હાર્ટોફોબીઆ - તમે આ રોગના શિકાર થઈ ગયા છો?

વેબ દુનિયા| Last Modified બુધવાર, 1 મે 2013 (17:22 IST)

P.R
નામ વાંચીને નવાઈ તો થશે કે આ વળી કઈ બલાનું નામ છે? આવા રોગ વિષે કદાપિ સાંભળ્યુ નથી તો અચાનક આ ક્યાંથી ફૂટી નિકળ્યો?

ભલે તમે તે નામ ન સાંભળ્યુ હોય પણ સમજી ગયા હશો કે આને હાર્ટ-હૃદય સાથે લેવાદેવા છે. જયારે તેના લક્ષણ વાંચશો ત્યારે તમે પણ કબૂલ કરશો કે તમે આ રોગના શિકાર થઈ ગયા છો અને ન થયા હો તો કદાચ તમારી પાસે એવું હૃદય નથી જે તમને આ રોગમાં સપડાવે. જો તેમ હોય તો તે તમારી બદનસીબી.

ઉપર કહયું તેમ આ રોગનો સંબંધ સીધો તમારા હૃદય સાથે છે. ભલે આમ સ્ત્રીઓ નબળા હૃદયની ગણાય પણ સ્ત્રીઓ કરતાં પુરૂષ આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. કારણ? કારણકે પુરૂષ પોતાના પૂર્વજને ભૂલી નથી શકતો - મનમર્કટ કૂદકા મારવાનું ચૂકતું નથી અને તે જાણેઅજાણે આ રોગનો શિકાર થઈ બેસે છે. આ રોગ લાગુ પડતાં જ તેનુ હૃદય જોર જોરથી ધડકવા તો લાગે છે પણ તે ધડકન બંધ થતાં સમય વીતી જાય છે. કેટલો સમય તે તો રામ જાણે !!
આ રોગના સંદર્ભમાં તો કંઈ કેટલીએ વાર્તાઓ, નવલકથાઓ લખાઈ છે. તેમ જ અગણિત ફીલ્મો પણ બની છે. તેને અનુસરવાથી આ રોગના જલદી શિકાર બનવું એ સ્વભાવિક છે.

સુંદર રચનાને નીરખવી અને તેની કદર કરવી એ એક વાત છે પણ જો તમે નબળા હૃદયના હશો તો તેમ કરતાં તમે તમારા હૃદય ઉપર કાબુ ગુમાવશો અને તમે આ રોગમાં સપડાયા વિના નહી રહી શકો. આ નિયમ ખાસ કરીને યુવાન વર્ગને વધુ લાગુ પડે છે. આ રોગની શરૂઆત શાળામાં ભણતા ભણતા થાય છે જયારે સહાધ્યાયીની સુંદરતા પરથી નજર નથી હટતી. વર્ગમાં અચૂક હાજર રહેવુ, સામાની નજર તમારા પર પડે તેવા અનેકાનેક પ્રયત્નો કરવા, લેસન કે અન્ય કોઈ કારણસર સામાની નજીક જવાના પ્રયાસ કરવા, શાળામાં થતી હરીફાઈઓમાં ભાગ લઈ તેનું ધ્યાન દોરવાની પ્રકિ્રયા કરવી, વગેરે આ રોગના લક્ષણો છે.
થોડી નજદીકતા પ્રાપ્ત થતાં નોટો અને ત્યાર બાદ પ્રેમપત્રોની આપલે એ તો સદીઓ પુરાણી રીત થઈ. વળી તેમ કરતાં અન્યોને કે વડીલોને હાથ તે આવતાં શું વીતશે તેની કલ્પના કરી શકો છો. પણ હવે તો મોબાઈલ અને ઈન્ટરનેટને કારણે ચેટિંગ સુગમ થઈ ગયું છે એટલે કોલેજમાં ભણનાર માટે તે હાથવગુ થયું છે. એટલે જ તો કોલેજમાં ભણતાં લોકોમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે.
આમ તો આ રોગ બન્ને તરફી હોઈ શકે પણ છોકરાઓમાં તે વધુ પ્રમાણમાં દેખાશે. વળી આમાં ઉમ્મરનો કોઈ બાધ નથી. નાના મોટા સૌને આ લાગુ પડી શકે છે. તેનો આધાર સંજોગો પર છે. વળી તે નથી જોતું દિવસ કે રાત અને તેનો હુમલો ખાનગી કે જાહેર કોઈ પણ સ્થળે થઈ શકે છે.

આ રોગની કોઈ ચીલાચાલુ દવા નથી એટલે તે બજારમાં મળતી નથી. તેમ છતાં તેના જે ઉપાયો છે તે સરળ પણ હોઈ શકે અને કઠિન પણ હોઈ શકે. સરળ ઉપાય જયારે નાકામયાબ નિવડે ત્યારે કઠિન ઉપાય અજમાવવા જરૂરી છે કારણ તેમ ન થતાં રોગનો ભોગ બનનાર કદાચ પાગલખાને પણ પહોંચી જાય !!
તો વળી વયસ્કોમાં જો સામનો કરવાની સમર્થતા નહી હોય તો તે હૃદયરોગમાં પરિણમી શકે છે. તેમણે તેથી બહુ સાવચેતી રાખવી જરૂરી છે અને આ પ્રકારની પરિસ્િથતિ ઉત્પન્ન ન થાય તેના અથાગ પ્રયત્નો કરવા જોઈએ. જો તેમ નહી કરાય તો પાછળથી પસ્તાવો કરવો પડ અશે.કદાચ તેમ કરવું સહેલુ નથી પણ પ્રયત્ન કરવો જ રહયો.

આ રોગનો અન્ય પ્રકાર છે જે આમ તો નિર્દોષ હોય છે, જેમ કે નવજાત શિશુને જોઈને માને થતી અનુભુતિ. તે જ રીતે મિત્ર-મિત્ર, ભાઈ-ભાઈ, પિતા-પુત્ર તેમ જ સખીઓ વચ્ચે પણ આ ઉદભવી શકે છે. આમ તો આવા પ્રકારના સંબંધોમાં આ રોગ થાય તો તે ચિંતાનો વિષય નથી પણ તેમાં જો અતિરેક થાય તો વાત કદાચ વણસી જાય! તે વખતે તેમના નજદીકનાઓએ યોગ્ય પગલાં લેવા જરૂરી થઈ પડે છે.


આ પણ વાંચો :