મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By વેબ દુનિયા|

અવિનાશ વ્યાસ: 110ટકા ગુજરાતીઓનાં હૈયે છે, ને હોઠે પણ વરસો-વરસ રહેશે

P.R
ગુજરાતી ફિલ્મના ‘નંબરીયા’ (ટાઈટલ્સ) શરૂ થાય.....લખાયેલું આવે: ‘ગીત-સંગીત: અવિનાશ વ્યાસ’, અને તાળીઓ પડે

સીત્તેરના દાયકામાં ગુજરાતી ફિલ્મોનો ધોધ વછૂટ્યો અને જે અસીમ લોકપ્રિયતા તેને પ્રાપ્ત થઈ, એ અરસાના ગુજરાતી ફિલ્મોના રસિયાઓના દિલોદિમાગ પર કેટલાય કલાકારોનાં નામ એવાં કોતરાઈ છે કે હજી આજેય એ સૌની સ્મૃતિ અકબંધ છે. આ ગાળાના સર્વાધિક લોકપ્રિય અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીની જીવનકથાનું સંપાદન રજનીભાઈ સાથે કરવાનું બન્યું એ પછી જ્યાં જ્યાં પુસ્તકના સમારંભ નિમિત્તે જવાનું બન્યું ત્યારે આ હકીકત વારંવાર નજરે પડી. પડદા પર દેખાતા કલાકારો જેટલું જ લોકપ્રિય એવું બીજું નામ, જે કેવળ પડદા પર જ જોવા મળે, એ છે અવિનાશ વ્યાસનું. ગુજરાતી ફિલ્મના ‘નંબરીયા’ (ટાઈટલ્સ) શરૂ થાય એટલે દિગ્દર્શકના નામની પહેલાં પડદા પર લખાયેલું આવે: ‘ગીત-સંગીત: અવિનાશ વ્યાસ’, અને તાળીઓ પડે.

પણ સમયગાળાની રીતે જોઈએ તો સીત્તેરનો દાયકો અવિનાશભાઈના જીવનનો પાછલો ગાળો કહેવાય, કેમ કે ફિલ્મોમાં તો એ છેક ચાલીસના દાયકાના આરંભથી સંકળાયેલા હતા. તેમનો જન્મ ૨૧મી જુલાઈ, ૧૯૧૨ના દિવસે અમદાવાદમાં. એટલે કે આજથી શરૂ થતું વર્ષ તેમની જન્મશતાબ્દિનું વર્ષ છે. સીત્તેરના દાયકામાં તેમણે ઢગલાબંધ ફિલ્મોમાં સંગીત આપ્યું અને બધું મળીને કુલ ૧૯૦ ગુજરાતી ફિલ્મોમાં તેમનું સંગીત ગૂંજ્યું. પણ એ હકીકત ઓછી જાણીતી છે કે તેમણે સંગીતબદ્ધ કરેલી હિંદી ફિલ્મોની સંખ્યા બે-પાંચ કે દસ વીસ નહીં, પૂરી ૬૨ છે અને તેમણે સંગીતબદ્ધ કરેલાં હિંદી ગીતોની સંખ્યા છે ૪૩૬. ફક્ત ને ફક્ત આંકડાકીય સરખામણી ખાતર એ નોંધવું રહ્યું કે નૌશાદની કુલ ફિલ્મોની સંખ્યા ૬૫ હતી, હેમંતકુમારે સંગીતબદ્ધ કરેલી ફિલ્મોની સંખ્યા હતી ૫૪, જ્યારે રોશનની કુલ ફિલ્મોની સંખ્યા હતી ૫૭. આથી એ ખ્યાલ આવશે કે અવિનાશભાઈને ફક્ત ગુજરાતી ફિલ્મોના સંગીતકાર ન ગણી શકાય. (તેમની હિંદી ફિલ્મોની ફિલ્મોગ્રાફી હરીશ રઘુવંશીના સૌજન્યથી અહીં મૂકી છે.)

જો કે, હિંદી ફિલ્મોમાં અવિનાશભાઈનાં અમુક જ ગીતો જાણીતા બન્યા. જેમાંના કેટલાક અહીં મૂક્યા છે. પણ તેમને ખરેખરી કામયાબી મળી ગુજરાતી ફિલ્મોમાં. એમાંય સીત્તેરના દાયકામાં તો ગુજરાતી ફિલ્મોમાં તેમણે લગભગ એકચક્રી રાજ કર્યું એમ કહી શકાય.

