રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. નવી ફિલ્મો
Written By
Last Modified: શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2016 (14:42 IST)

સિનેમા પ્રોડક્શન લીમિટેડ અને ફેનટમ ફિલ્મ મળીને ત્રણ ગુજરાતી ફિલ્મો બનાવશે

અમદાવાદ:  સિનેમા પ્રોડક્શન લીમિટેડ અને ફેનટમ ફિલ્મ મળીને ત્રણ ગુજરાતી ફિલ્મો બનાવશે એવી જાહેરાત અમદાવાદમાં યોજીત એક પત્રકાર પરિષદમાં ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર અભિષેક જૈને જણાવ્યું હતું. બોલિવુડ ફિલ્મ પ્રોડક્શન કંપની ફેન્ટમ ફિલ્મ્સે ‘બે યાર’ અને ‘કેવી રીતે જઈશ’ ફિલ્મોના નિર્માતા ગુજરાતી ફિલ્મ પ્રોડક્શન કંપની સિનેમેન પ્રોડક્શન લિમિટેડ સાથે જોડણ કર્યું છે. આ સંયુક્ત સાહસ દ્વારા ત્રણ ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવશે, જેને દેશભરમાં પ્રદર્શિત કરાશે. વિકાસ બહલ, અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાણી, મધુ માનટેનાની સંયુક્ત સાહસ કંપની ફેન્ટમ ફિલ્મ હવે પ્રાદેશિક ભાષામાં ફિલ્મ બનાવશે.

વિકાસ બહલે જણાવ્યું હતું કે, રિજનલ ફિલ્મો તરફ અમારું આ પ્રથમ પ્રયાણ છે. આ જોડાણ દ્વારા અમારી કંપનીના માર્કેટિંગ, ડિસ્ટ્રિબ્યુશનના અનુભવને ગુજરાતી ફિલ્મો માટે ઉપયોગમાં લાવશે. ગુજરાતી ફિલ્મ હાલમાં ઊભરી રહી છે, તેવા સંજોગોમાં અમારી કામગીરી ચેલેન્જ સમાન હશે.”

સિનેમેન ફિલ્મ્સના અભિષેક જૈને જણાવ્યું હતું કે, “ફેન્ટમ સાથે જોડાણ કરવાનો આશય ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો છે. ફેન્ટમ ફિલ્મના અનુભવનો લાભ ગુજરાતી ફિલ્મ જગતને મળશે અને તે કારણે જ અમે જોડાણ કર્યું છે. જોડાણ દ્વારા સારા ટેલેન્ટને મેળવીને ફિલ્મમાં મૂલ્યવર્ધન કરી શકીશું.” આ જોડાણને કારણે આ બેનર હેઠળ ગુજરાતી ફિલ્મ દેશભરમાં રિલીઝ થશે. સંયુક્ત સાહસની પ્રથમ ફિલ્મ આગામી એકાદ અઠવાડિયામાં ફલોર પર જશે, જે થ્રિલર ડ્રામા પ્રકારની છે. મીખીલ મુસાલે ફિલ્મના ડિરેક્શન સાથે તેઓ પ્રથમ ફિલ્મ કરી રહ્યા છે.

આ ફિલ્મના કલાકારોમાં પ્રતીક ગાંધી, આસિફ બસરા, કવી શાસ્ત્રીનો સમાવેશ થાય છે. સંગીત સચિન-જીગરનું છે. ફિલ્મની વાર્તા નિરેન ભટ્ટ, કરણ વ્યાસ અને મીખીલ મુસાલેએ લખી છે. સંયુક્ત બેનર હેઠળ બીજી ફિલ્મનું દિગ્દર્શન અભિષેક જૈન કરશે. અભિષેકે જણાવ્યું હતું કે, આ ફિલ્મની વાર્તા હાલમાં લખાઈ રહી છે અને તેની સત્તાવાર જાહેરાત અમે થોડા સમય બાદ કરીશું. ત્રીજી ફિલ્મ આ ક્ષેત્રે નવા ટેલેન્ટ થકી કરવાનું આયોજન છે. સિનેમેન પ્રોડક્શન તેના રાઇટિંગ અને ડિરેક્શનના વર્કશોપ બાદ પસંદ કરશે.