ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : મંગળવાર, 11 એપ્રિલ 2017 (13:05 IST)

મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકની ફિલ્મી યાત્રા

આશ્રમરોડ પરથી તમે નહેરૂ બ્રિજ પર થઈ અમદાવાદ શહેરમાં જેવા ઉતરો કે બ્રિજની ડાબી બાજુએ એક નાનકડો ગાર્ડન છે. એ ગાર્ડનમાં એક સ્ટેચ્યુ ( બ્લેક કલર) છે. આ જે વ્યક્તિનું સ્ટેચ્યુ છે એ એક એવી વ્યક્તિ હતી જેણે મહાગુજરાતનું આંદોલન 1956ના ઓગષ્ટની 8મી તારીખે શરૂ કર્યું હતું. એ આંદોલનને જગાડનારા ઈન્દુલાલ યાજ્ઞિક હતાં. જેને અમદાવાદ આજે પણ ઈન્દુચાચાના આદરભર્યા નામખી ઓળખે છે. 1956માં જેઓ યુવાન હતા અને મહાગુજરાતની ચળવળમાં સક્રિય રીતે જોડાયેલા હતાં તે આ ફકિર એવા ઈન્દુચાચાને સારી રીતે જાણતા પણ હશે.  
 
આજે તેમના ટુંકા છતાં રોચક ફિલ્મ જીવનની વાત કહેવી છે. ઈન્દુલાલ યાજ્ઞિક અને ફિલ્મ ?! ઝટ ગળે ના ઉતરે તેવી વાત છે છતાં સાચી છે. તેઓ મુંબઈમાં રણછોડલાલ લોટાવાળાના અખબાર હિન્દુસ્તાનના તંત્રી હતાં. ત્યાંથી એ છુટા થયા પછી તેમને પૈસાની તકલીફ પડવા માંડી ત્યારે એક મિત્રે તેમને કહ્યું. તમે ફિલ્મ માટે સ્ટોરી કેમ નથી લખતાં? સ્ટોરીના રૂપિયા 1000 મળે છે. 
 
તેઓ હિન્દુસ્તાનના તંત્રી હતાં ત્યારે તેઓ સિનેમાની જાહેર ખબરોના કારણે અનેકના સંપર્કમાં આવેલા. ત્યારે ભદ્રકુમાર યાજ્ઞિક ફિલ્મ ક્ષેત્રે ઘણા જાણીતા પ્રચારક અને એક રાઈટર હતાં. ઈન્દુલાલ યાજ્ઞિકને  મિત્રનું સૂચન ગમી ગયું અને તરત આજના ડ્રીમલેન્ડ  અને તે સમયના કૃષ્ણ સિનેમાના સંચાલકોને જઈને રૂબરૂ મળ્યાં. ઈન્દુલાલ યાજ્ઞિકને અંગ્રેજી ટાઈટલનું ગુજરાતી ભાષાંતર કરવા માટેનું કામ મળ્યું. આ દરમિયાન તેમનો પરિચય શારદા ફિલ્મ કંપનીના માલિક નાનુભાઈ દેસાઈનો થયો. એ જમાનામાં પત્રકારને ઘણાં માનપાન મળતાં હતાં. ઈન્દુલાલ યાજ્ઞિકને પત્રકારની રૂએ એ માનપાન મળતાં હતાં. ફિલ્મ નિર્માતાઓ અને ફિલ્મ સ્ટુડિયોના માલિકો, સિનેમાવાળા તેમને અવારનવાર બોલાવતાં રહેતાં. એ હિસાબે તેમને ઘણાં લોકો સાથે સારો એવો પરિચય થયો હતો. 
ત્યાંથી એક ફિલ્મની કથા લખવા માટેનું કહેવામાં આવ્યું અને તેમણે પાવાગઢનો પ્રલય નામની ફિલ્મ બનાવી અને રોયલ સ્ટુડિયોના માલિક અબુશેઠને મળ્યાં. અબુ શેઠને વાર્ચા ગમી અને રોકડા 100 ગણી આપ્યાં. પરંતુ આ વાર્તા પરથી ફિલ્મ બને તો સાંપ્રદાયિક વિવાદ ઉભો થાય તેવું લાગતાં તેમણે વાર્તા પાછી આપી. એ સમયમાં હિમાંશું  રોયની બોમ્બે ટોકિઝનો જબરો દબદબો હતો. તેમણે નૂરજહાંની વાર્તા હિમાંશું રોયને ધ્યાનમાં રાખીને લખી. પરંતુ હિમાંશું રોયનો સંપર્ક ના થઈ શક્યો અને વાર્તા જેમની તેમ રહી ગઈ.
 
