકલતા લાગે

પરણેલી યુવતીને પોતાનો પતિ હોય, બાળકો હોય, પોતાનો સંસાર હોય એટલે એકલતા ન લાગે, પણ અપરિણીત યુવતીને એકલતા લાગે. ઘણી વાર પિયરના ભર્યાભાદર્યા ઘરમાં પણ તે એકલી પડી જાય છે. કોઈ અકેલતા ટાળવા પોતાની જાતને પ્રભુસ્મરણમાં પરોવી દે છે તો આજકાલની યુવતી તો એટલા બધાં મિત્રો રાખે છે કે તેમની સાથે પાર્ટી, પિકનિક, પિક્ચર, ડિનરની મોજ માણે છે, કોઈ પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખે છે, કોઈ પુસ્તકોને મિત્ર બનાવે છે, કોઈ સમાજ સેવા અથવા ગમતી પ્રવૃત્તિમાં મન પરોવે છે અને કામ કરતી સ્ત્રીઓને તો સમય જ ક્યાં મળે છે?

વૃદ્ધાવસ્થામાં શું?

પોતાના જ પરિવારમાં આ સ્ત્રી સચવાઈ જાય તો વાંધો નહીં. નહીં તો પછી સારા વૃદ્ધાશ્રમો તો છે જને? આ સ્ત્રીઓ વૃદ્ધાવસ્થા માટે સારી એવી બચત કરી લે છે તેથી સારા વૃદ્ધાશ્રમોમાં પૈસા ખર્ચીને રહી શકે છે. આમ પણ સંતાનો સાચવશે જ એની ખાતરી શી છે?