૧૯૪૦માં તે મુંબઈ આવ્યા. ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં પાસે શાસ્ત્રીય સંગીતની તાલિમ લીધી. એચ.એમ.વી. તેમજ યંગ ઈન્ડીયા કંપનીમાં વાદક તરીકે તે જોડાયા. અહીં તેમનો પરીચય થયો અલ્લારખાં કુરેશીનો, જે આગળ જતાં તબલાંવાદક ઉસ્તાદ અલ્લારખાંના નામે વધુ જાણીતા થયા. સનરાઈઝ પિક્ચર્સની ‘મહાસતી અનસૂયા’માં તેમને તક તો મળી, પણ સફળતા હજી દૂર હતી. અમુક કારણોસર આ ફિલ્મમાં અલ્લારખાં, શાંતિકુમાર અને ત્રીજા સંગીતકાર તરીકે અવિનાશ વ્યાસ-એમ ત્રણ સંગીતકારનાં બનાવેલાં ગીતો હતાં. ત્યાર પછી જે.બી.એચ.વાડિયાની ફિલ્મ ‘કૃષ્ણભક્ત બોડાણા’માં અવિનાશભાઈને ફરી તક મળી, અને ફરી નિષ્ફળતા પણ. આવા સમયે તેમને તક આપી હીરાલાલ ડૉક્ટર નામના સજ્જને, જે અવિનાશભાઈના મામા ઈશ્વરલાલ મહેતાના મિત્ર હતા. છેક ૧૯૨૫ના મૂંગી ફિલ્મોના ગાળાથી ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલા અને ઈન્દુલાલ યાજ્ઞિક સાથે મળીને ફિલ્મ કંપની શરૂ કરનાર હીરાલાલને અવિનાશભાઈ પણ ‘મામા’ કહેતા. હીરાલાલ ત્યારે ગુજરાતી ફિલ્મ ‘જીવનપલટો’ બનાવી રહ્યા હતા. આ ફિલ્મનાં હીરોઈન હતાં નિરૂપા રોય. અવિનાશભાઈએ વિનંતી કરી કે તેમને પોતાને ફિલ્મના કથાનક મુજબ ગીતો લખવાની છૂટ આપવામાં આવે તો પોતે તેની તરજ સારી રીતે બાંધી શકશે. આ એક જોખમ જ હતું. કેમ કે ફિલ્મમાં ગીતકાર તરીકે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પણ હતા. એમના જેવા સિદ્ધહસ્ત કવિની સામે આ નવાસવા સંગીતકાર- ગીતકાર પાસે ગીતો લખાવવામાં જોખમ પૂરેપૂરું હતું. પણ હીરાલાલે અવિનાશ વ્યાસની આવડતમાં વિશ્વાસ મૂકીને તેમને ગીતો લખવા કહ્યું. અવિનાશભાઈએ ત્રણ ગીતો લખ્યાં, જેમાંથી એક ગીત પસંદ કરવામાં આવ્યું. બાકીનાં બે ગીતો રસકવિનાં અને એક ગીત કવિ વાલમનું. જો કે, આ ફિલ્મને પણ ગ્રહણ નડ્યું. ધંધાકીય આંટીઘૂટી એવી નડી કે મુંબઈમાં એ ફિલ્મ રજૂ જ ન થઈ શકી. અમદાવાદમાં રજૂ થઈ અને સાતેક અઠવાડિયાં ચાલી. પણ એનાથી હીરાલાલ ડૉક્ટરના જીવનનું સુકાન જ ફરી ગયું અને ફિલ્મલાઈનને તેમણે કાયમ માટે અલવિદા કરવી પડી. (પાછલી અવસ્થામાં પત્ની લીલાબેન સાથે તે અમદાવાદના એક વૃદ્ધાશ્રમમાં આવીને રહ્યા હતા ત્યારે રજનીકુમાર પંડ્યાએ તેમની પુત્રવત સાચવણ કરેલી. ડૉક્ટરે પણ આવી અનેક અજાણી વાતોનો ખજાનો ખુલ્લો મૂકેલો.) જો કે, ૧૯૪૮માં આવેલી ‘ગુણસુંદરી’ ફિલ્મથી અવિનાશ વ્યાસની ગાડી એવી સડસડાટ ચાલી કે પાછું વાળીને જોયું જ નહીં.