ઈન્દુલાલ યાજ્ઞિક મુંબઈના બોમ્બે કેમિકલ નામના અખબારમાં ફિલ્મના રિવ્યૂ લખતાં હતાં. ત્યારે અભિનેત્રી સુલોચના ઘણી જાણીતી હતી. સુલોચના પર તેમણે આર્ટિકલ લખ્યો અને તેને નજરમાં રાખીને નર્સ નામની નવલકથા પણ લખી. જેના પરથી નર્સ યા ને દયાની દેવી નામની ફિલ્મ બની. જે પુરાં બે સપ્તાહ ચાલી હતી. 
 
ત્યારે પણ સ્ટુડિયો એક અથવા બીજા કારણે બંધ થઈ જતાં હતાં. વઝીર નામનો એક સ્ટુડિયો બંધ થયો અને ઈન્દુલાલ યાજ્ઞિકને એ સ્ટુડિયો ભાડે લઈ ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. સ્ટુડિયો ભાડે લઈ તેઓ નારાયણ દીવારે નામની વ્યક્તિ સાથે મળી ક્લાસિકલ પિક્ચર્સની સ્થાપના કરી. પાવાગઢનો પ્રલય ફિલ્મ બનાવવાની જાહેરાત કરી અને નાણા માટે મયાશંકરભાઈને મળ્યાં.પૈસા લીધા એ જમાનામાં 12થી 15 હજારમાં ફિલ્મો બનતી હતી. એ પણ જુના જમાનામાં ઘણી મોટી રકમ હતી. ફિલ્મ તો ગમે તેવી કઠણાઈ વચ્ચે પુરી થઈ. સિનેમામાં લાગી અને બે જ સપ્તાહમા પાટીયાં ઉતરી ગયાં. ફિલ્મના કેટલાક દ્રશ્યો સામે મુસ્લિમ ભાઈઓએ વાંધો લેતા ફેર શુટિંગ પણ કરવું પડ્યું હતું. ત્યારે તેમણે સુલોચના અને ઝુબેદાને 6 હજાર રૂપિયા આપ્યાં હતાં. ત્યાર બાદ રાજપૂત સવાર નામની ફિલ્મ બનાવી હતી. જેમાં મિસ બર્લી નામની હિરોઈનને માધુરીનું રૂપકડું નામ આપીને ચમકાવી હતી. 
 
એ સમયે જર્મનીનાં એક માણસને કાશ્મીર પર ફિલ્મ બનાવવી હતી તેનું નામ હતું મિસ્ટર હાઈલેન્ડ. યાજ્ઞિકને તેની સાથે પરિચય થયો અને બંને જણા ફિલ્મ બનાવવા માટે જ ન મળ્યાં હોય એવું લાગ્યું. ભાગીદારીમાં ફિલ્મ બનાવવાનું નક્કિ થયું. હાઈલેન્ડ પાસે પરદેશના કેમેરા તથા અન્ય સાધનો હતાં. એ જમાનામાં સીતા દેવી નામથી મશહૂર હિરોઈન હતી. તેને તગડી રકમ આપીને રોકી લીધી. કાશ્મીર જવા સૌ રવાના થયાં. વચ્ચે સીતા દેવી જે કારમાં હતી તે કાર બગડતાં હિરોઈનનો મિજાજ ગયો. જબરદસ્ત ઝગડો થયો. ત્યારે ઈન્દુલાલ યાજ્ઞિકને સમજાયું કે હિરોઈનનો મિજાજ બગડે છે ત્યારે ફિલ્મ બનાવનારના શા હાલ થાય છે. તેને સ્થાને તેમણે પેલી માધુરીને લીધી ત્યારે હીરો બિમાર પડ્યો.  આખરે આ પ્રોજેક્ટને અભરાઈએ ચડાવી દેવાયો. યાજ્ઞિક સાહેબ ગાંજ્યા જાય તેવા તો હતા નહીં. તેમણે હાઈલેન્ડને પડતો મુક્યો. અબુ શેઠ સાથે કાશ્મીરનું ગુલાલ નામની ફિલ્મ બનાવી. ફિલ્મ તો બની પરંતુ જબરો વિવાદ ઉભો થયો. જેના કારણે યાજ્ઞિક પણ વિવાદાસ્પદ વ્યક્તિ બની ગયાં. નાણાં ધીરનારા દૂર ભાગવા લાગ્યાં. ફિલ્મ નિર્માણનું કાર્ય ઠપ થઈ જતાં ફરી તેઓ આર્થિક કટોકટીમાં સપડાઈ ગયાં. 
 
