રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. નવી ફિલ્મો
Written By
Last Modified: સોમવાર, 23 મે 2016 (15:35 IST)

ગુજરાતી ફિલ્મ ''દાવ થઈ ગયો યાર''નું મ્યુઝિક અને પોસ્ટર લોન્ચ થયું

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ ગુજરાતી ફિલ્મો સારા પ્રમાણમાં અને સારી કથાવસ્તુ વાળી બની રહી છે. ગુજ્જુભાઈ ધ ગ્રેટ અને છેલ્લો દિવસ જેવી ફિલ્મમાં કામ કરી ગયેલા કલાકારો ફરીવાર નવી ફિલ્મમાં દર્શકો સમક્ષ આવી રહ્યાં છે. તેઓ હવે આવનારી ગુજરાતી ફિલ્મ ‘દાવ થઇ ગયો યાર’ માં આપણને ફરીથી દેખાશે. અમદાવાદમાં આ ફિલ્મનું પોસ્ટર, ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું પ્રોડક્શન પરંપરા મીડિયા એન્ડ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે તેનું દિગ્દર્શન દુશ્યંત પટેલે કર્યું છે. સંગીતની વાત કરીએ તો પાર્થ ઠક્કરે ખૂબજ રસીક ગીતો આ ફિલ્મ માટે બનાવ્યાં છે. અને તેને નિરેન ભટ્ટ તથા એશ્વર્યા મજમુદારે લખ્યાં છે. ફિલ્મના લેખક છે રાજેશ ભટ્ટ અને જસવંત પરમાર. 
‘દાવ થઇ ગયો યાર’માં ‘છેલ્લો દિવસ’નો નરેશ એટલે કે એક્ટર મયૂર ચૌહાણ, મિત્ર ગઢવી (લોય) જોવા મળશે. ફિલ્મની ત્રણ હિરોઇન્સમાંથી બે હિરોઇન્સ નવી છે અને તેને ઓડિશન દ્વારા સિલેક્ટ કરવામાં આવી છે. આ હિરોઇન્સના નામ છે કવિષા શાહ અને ખુશ્બુ પડિયા. ફિલ્મની ત્રીજી હિરોઇન રહેશે મયૂરિકા પટેલ. આ ઉપરાંત અમદાવાદના ઘણા એક્ટર્સ ‘દાવ થઇ ગયો યાર’માં એક્ટિંગ કરતા જોવા મળશે.
આ ફિલ્મ ત્રણ મિત્રોની વાત કરે છે, જેમને લોકોની મદદ કરવાનું ઘણું મન થતું હોય છે. આવી જ રીતે કોઈને મદદ કરવા જતાં એ લોકો ફસાઈ જાય છે અને એથી જ અમદાવાદી ભાષામાં આપણે કહીએ છીએ, તેમ એમની સાથે ‘દાવ થઇ જાય છે’ અને આથી જ ફિલ્મનું નામ આ પ્રમાણે રાખવામાં આવ્યું છે. દુષ્યંત પટેલે ‘દાવ થઇ ગયો યાર’ ફિલ્મ થિયેટરમાં જોવાની મજા પડશે એવો દાવો પણ કર્યો છે. દાવ થઇ ગયો યાર’ ફિલ્મ  17 જુન 2016ના રોજ સિનેમામાં રિલીઝ કરવામાં આવશે.