જુઓ આગળ તેમના ગીતોનો વીડિયો



૧૯૪૭માં ‘એન.એમ.ત્રિપાઠીની કંપની’ દ્વારા પ્રકાશિત અને અવિનાશભાઈ લિખીત પુસ્તક ‘મેંદીના પાન’માં કુલ નવ ‘સંગીતકમ’ (ગીત,સંગીત અને નૃત્યનો ત્રિવેણી સંગમ ધરાવતી રંગભૂમિ પર ભજવાતી આ કૃતિઓની આ નામે ઓળખ તેમણે જ આપી છે) છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં અવિનાશભાઈના કલાકારજીવનો પરિચય સુપેરે થાય છે. કથાનકની માંગ મુજબ ગીત લખવા અંગે તેમણે લખ્યું છે: “સંગીત જેનો પ્રાણ છે એવા સંગીતકમમાં ડગલે ને પગલે શિષ્ટ કાવ્યત્વ શોધવાનું આપણા કવિવરો માંડી વાળે. જાણી બૂઝીને મેં સંગીત શબ્દ વાપર્યો છે કે જેમાં અમારે અનેક વસ્તુઓને વફાદાર રહેવાનું છે. ગાયન, વાદનઅને નર્તનને, એનાથીય વધારે રંગભૂમિ પર મંડાયેલી વાર્તાને; વાર્તાના પ્રસંગને, પ્રસંગના રંગને. આ બધામાં કવિતાને અવકાશ નથી એવું રખે માનતા, વિરાજવાનું હોય છે ત્યાં અને ત્યારે, પૂર્ણ સ્વમાન સહ કવિતા આવીને એને આસને બિરાજે છે. એને નહીં નીરખવાનો નિરધાર કરી બેઠેલા એને નીરખતાનથી તો યે.. તો યે..” આ જ લખાણમાંની ‘આમ્રપાલી’ કૃતિના એક પ્રસંગ વિષે તેમણે લખ્યું છે: “જે વસ્તુ કવિતા પચાવી શકતી ન હોય ત્યાં કવિતાને સ્થાનભ્રષ્ટ કરવાનો મ્હને અધિકાર શો છે?” આ નિવેદનમાંથી તેમના મનમાં ગીતલેખન વિષે શો ખ્યાલ હતો એનો બરાબર અંદાજ આવે છે. ગીતલેખનની આ સૂઝને ગુજરાતી ફિલ્મોમાં તેમણે બરાબર અમલમાં મૂકી. તેને લઈને ગુજરાતી ગીતોમાં અવિનાશભાઈની કલમ બરાબર નીખરી. ગુજરાતના લોકજીવન, સંસ્કારજીવનને ઉજાગર કરતા અનેક ગીતો તેમણે લખ્યાં અને સંગીતબદ્ધ કર્યાં. આ ગીતો ખૂબ જ લોકપ્રિયતા પામ્યા. અવિનાશભાઈએ આટલી હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યા છતાં એક પણ વખત હિંદી ગીતલેખન પર હાથ અજમાવ્યો હોવાનું જાણમાં નથી. (સીધા હિંદીમાં જ શેઅર લખવાનું શરૂ કરી દેતા ગુજરાતી નવકવિઓએ આ બાબત નોંધવા જેવી છે.) હિંદી ફિલ્મોમાં તેમણે સરસ્વતીકુમાર ‘દીપક’, રમેશ ગુપ્તા, ભરત વ્યાસ, કમર જલાલાબાદી, પ્રદીપ, અન્જાન, ઈન્દીવર, પ્રેમ ધવન, પી.એલ. સંતોષી, રાજા મહેંદી અલી ખાં જેવા પ્રતિભાશાળી ગીતકારોએ લખેલાં ગીતો સ્વરબદ્ધ કર્યાં છે, તો આશા ભોંસલે, લતા મંગેશકર, મહંમદ રફી, મુકેશ, તલત મહેમૂદ, ગીતા દત્ત, સુધા મલ્હોત્રા, હેમંતકુમાર જેવા ખ્યાતનામ ગાયક-ગાયિકાઓએ તેને સ્વર આપ્યો છે. જો કે, આ ગીતોમાંથી બહુ ઓછાં ગીતો જાણીતાં બન્યાં, જેમાંના કેટલાંક યૂ ટ્યૂબના સૌજન્યથી અહીં મૂક્યા છે.