આ દડમજલમાં તેઓ સુલોચનાના સંપર્કમાં આવ્યાં. તેમને સુલોચના ગમી ગયેલી અને નર્સ નામની વાર્તા લખી. આ ફિલ્મની વાર્તા બદલ તેમને 500 રોકડા મળ્યાં હતાં. એ જમાનામાં 500ની રકમ ઘણી તગડી હતી. આ રકમ હાથમાં આવતાં જ તેમને થયું હશે કે ફિલ્મ લાઈન એ પૈસાની મોટી ખાણ છે. યાજ્ઞિક કોહિનૂર કંપનીના નારાયણ દિવારેને મળ્યાં વાત કરી પોતાનો વિચાર કહ્યો. ત્યારે નારાયણે તેમના મોટાભાઈ ગજાનન દિવારેને આગળ કરીને તેમનો ભાગીદાર બનાવી દીધો. બંનેએ સાથે મળી ક્લાસિકલ પિક્ચર્સ કોર્પોરેશન નામની સંસ્થા બનાવી. ફિલ્મ બનાવવાનું કામ ઈન્દુલાલ યાજ્ઞિકને સોંપાયું. કારણ કે અન્ય બીજા ભાગીદાર તેમના વ્યવસાયમાં વ્યસ્ત હતાં. 
 
દિવારે ભાઈઓએ પ્રથમ ગ્રાસે માસિકા અર્થાત પહેલે કોળિએ જ માખ જેવી સ્થિતી ઊભી કરી. તેમણે ફિલ્મ બનાવવા માટે નાણાં આપવાની ના કહી. તેઓની દલિલ હતી કે ઈન્દુલાલ યાજ્ઞિકે પહેલા ફિલ્મ બનાવવી પોતાના ખર્ચે અને જો તેમણે સ્થાપેલી કંપનીને ગમશે તો તે ફિલ્મ ખરીદી લેશે. આ વાત પણ ઈન્દુચાચાએ સ્વીકારી લીધી. ફિલ્મ પાવાગઢનો પ્રલય નું દિગ્દર્શન વડોદરાના નાગેન્દ્ર મજમુદારને સોંપાયું. ફિલ્મના હીરો તરીકે વડોદરાના જ નરહરી નામના યુવાનને લીધો જે એક વ્યાયામવીર હતો. પતાઈ રાવલની ભૂમિકા માચે છ ફૂટ ઊંચા અને કદાવર એવા ઝવેરભાઈ ફૈઝરને લીધા. મહંમદ બેગડાની ભૂમિકા માટે હાજી વજીરના સ્ટુડિયોના કાયમી કલાકાર દાદા આઠવલે પસંદ કર્યાં. ફિલ્મની હિરોઈન માટે એક એંગ્લો ઈન્ડિયન યુવતીને પસંદ કરાઈ હતી. 
ફિલ્મનું શૂટિંગ થોડું મુંબઈમાં, પછી વડોદરામાં અને પાવાગઢના લોકેશન પર કરાયું, પાવાગઢમાં ચોમાસુ નડ્યું. એક મારા મારીના દ્રશ્યમાં દાદા આઠવલેને સાથોસાથ માર મારવામાં આવ્યો. દાદા આઠવલેએ દાઝ ઉતારવા ફરીથી રિશૂટ કરવા કહ્યું અને રિશૂટમાં દાદા આઠવલેએ પેલા કલાકારને એવો તો ધોઈ કાઢ્યો કે પેલો કલાકાર ફિલ્મના દ્રશ્યમાં સાચી મારા મારી કરી નેચરાલીટી લાવવાની ખો ભૂલી ગયો. ફિલ્મ પુરી થઈ. એડિટિંગ કરાયું. દીવારે ભાઈઓને ફિલ્મ બતાવી ત્યારે પેલા વરસાદી માહોલમાં લેવાયેલા દ્ર્શ્યો ઝાંખા લાગતાં ફરી શૂટિંગ કરવા કહેવાયું. અને ફરી યુનિટ આખું પાવાગઢમા ઉતરી પડ્યું. ફિલ્મ માટે આ ખર્ચો વધારે હતો. બજેટ ધાર્યાં કરતાં વધુ થઈ જતાં યાજ્ઞિક સાહેબ ફરી વગર સાબુએ ધોવાઈ ગયાં. આખરે ફિલ્મ પરદે આવી અને ઈન્દુલાલ યાજ્ઞિક પ્રસ્તુત..... શબ્દો સાથે એ શરૂ પણ થઈ. ચાચાની વાહ વાહ થવા લાગી. 
 
