ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. નવી ફિલ્મો
Written By
Last Updated : બુધવાર, 16 નવેમ્બર 2016 (14:05 IST)

આજની ગુજરાતી ફિલ્મોના ટાઈટલ જામે તેવા નથી - દિપક ઘીવાલા

અર્બન ગુજરાતી ફિલ્મો આમતો 80ના દાયકાથી જ બનવાની શરૂ થઈ ગઈ હતી. પરંતુ 90 પછીનો દાયકો એવી ફિલ્મોનો આવ્યો જેમાં દર્શકોએ ફિલ્મોને જ નકારી કાઢી અને માર્કેટ ગબડી ગયું. આનું મુખ્ય કારણ દ્વીઅર્થી સંવાદો હતાં એવું નિષ્ણાંતો માની રહ્યાં છે. ત્યારે હાલના સમયમાં જે ફિલ્મો બની રહી છે. તે અર્બન ફિલ્મો કહેવાય છે એ એટલા માટે કે લોકોને ફિલ્મ નિર્માતાઓ એવું જણાવવા માંગે છે કે હવે જેનાથી તમે કંટાળ્યા હતાં. તે ફિલ્મો નહીં પણ સારી ફિલ્મો અમે બનાવી રહ્યાં છીએ. આ બાબતે ગુજરાતી રંગભૂમીના અભિનયકાર દિપક ઘીવાલા સાથે ચર્ચા થઈ હતી. તેમણે ફિલ્મોને લઈને અનેક બાબતો છે જેમાં સુધારા જરૂરી જણાયા છે એની પણ ચર્ચા કરી હતી. તેની સાથે તેઓ હવે એક નવી ગુજરાતી ફિલ્મ અને બોલિવૂડની ફિલ્મમાં અભિનય કરવાના છે તેની પણ તેમણે વાત કરી હતી. દિપક ભાઈનું માનવું છે કે હવે સારી ફિલ્મો બની રહી છે પણ તેના ટાઈટલ યોગ્ય નથી, અગાઉ જે ફિલ્મો બનતી હતી તેના ટાઈટલ લોકોને આકર્ષિત કરતાં હતાં. આજે ગુજરાતમાં સારૂ ટેલેન્ટ છે તેનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. ત્યારે ફિલ્મની વાર્તા એવી નથી જેનાથી લોકો સિનેમા સુધી જાય. વાર્તા અને એક્ટિંગ સારી હશે તો લોકો ચોક્કસ ફિલ્મ જોવા જવાના છે. તેમને પૂછવામાં આવ્યું કે હાલમાં બની રહેલી અર્બન ફિલ્મોને લીધે ગુજરાતમાં નાટકોના શો ઓછા થઈ ગયા છે તો શું મુંબઈમાં પણ આ પરિસ્થિતી હશે ? તેમણે આ સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે આજે જે ફિલ્મો બની રહી છે તે મુંબઈમાં પણ ચાલે છે લોકો આ ફિલ્મો જોવા જાય છે. જ્યારે નાટકોની વાત છે ત્યારે પ્રોફેશ્નલ નાટકો વધુ કોસ્ટલી થઈ ગયાં છે,એટલે લોકોને તે જોવા પરવડે એવા નથી, કારણ કે એક નાટકમાં વધુ કલાકારો હોય જેનાથી તે નાટકવું બજેટ પણ એવું રહેવાનું. બીજી બાજુ મુંબઈમાં આજે એટલા સારા નાટકો બની રહ્યાં છે કે લોકો તેને જોવા માટે ચોક્કસ જાય છે. સંસ્થાઓ તરફથી થતાં નાટકો આજે મુંબઈમાં સૌથી વધારે ચાલે છે. તેમણે ગુજરાતી ફિલ્મોને અર્બન નહીં પણ આપણી ભાષાની ફિલ્મો તરીકે ઓળખાય તેના પર ભાર મુક્યો હતો. તેમણે એવું પણ કહ્યું હતું કે ફિલ્મોમાં જો સાહિત્યને આવરી લેવાય તો સારી પ્રોડક્ટ બનશે લોકો તે ચોક્કસ જોવા જશે. પરંતું આજે ફિલ્મોના ટાઈટલ જ લોકોને ફિલ્મ જોવા જવા માટે રસ ઉભો કરી શકતાં નથી. તેના ટાઈટલો પણ હવે એવા કેચી બનાવવાની જરૂર છે. પહેલા એક ફિલ્મમાં 6થી વઘુ ગીતો હતાં. આજની ફિલ્મોમાં બે ગીતોથી વધારે ગીતો જોવા મળતાં નથી, કેટલાક સંગીતકારો છે જે સારૂ કામ કરી રહ્યાં છે તેમની સાથે દિગ્દર્શકો પણ સારૂ કામ કરી રહ્યાં છે. જો તમે સારૂ મનોરંજન પીરસી શકો તો લોકોને આજે સારા મનોરંજન માટે પૈસા ખર્ચવાની તાલાવેલી છે. આજની ઈન્ડસ્ટ્રીઝમાં જે પરિસ્થિતી છે જે હવે સુધરશે અને ચોક્કસ તે એક મોટી સફળતા પામશે. દિપકભાઈએ સબ ટીવી પર આવતી આર,કે લક્ષ્મણ કી દુનિયા નામની  સિરિયલમાં અભિનય કર્યો તે સૌથી વધુ લોકપ્રિય રહ્યો છે. તે ઉપરાંત તેમણે અક્ષયકુમારની રુસ્તમ ફિલ્મમાં પણ એક રોલ કર્યો છે. આવનારા સમયમાં પણ તેમની બે બોલિવૂડની ફિલ્મો આવી રહી છે. તેની સાથે હાલમાં વાયડી ફેમિલી નામની ગુજરાતી ફિલ્મમાં પણ તેઓ લીડ રોલ કરી રહ્યાં છે.