૧૯૮૯માં આશા ભોંસલેને તેમના નિવાસસ્થાને અનૌપચારિક રીતે એક ચાહક લેખે અડધો-પોણો કલાક માટે મળવાનું બન્યું ત્યારે એટલી અલપઝલપ મુલાકાતમાંય અમે ગુજરાતના છીએ એ જાણીને આશાજીએ ભાવપૂર્વક ‘અવિનાશભાઈ’ને યાદ કરીને તેમના સંગીતમાં ‘માડી તારું કંકુ ખર્યું’ પોતે ગાયું હતું એ યાદ કર્યું હતું. સંગીતમાં તેમના પ્રદાન બદલ પદ્મશ્રીનું સન્માન તેમને છેક ૧૯૭૦માં પ્રાપ્ત થયેલું. પણ એ પછીના વરસોમાં તેમણે એકસો ચોત્રીસ જેટલી ફિલ્મો કરી અને એ ગાળાની ગુજરાતી ફિલ્મોના ગીત-સંગીતનો પર્યાય બની રહ્યા. આ અરસામાં મહેન્દ્ર કપૂરના કંઠનો તેમણે ઘણો ઉપયોગ કર્યો. તેમની વ્યાવસાયિક ખાસિયત વિષે ઉપેન્દ્ર ત્રિવેદી કહે છે, “ અવિનાશભાઈની વ્યાવસાયિક સૂઝ જબરદસ્ત એટલે બરાબર જાણે કે નિર્માતાને નુકસાન ન જવું જોઈએ. કોઈ ફિલ્મમાં સંગીત એ આપે એટલે બે-ત્રણ લોકગીતો એમાં લે, એના શબ્દોમાં ફિલ્મની જરૂર મુજબ ફેરફાર કરે અને બાકીનાં બે-ત્રણ ગીતોમાં પોતાને ગમતા પ્રયોગો કરે. એટલે માનો કે, પ્રયોગવાળાં ગીતો ન ચાલે તો પણ લોકગીતોને કારણે ફિલ્મનું સંગીત ચાલે જ અને નિર્માતાને નુકસાન ન જાય.” જો કે, વ્યાવસાયિક સૂઝની સાથોસાથ એમની વ્યાવસાયિક વૃત્તિ પણ એટલી જ બળવાન હતી. વિચારતાં એ પણ જણાઈ આવે કે અન્યથા પ્રતિભાશાળી, પણ અવિનાશભાઈ જેવી વ્યાવસાયિક વૃત્તિના અભાવે એવા ઘણા સંગીતકારોનો લાભ ગુજરાતી ફિલ્મોને જોઈએ એટલો મળી શક્યો નહીં.

એક અંદાજ મુજબ અવિનાશભાઈની કલમમાંથી સર્જાયેલાં ગીતોની સંખ્યા પાંચ આંકડે પહોંચે છે. આટલી બહુલતાને લઈને તેમનાં સંગીતમાં પાછળથી એકવિધતા પણ પ્રવેશી હોય એમ જણાય. તો તેમનાં પોતાનાં જ ગીતો પાછલા વરસોમાં થોડા ફેરફાર સાથે ફરી આવતાંય જોવા મળે. ગુજરાતી ગીતની એકવિધતાની છાપ સીત્તેરના દાયકામાં વધુ ઘેરી બની એ પણ આ કારણે.

અનેક ગીતોને અસંખ્ય ચાહકોના હોઠે રમતાં મૂકીને ૨૦મી ઓગસ્ટ, ૧૯૮૪ના રોજ તેમણે કાયમ માટે આંખ મીંચી. તેમના પુત્ર ગૌરાંગ વ્યાસ કાબેલ સંગીતકાર છે અને તેમણે અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું છે, એમ અવિનાશભાઈના ગીતોને પણ સંગીતબદ્ધ કર્યા છે. ગુજરાતને ગાતું કરનાર અવિનાશ વ્યાસની જન્મશતાબ્દિના આ વર્ષમાં તેમની સ્મૃતિને કાયમ માટે સાચવી લેવા માટે વિવિધ કાર્યક્રમો ઉપરાંત તેમનાં તમામ ગીતોનો સંચય- જીવનકથા જેવું કંઈક નક્કર કામ થાય તો તેમનું ઋણ કંઈક અંશે ફેડી શકાય. અલબત્ત, સુરેશ દલાલ દ્વારા તેમનાં ગીતોનું સંપાદન ‘પાંદડું લીલું ને રંગ રાતો’ ના નામે થયું છે, એ નોંધવું રહ્યું.