એ જમાનામાં પણ રંગમાં ભંગ પાડનારા તો હતાં જ. આ ફિલ્મમાં એક દ્રશ્ય હતું જેમાં મોહંમદ બેગડા કેળું ખાતો અને માતાજીને પ્રણામ કરતો બતાવાયો હતો. જેને ધાર્મિક ઝૂનૂન વાળા લોકોએ આગળ કરી વાંધો ઉઠાવ્યો. આ વિરોધ એટલી હદે વકર્યો કે ફિલ્મમાંથી એ દ્રશ્ય પર કાતર ચલાવવી પડી અને ફિલ્મનો આત્મા સાવ જ મરણને શરણ થયો હતો. 
 
ઈન્દુલાલ યાજ્ઞિકે 1928માં યંગ ઈન્ડિયા નામની ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો હતો. હીરો તરીકે ફરી નરહરિને પસંદ કરાયો. બે હિરોઈનમાં એક ઝુબેદાને પસંદ કરાઈ કો બીજી માટે સુલતાના નામની .... પર કળશ ઢોળાયો હતો. આ બંને હિરોઈન અબુશેઠની પગારદાર હતી. એ જમાનામાં કોન્ટ્રેક્ટ પધ્ધતિ નહોતી. દરેક કંપનીને પોતાના કલાકારો હતાં અને તેમને દર મહિને નિયમિત રીતે પગાર ચૂકવવામાં આવતો હતો. 
 
 જો કે અબુ શેઠની પરવાનગી માટે ઈન્દુચાચાને સારી એવી રકમ ચૂકવવી પડી હતી. એ જમાનામાં એક નિર્માતાની ફિલ્મ સફળ થાય તો  તરત બીજા નાણાં ઘીરનારા મળી રહેતાં હતાં. એટલે ઈન્દુચાચાને નાણાં ઘીરનારા મળી ગયાં હતાં. જેમાં નગીનદાસ માસ્તર નામની વ્યક્તિ હતી અને શારદા સ્ટુડિયોમાં શેઠ પણ હતાં. ઈન્દુચાચાએ તરત શેવરોલેટ નામની કાર ખરીદી લીધી.
આ ફિલ્મની હિરોઈન માટે તેમણે ફરી નવી એંગ્લો ઈન્ડિયન છોકરી પસંદ કરી. એનું નામ મીસ બેરલ હતું. પરંતુ ફિલ્મ માટેનું નામ માધુરી એવું રાખ્યું હતું. ફિલ્મ શરૂ થતાં જ અંદરના મતભેદ ઉભા થયાં અને દિગ્દર્શક રમાકાંતને દૂર કરાયાં. ઈન્દુલાલ યાજ્ઞિકે જાતે ફિલ્મનું દિગ્દર્શન કર્યું. ફિલ્મ પુરી થઈ ફિલ્મ રજુ થવાની તૈયારીમાં હતી ત્યારે મુંબઈમાં હૂલ્લડના ડરથી પ્રેક્ષકો જ ના મળ્યાં. 
 
