સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By શૈફાલી શર્મા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:42 IST)

ગોલીવુડની ડાયમંડ જુબલી

એમ તો 1917માં ગુજરાતે મૂક ફિલ્મ શેઠ સગાળશાથી ફિલ્મી જગતમાં પેહલું ડગલું ભર્યું હતું પણ 2007માં બોલતી ફિલ્મો ગોલ્ડન જુબલી મનાવી રહી છે. ઘણા વર્ષો સુધી આ ગોલીવુડ માત્ર ઢોલીવુડ બની રહ્યું એટલે કે ગુજરાત ફિલ્મ જગત તેના પારમ્પરિક લોક સંગીત, ઢોલ અને ડાંડિયાના થપકારા પર જ નાચતું રહ્યું. અને તેના કલાકારો ચણિયા ચોળી અને કેડિયાથી બાહર નિકળી ન શક્યાં. 75 વર્ષોમાં 750થી વધારે ફિલ્મો બની તેમાં અડધાથી વધારે તો ધાર્મીક, અમુક સામાજીક અને બાકી થોડી ઘણી લવ સ્ટોરી હતી. જો કે આ સમય ગાળામાં ભવની ભવાઈ, માયા મચીંદ્રા અને આશા પારેખ અભિનિત અખંડ સૌભાગ્યવતી જેવી ક્લાસિક ફિલ્મો પણ બની. ઇ.સ. 2000 માં તો લગભગ 24 ફિલ્મો બની જેમાં ગામમાં પીયરયું અને ગામમાં સાસરીયું અને દિકરીનો માંડવો વગેરેએ સારો બિઝનેસ કર્યો હતો.

ગુજરાતી ફિલ્મોનો દર્શકવર્ગ બહુ મોટો નથી, તેનું એક માત્ર કારણ બોલીવુડ હોઈ શકે છે. કારણ કે બોલીવુડની ફિલ્મોમાં કમ્પ્યુટર ગ્રાફિક્સ, સિનેમેટોગ્રાફી, કલાનિર્દેશન, ફાઈટીંગ સ્ટંટ અને સ્ટોરી પર જે રીતે કામ થાય છે તેનાથી ગુજરાતી ફિલ્મો કોસો દૂર છે. વળી ગુજરાતી ફિલ્મોના પ્રતીભાશાળી કલાકારો પણ ગુજરાતી ફિલ્મો કરતા હિંદી ફિલ્મોમાં વધારે રસ દાખવે છે. અને પ્રખ્યાત પણ થયા હતાં જેમાં નિરૂપારોય, હરીભાઈ (સંજીવ કુમાર), આશા પારેખ અને પરેશ રાવલ જેવા નામી કલાકારોના નામ લઈ શકાય છે. તે સિવાય સોહરાબ મોદી, નાના ભાઈ ભટ્ટ, કલ્યાણજી-આણંદજી બંધુઓ, અબ્બાસ મસ્તાન, મેહુલ કુમાર પણ ગોલીવુડ પછી બોલીવુડની રાહે નીકળી પડયા હતાં.

હા... ધોતી કુર્તા અને કેડિયાથી બહાર નીકળી નિર્માતા અર્પિત મેહતાએ સોનાલી કુલકર્ણી અને સંદીપ પટેલને લઈ - લવ ઇઝ બ્લાઈંડ બનાવી. જેને ગુજરાત સરકારની 2005-06ની બેસ્ટ ગુજરાતી ફિલ્મ તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તે સિવાય સેજલ સરજુને પણ 6 એવોર્ડ મળ્યા હતાં. હવે ગોલીવુડ સ્નેહલતા, નરેશ કનોડિયા જેવા કલાકારોની મોનોપોલીથી મુક્ત થઈ નવા બહુર્મુખી પ્રતીભાશાળી કલાકારોને લઈને પ્રયોગો કરવા માટે તૈયાર છે.

આ રીતે જો ગોલીવુડમાં સારા કલાકારો, સ્ટોરી અને અત્યાધુનિક તકનીકોને લઈ કામ થતું રહ્યું તો, ગોલીવુડ પણ બોલીવુડના પગલે ચાલવા લાગશે અને કદાચ બોલીવુડ અને ટોલીવુડની જેમ ગોલીવુડની ફિલ્મો પણ ફરીથી રાષ્ટ્રીય સ્તર પર એવોર્ડ પ્રાપ્ત કરશે.