મંગળવાર, 19 માર્ચ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (12:28 IST)

‘કેરી ઓન કેસર’ - ટેસ્ટ ટયૂબ બેબી પર આધારિત ગુજ્જુ ફિલ્મ

નિર્માતાઃ કમલેશ ભુપતાણી (ચકુ) અને ભાવના મોદી
સ્ટોરી, દિગ્દર્શકઃ વિપુલ મહેતા
કલાકારોઃ સુપ્રિયા પાઠક, દર્શન જરીવાલા, અવની મોદી, અર્ચન ત્રિવેદી 
સંગીતકારઃ સચિન જિગર

લેખક દિગ્દર્શક વિપુલ મહેતાએ તેમની પ્રથમ ગુજરાતી દિગ્દર્શિત ‘ફિલ્મ કેરી ઓન કેસર’માં સુપ્રિયા પાઠક અને દર્શન જરીવાલાની જોડીને ધનાઢ્ય ગુજરાતી દંપતી તરીકે રૂપેરી પરદે દર્શાવી છે. માતૃભાષા ગુજરાતીમાં સુપ્રિયા પાઠકની આ પહેલી ફિલ્મ છે જ્યારે દર્શન જરીવાલાએ આ પહેલાં ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો છે. આ સિવાય અભિનેત્રી અવની મોદી સહિત રિતેશ મોઢ, અર્ચન ત્રિવેદી અને અમિષ કે તન્ના ‘કેરી ઓન કેસર’માં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ગોંડલના ભવ્ય મહેલોમાં કરવામાં આવ્યું છે.  કેસર (સુપ્રિયા પાઠક) અને શામજી (દર્શન જરીવાલા) ગુજરાતમાં વસતું ધનાઢ્ય દંપતી છે. પારંપરિક બાંધણી કાપડ ઉદ્યોગના કારણે દેશવિદેશમાં તેમની શાખ છે. રૂઢિગત ગુજરાતી વેપારી એવાં કેસર તેમની બિઝનેસની સૂઝના કારણે અને પતિ શામજીના સાથને કારણે નામ સાથે દામ મેળવી ચૂક્યાં છે. આશરે ત્રણેક રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત થયેલાં કેસરના જીવનમાં બદલાવ આવવાનો ત્યારે શરૂ થાય છે જ્યારે એમનાં જીવનમાં એનીનો પ્રવેશ થાય છે. પેરિસમાં ઉછરેલી એની (અવની મોદી) ફેશન ડિઝાઇનર છે અને ગુજરાતી ભાત બાંધણી લહેરિયા અને પટોળાં તેને આકર્ષે છે તેથી તે આ પરંપરાગત ફેશન રેન્જને સમજવા કેસરબહેન પાસે આવે છે. બે અલગ સંસ્કૃતિ પ્રમાણે ઉછરેલાં અને રહેલાં લોકો વચ્ચે ક્યારેક પ્યાર અને ક્યારેક તકરારથી ફિલ્મમાં અવનવા વળાંકો આવતા જાય છે. આ ફિલ્મમાં એનીના પ્રોત્સાહનથી કેસર અને શામજી IVFની મદદથી 50 વર્ષની વય પછી માતા-પિતા બનવા તૈયાર થાય છે. પ્રથમ વાર ટેક્નિકલી સાઉન્ડ અને મોટા બજેટની આ ફિલ્મ છે.  આ ફિલ્મ જોઇને આંખમાં ખુશીના આંસુ આવશે અને દર્શકો તેને દિવસો સુધી ભુલી નહીં શકે.