યંગ ઈન્ડિયાનું દેવું હતું ત્યાં આ ઘડી આવી. સ્ટુડિયોમાં કામ કરનારને પગાર આપવાના પણ પૈસા નહોતા. ફાઈનાન્સરે પણ નાણાં ઘીરવાની ના કહી દીધી હતી. પરંતુ ઈન્દુચાચા ડગે એવા નહોતા. તરત તેમણે ઝવેરચંદ મેઘાણીની રસધારમાંથી સાંઈની નેસડી નામની વાર્તાને પસંદ કરી અને રખત રખાપત નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી. જેમાં તળાજાના ધણી એભલવાળા અને આઈ નેસડી સાંઈની ખૂબજ જાણીતી વાર્તા હતી. અને આ વાર્તા આજે પણ ઘણી જાણીતી છે. જેના પર એ પછી બેથી ત્રણ ફિલ્મો પણ ગુજરાતીમાં બની ગઈ. 
 
આ ફિલ્મ સેટ પર જાય તે પહેલાં જ ફરી પેલો જર્મન માણસ હાઈલેન્ડ ભેટી ગયો. તેણે લંકાની વન્યસૃષ્ટી પર ફિલ્મ બનાવી હતી. તે ફરી કાશ્મીરનું ગુલાલ બનાવવા ઈચ્છતો હતો. ફિલ્મ માટે ફરી સીતાદેવી અને એક લોહાણા યુવકને રોકી લીધા. આ ફિલ્મમાં સાપના ખેલ બતાવવાના હતાં. તે ખેલ સરોજિનિ નાયડુના બહેન સુહાસિની કરવાના હતાં. પરંતુ દ્રશ્યો ઝડપાય તે પહેલા જાણ થઈ કે બધા સાપ મરી ગયાં હતાં. કાશ્મીર જતાં પહેલા માર્ગમાં એક પુલ તૂટી ગયોય મહામુસિબત પછી કાશ્મીર પહોંચ્યાં. આ તરફ સીતા દેવી રિસાઈને જતી રહી. 
ઈન્દુચાચાની રખત રખાપત ફિલ્મ પુરી થઈ ગઈ હતી. પરંતુ તે ચાચાની ગેરહાજરીને કારણે ધાર્યા મુજબની ફિલ્મ બની નહોતી. ચાચા માધુરીને લઈને કાશ્મીર જવા રવાના થયાં. પેલા લોહાણા યુવકને ડબલ ન્યૂમોનિયા થયો. તરત તેના મા બાપને બોલાવાયા. શૂટિંગ ઠેરનું ઠેર રહ્યું. યાજ્ઞિક પર એ જમાનામાં એક લાખ 25 હજાર રૂપિયાનું દેવું થઈ ગયું હતું. પરંતુ હાર્યા જુગારી બમણું રમે એ કહેવત મુજબ ઈન્દુલાલ યાજ્ઞિકે ફરીથી જયરાજ જેવા અભિનેતાને લઈને કાળીનો એક્કો ફિલ્મ બનાવવાની શરૂઆત કરી. 
એક તરફ લેણદારોનાં ધાડાં બીજી તરફ પૈસાની જબરી ખેંચ. આ સમયે રાષ્ટ્રીય ચળવળે જોર પકડ્યું. વીર ભગતસિંહને ફાંસી અપાઈ. દેશ આખો બ્રિટિશરો સામે દાઝે ભરાયો. ઈન્દુચાચા તો મુળ પાછા દેશદાઝ વાળા. તેમણે દેવા પેટે તેમની યંગ ઈન્ડિયા કંપની અબુ શેઠને સોંપી દીધી અને ફિલ્મ જગતને રામ રામ કરી દીધાં. 
ઈન્દુચાચા તેમની આત્મકથામાં લખે છે, કંપની અબુ શેઠને સોંપી દેતાં લેણદારો દૂર થઈ ગયાં, હૂકમનામું પાછું વાળવાનું કામ સરળ થઈ ગયું. કંપનીના તમામ માણસોની વિદાય લઈ, મારા અંગત કપડાં અને સર સામાન લેવા સિવાય કંપની પર ગયો જ નહીં અને એ પછી બીજી ફિલ્મ કંપની સામે નજર સુદ્ધાં પણ ન કરી. 
આ ઈન્દુલાલ યાજ્ઞિક એક ખૂબજ બુદ્ધિશાળી જીવ હતાં. ઝટ કમાણી કરી એ તેમની કદાચ ભૂલ હતી. તેઓ ઘણાં વિવાદાસ્પદ પણ રહ્યાં હતાં. એ લડવીર હતાં. એ સફળ થયાં હોત તો કદાચ જુદો જ ઈતિહાસ રચાયો હોત.